
દુનિયાભરમાં આતંકવાદના મુદ્દે એક્સપોઝ થયા બાદ પાકિસ્તાન બેકફૂટ પર આવી ગયું છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક દિવસ પહેલા શિમલા કરાર પર ઝેર ઓક્યું હતું. ખ્વાજા આસિફે શિમલા સમજૂતીને ડેડ ડોક્યૂમેન્ટ ગણાવ્યા હતા. જે નિવેદન બાદ પાકિસ્તાન ફરી એકવાર ડેમેજ કંટ્રોલમાં લાગ્યું છે.
શુક્રવારે પાકિસ્તાનના રક્ષા મંત્રાલયે કહ્યું કે, 'આ ઐતિહાસિક સમજૂતી સહિત ભારત સાથે કોઈ પણ દ્વિપક્ષીય સમજૂતીઓ રદ કરવાનો કોઈ નિર્ણય નથી લેવાયો.' પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, 'હાલના ઘટનાક્રમ બાદ ઇસ્લામાબાદમાં આંતરિક ચર્ચાઓ તેજ બની છે, પરંતુ ભારત સાથે હાલ સમજૂતી રદ કરવા માટે કોઈ સત્તાવાર પગલું ભરાયું નથી.'
શિમલા સમજૂતી ખતમ કરવાનો કોઈ સત્તાવાર નિર્ણય નહીં
પાકિસ્તાની વિદેશ મંત્રાલયે કહ્યું કે, હાલ ભારતની સાથે કોઈપણ દ્વિપક્ષીય સમજૂતીને ખતમ કરવાનો કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી. શિમલા સમજૂતી સહિત તમામ સંધિઓ હજુ પણ લાગુ છે. એક દિવસ પહેલા 5 જૂને પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, ભારતની કાર્યવાહીના કારણે શિમલા સમજૂતીની પવિત્રતા ખતમ થઈ ગઈ છે.
શિમલા સમજૂતીમાં ત્રીજો પક્ષ નથી: ખ્વાજા આસિફ
ખ્વાજા આસિફે કહ્યું હતું કે, 'આ સમજૂતી દ્વિપક્ષીય હતી કારણ કે તેમાં કોઈ ત્રીજો પક્ષ કે વિશ્વ બેંક સામેલ ન હતી. ઇસ્લામાબાદ શિમલા સમજૂતીને સમાપ્ત કરવા પર વિચાર કરી શકે છે અને એવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે લાઈન ઓફ કંટ્રોલ (LoC) યુદ્ધવિરામ રેખા બનાવવામાં આવશે.'