
રાજ્યમાં એપ્રિલ મહિનામાં જ કાળઝાળ ગરમી પડી રહી છે. જેના લીધે જનતા- પશુઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આવામાં આગની ઘટનાઓ રાજ્યના જુદાજુદા વિસ્તારોમાંથી સામે આવી રહી છે. ભાવનગર જિલ્લાના જાળિયા ગામના હસ્તગીરી તીર્થના ડુંગરમાં એકવાર ફરી આગ લાગી હતી.
મળતી માહિતી અનુસાર, પાલીતાણા તાલુકાના જાળિયા ગામે આવેલા હસ્તગીરી તીર્થના ડુંગર પર અચાનક ફરી આગ લાગી હતી. ડુંગર વિસ્તારમાં ફરી આગ લાગવાની જાણ થતા મામલતદાર સહિત વન વિભાગના સ્ટાફ સહિત ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. આ ડુંગરમાં વન્ય પ્રાણીઓ સિંહ સહિત વસવાટ કરી રહ્યા છે. દર વર્ષે આગ લાગે છે ત્યારે આ વર્ષે પણ ઉનાળામાં આગની ઘટના બની હતી. આગ લગાડવામાં આવે છે કે લાગે છે તે કારણ અકબંધ રહ્યું છે. ડુંગર પર ફરી આગ લાગવાની જાણ થતા પાલીતાણા ફાઈટર વિભાગ પણ ઘટનાસ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી.