
- કોર્પોરેટ પ્લસ
- દેશના પહેલા પેટકેર સ્ટાર્ટઅપ બેંગલૂરૂની બ્રાન્ડડ્રૂલ્સ કંપની પર યુનિકોર્નનું લેબલ
- એક સમય હતો કે જ્યારે ડોગ અને કેટ પાળનારા તેમને એક સાથીદાર તરીકે રાખતા હતા હવે તેને ઘરના એક સભ્ય તરીકે માન મળી રહ્યું છે
- કોરોના પછી લોકોનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ વધ્યો છે જેના કારણે લોકો પોતાના પ્રિય પ્રાણીઓ માટેના આરોગ્ય અને તેમને ખુશ રાખવા પાછળ હજારોનો ખર્ચ કરતા થયા છે
- પેટ ફૂડનું સૌથી મોટું માર્કેટ તમિળનાડુમાં છે. કેમકે ત્યાં ૨૦થી ૩૦ લાખ ધરોમાં પેટ એનિમલ જોવા મળે છે. ગોદરેજ કોઇ પણ પેટ પ્રોડક્ટની શરૂઆત તમિળનાડુમાંથી શરૂ કરે છે કમકે ત્યાં પેટ લવર્સ ફટોફટ રિસ્પોન્સ આપતા હોય છે
પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ હવે ઠેર ઠેર જોવા મળે છે. પાળેલા પ્રાણીઓને પોતાના ફેમિલી મેમ્બરની જેમ સાચવતા હોય છે. પ્રાચીન સમયથી કેટલાક પ્રાણીઓ માનવ વસાહત સાથે રહેતા આવ્યા છે. જેમ પોતાના સંતાનને ઉછેરવામાં લોકો વિશેષ સમય ફાળવતા હોય છે એમ પોતાના પાળેલા પ્રાણીઓના ઉછેર અને તેમની શારીરિક માવજત માટે લોકો હજારો રૂપિયા ખર્ચતા હોય છે.
પાળેલા પ્રાણીઓમાંની જરૂરિયાત પુરી પાડતી વિશાળ ઇન્ડસ્ટ્રી કામ કરી રહી છે. જેને પેટ ઇન્ડસ્ટ્રી કહે છે. પેટ ઉદ્યોગે પ્રાણીઓના માલિકોની જરૂરીયાત પ્રમાણે વિકસી રહ્યો છે. હવે પેટ ગ્રુમિંગ અર્થાત તેના માટેના બ્યૂટી સલૂન વગેરે પાછળ લોકો હજારો ખર્ચતા આવ્યા છે. પ્રાણીઓ પાળવાનો શોખ માત્ર પૈસાદારોમાં હોય છે એવું નથી ઉચ્ચ મધ્યમ વર્ગ પણ પોતાના પાળેલા પ્રાણીઓની સરભરા સમયસર કરે છે અને પોતાના સંતાનની જેમ તેમને સાચવે છે.
પ્રાણી પ્રેમ એટલે તેને પાળવાની જરૂર નથી હોતી પણ આપણી વસાહત કે સોસાયટીમાં રહેતા પક્ષી-પ્રાણીઓને નિયમિત ખોરાક આપવો કે તેમના માટે કોઇ શેલ્ટરની વ્યવસ્થા ઉભી કરી આપવી વગેરેનો પણ સમાવેશ થાય છે.
એનિમલ હોસ્પિટલો,પાળેલા પ્રાણીઓ માટે હોસ્ટેલ વગેરે મોટા શહેરોમાં કોમન બનતું જાય છે. સાથે સાથે પેટ ગ્રુમિંગનો બિઝનેસ પણ બહુ મોટા પાયે આકાર લઇ ચૂક્યો છે. પોતાના પાળેલા પ્રાણીને ખાસ કરીને ડોગ અને કેટને મેડીકેટેડ વોટરની ટ્રીટમેન્ટ આપવી, તેના નખ કાપવા, નાક કાનમાંથી મેલ કાઢવો વગેરે ગ્રુમિંગ બિઝનેસમાં આવે છે.તેના શરીરમાં રહેલી જીવાત ને બહાર કાઢવી, તેના વાળને કટ કરાવીને દેખાવડો બનાવવો વગેરે કામ કરી આપતી એેજંસીઓ હોય છે.
ભારતનો પેટકેર ઉદ્યોગ હાલમાં ૬૦૦૦ કરોડ રૂપિયાનો છે જે ૨૦૨૮ સુધીમાં તે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા પર પહોંચશે. પેટકેર એટલે માત્ર પાળેલા પ્રાણીઓનું ફૂડ નહીં પણ તેની હેલ્થ, તેની રોગપ્રતિકારક શક્તિ, તેના આંતરડાની તાકાત વગેરે પર નિયંત્રણ રાખવાનો પણ સમાવેશ થાય છે.
તમિળનાડુમાં ગોદરેજ નિન્જા નામની પેટકેર બ્રાન્ડ શરૂ કરાઇ છે. તે સાયન્ટિફીક ફોર્મ્યુલા પર આધારીત ડોગ ફૂડ બનાવે છે. જેના કારણે ડોગમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તેનો સ્ટૂલ આસાનીથી પસાર થાય છે.
વિદેશમાં ખાસ કરીને કેનેડા જેવા દેશોમાં ઘેર ઘેર ડોગ અને કેટ જોવા મળે છે. ભારતના મોટા શહેરોમાં ૧૦ ટકા લોકો ડોગ ઘરમાં રાખે છે તેમાંથી ૩ ટકા લોકો કેટ રાખે છે. એકાદ ટકા લોકો ઘેર ફીશ ઓક્વેરીયમ રાખે છે જ્યારે કેટલાક કાચબા તો કેટલાક પોપટ અને ફાર્મ હાઉસ ધરાવનારા હરણ વગેરે પણ રાખે છે.
ધણીવાર લકઝરી કારમાં ડોગને સાથે રાખીને તેના માલિક પસાર થતા હોય ત્યારે નજીકમાંથી પસાર કરતા રાહદારીઓ કારમાંના ડોગને જોઇને કહેતા હોય છે કે ડોગ નસીબવંતો છે.
ગયા અઠવાડીયે બેંગલૂરૂની પેટ બ્રાન્ડડ્રૂલ્સ કંપની એટલા માટે સમાચારમાં ચમકી હતી કે તે સ્ટાર્ટઅપ પર યુનિકોર્નનું લેબલ વાગ્યું હતું. તે એક અબજ ડોલરની કંપની બની હતી. પેટ એનિમલ માટેના ઇનોવેશન સાથે સંકલાયેલા સ્ટાર્ટઅપને સ્વિસ ફૂડ કંપની નેસ્લે એસએનું પહેલું રોકાણ મળ્યું હતું. પેટકેર ઉદ્યોગમાં પહેલીવાર સ્ટાર્ટઅપને ૧૦ ટકા જેટલું રોકાણ મળ્યું હતું.
એક સમય હતો કે જ્યારે ડોગ અને કેટ પાળનારા તેમને એક સાથીદાર તરીકે રાખતા હતા હવે તેને ધરના એક સભ્ય તરીકે માન મળી રહ્યું છે. તેનું ખાવાનું, પીવાનું, બિમારી વગેરે મહત્વના બની જાય છે. જ્યારે તે ઘરના એક સભ્ય તરીકે છે ત્યારે દરેક ધરના સભ્ય કરે છે એમ તેની બ્યૂટી પાર્લર, હેલ્થ, પૌષ્ટીક આહાર, વારે તહેવારે મિષ્ટાન જમાડવા વગેરેનું ધ્યાન રાખવામાં આવે છે. પેટકેર સાથે સંકળાયેલા લોકો પોતાના ફેમિલી સાથે રહેતા ડોગની ઓબેસીટી દુર કરવા અને વેક્સીન પાછળ લાખો રૂપિયા ખર્ચે છે.
પોતાની પાસે ટાઇમ ના હોવાથી કેટલાક પૈસાદારો ડોગને ઇનવીંગ વોક કરાવવા ખાસ માણસ રાખે છે તે ડોગ ટ્રેનર પણ હોય છે અને તેને ખુલ્લામાં દોડાવીને થકવી નાખે છે.
પેટકેર એ બહુ મોટી જવાબદારી છે. મૂંગા પ્રાણીની જરૂરિયાતને તેના માલિક તેમજ નવા સ્ટાર્ટઅપ સમજી શકે છે.તેની સંભાળ પાછળ તગડો ખર્ચ કરવો પડે છે. ભારતમાં પેટ ડોગ અને કેટ વગેરે રાખવાનો ક્રેઝ વધતાં તેની સાથે તેમને પેકેજ ફૂડ આપતી કંપનીઓની સંખ્યા પણ વધી છે. પેટ લવર્સ હજુ પેકેટફૂડ પર ભરોસો મુકતા નથી. પાળેલા પ્રણીઓ માટેના પેકેટ ફૂડના માર્કેટ પર જીપીસી તરીકે ઓળખાતી ગોદરેજ કન્ઝયુમર પ્રોડક્ટનું પ્રભુત્વ છે. જોકે હવે પેટ એનિમલ પર કામ કરતા સ્ટાર્ટઅપ લોકોને નવું અને ઇનોવેશનથી ભરેલી ચીજો આપી રહ્યા છે.
પેટ લવર્સ માત્ર મટન આધારીત ખોરાક નથી ખરીદતા, નવા સ્ટાર્ટઅપ શાકાહારી ફૂડ શોધી શક્યા છે. કેટલાકે કૃત્રિમ મીટ આધારીત પ્રોડક્ટ બનાવીને પેટ લવર્સની ચિંતામાં ધટાડો કર્યો હતો. કોરોના કાળ દરમ્યાન પેટ લવર્સને સતાવતી પોતાની પ્રિય ડોગને ખવડાવવાની ચિંતા નવા સ્ટાર્ટઅપે ધટાડી હતી.
પેટ ફૂડનું સૌથી મોટું માર્કેટ તમિળનાડુમાં છે. કેમકે ત્યાં ૨૦થી ૩૦ લાખ ધરોમાં પેટ એનિમલ જોવા મળે છે. ગોદરેજ કોઇ પણ પેટ પ્રોડક્ટની શરૂઆત તમિળનાડુમાંથી શરૂ કરે છે કમકે ત્યાં પેટ લવર્સ ફટોફટ રિસ્પોન્સ આપતા હોય છે.
જ્યારે ગોદરેજે ગોદરેજ નિન્જા પ્રોડક્ટ શરૂ કરી ત્યારે તે માટે તમિળનાડુને પસંદ કર્યું હતું. આ મેઇડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ પોષણ યુક્ત તત્વોને સમાવતી હતી અને તેનો ટેસ્ટ પ્રાણીએાને પસંદ પડયો હતો.
પેટકેર..સ્ટાર્ટઅપના ઇનોવેશન
પેટકેર એ માત્ર પૈસાદાર લોકોનો શોખ છે એમ માનવાની જરૂર નથી. પાળેલા પ્રાણીઓ માટેની ખાવાની તેમજ ચાવવાની પ્રોડક્ટ બનાવતા સ્ટાર્ટઅપ ડોગની જાત પ્રમાણેના અને તેમની ઉંમર પ્રમાણેના ખોરાક બનાવે છે. પાળેલા પ્રાણીને ખોરાક આપવાના વાસણો, તેમને પાણી પીવાના વાસણો, રીમોટ મોનિટરીંગ સિસ્ટમ, તેમને બાંધવાના પટ્ટા તેમને સૂવા માટેના હૂંફાળા ગાદલા વગેરે પેટકેર ઇનોવેશનમાં જોવા મળે છે.
પેટ ગ્રુમિંગ, બ્યૂટી ટ્રીટમેન્ટ, પેટ માટે મનોરંજન વગેરેનું ધ્યાન પણ સ્ટાર્ટઅપ રાખે છે. પેટ એનિમલ સાથે સંકળાયેલા કેટલાક સ્ટાર્ટઅપ પર નજર..
પેટસૂત્ર... પેટ પાળનારાઓ માટે આ સ્ટાર્ટઅપ ૨૦૧૬માં ગુરૂગામમાં શરૂ કરાયું હતું. તેને દોઢ મિલીયન ડોલરનું ફંડ મળ્યું હતું. ભારતમાં પ્રથમ ડોગ ફૂડ ડાયટ કેલક્યુલેટર બનાવ્યું હતું.
ઝિગલી..ડોગ ફૂડ,ગ્રુમીંગના સાધનો, રમકડાં,વેટરનરી સલાહ,ડોગને ટ્રેનીંગ સહીતની સેવાઓ આ સ્ટાર્ટઅપ પુરી પાડે છે. ૨૦૨૧માં દિલ્હી ખાતે શરૂ કરાયેલા આ સ્ટાર્ટઅપને કોઇ ફંડ મળ્યું નથી. ૩૧ મેના અંતે તેની રેવન્યૂ ૩૦ લાખથી વધુ હતી.
પેટકાર્ટ...૨૦૧૫માં બેંગલુરૂ ખાતેથી શરૂ થયેલ આ ઓનલાઇન પેટ સ્ટોરને પણ કોઇ ફંડ મળ્યું નથી. સ્વબળે ચાલતા આ સ્ટાર્ટઅપની ૨૦૧૭માં રેવન્યૂ ૩૬ હજાર કરોડ હતી. ૫૦૦૦ લોકોએ તેની એપ ડાઉનલોડ કરી છે.
કોનાઇન ઇન્ડિયા..ઓનલાઇન ડોગ ફૂડ, કેટ ફૂડ,સ્નેક્સ, ચાવવા માટેના રમકડા, કેટ ફૂડ,ફીશ ફૂડજેવા સ્પલીમેન્ટ તૈયાર કરીને મોકલે છે વેગર..૨૦૧૬માં બેંગલુરૂ થાતે શરૂ કરાયેલું આ સ્ટાર્ટઅપ પાળેલા પ્રાણીઓના માલિકો માટે રમકડાં, ફર્નીચર,ફૂડ, વેટરનરી સલાહ વગેરે પુરું પાડે છે.
પાપા પોસોમ..૨૦૧૯માં થાણે ખાતે શરૂ કરાયેલું આ સ્ટાર્ટઅપ નેચરલ સ્પા અને ગ્રુમિંગ પ્રોડક્ટ સાથે જોડાયેલું છે.
અમદાવાદમાં પણ પેટ લવર્સ અને પેટકેર
પેટલવર્સ ક્ષેત્રે અમદાવાદ બહુ અનોખું છે. તેમાં રખડતા અને બિમાર ડોગ અને કેટની વિનામૂલ્યે સારવાર કરતા લોકો પણ છે અને તેમની હોસ્પિટલ ચલાવનારા પણ છે. કોમર્શીયલ સ્તરે સારવાર કરતી હોસ્પિટલો પણ છે. રોડ પર અકસ્માતથી કણસતા ડોગની સારવાર સેટેલાઇટમાં રહેતા બિઝનેસમેન દેવેશ ત્રિવેદી ગાંઠના પૈસા ખર્ચીને કરે છે. આ ઉપરાંત પોતાના ડોગના ગ્રુમિંગ પાછળ ૫૦૦૦ રૂપિયા ખર્ચનારા પણ છે. સાઉથ બોપલમાં મિયાંઉ એન્ડ વુફ નામનો પેટ સ્ટોર શરૂ કરનાર ભક્તિ મિસ્ત્રી કહે છે કે કોરોના પછી લોકોનો પ્રણીઓ પ્રત્યેનો પ્રેમ વધ્યો છે જેના કારણે લોકો પોતાના પ્રિય પ્રાણીઓ માટેના આરોગ્ય અને તેમને ખુશ રાખવા પાછળ હજારોનો ખર્ચ કરતા થયા છે.
ડોગ લવર્સ પોતોના પ્રિય ડોગને કોઇ લાકડી ફટકારે કે પથ્થર મારે તો ઝગડી પડે છે. પેટ ડોગના માલિકો પોતાના પ્રિય પાણીની બોલી સમજે છે અને તેની જરૂરીયાતને સમજે છે. પેટ લવર્સના કારણેતો પેટ ઉદ્યોગ ફૂલ્યો ફાલ્યો છે. રતન ટાટા અને રીલાયન્સના અનંત અંબાણી વનતારા જેવા વિશાળ પ્રોજક્ટ ઉભા કરીને લોકોમાં પ્રાણી પ્રત્યેની સંવેદના જગવે છે.
- ગણેશ દત્તા