
એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવારએ એક મહત્વની વાત કરી છે. પવારના કહેવા પ્રમાણે એમણે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને ચેતવણી આપી હતી કે, પીએમએલએ કાયદાનો દુરઉપયોગ થવાની શક્યતા છે. આ વાત પવારે ત્યારે કરી હતી કે જ્યારે પી ચિદમ્બરમેએ કાયદામાં ફેરફાર કર્યો હતો. પવારના કહેવા પ્રમાણે ચિદમ્બરમે કાયદામાં જે ફેરફાર કર્યો હતો એને કારણે કાયદાનો દુરઉપયોગ થઈ શકે એમ હતું. જોકે એમની વાત માનવામાં આવી નહીં. હવે ચિદમ્બરમ પોતે આજ કાયદાનો શિકાર બની ગયા છે. પીએમએલએનો કાયદો ભારતમાં મની લોન્ડરીંગ રોકવા માટે અને તે દ્વારા ભેગી કરવામાં આવેલી સંપત્તી જપ્ત કરવા માટે વપરાય છે. આ કાયદા હેઠળ ઇડીને અમર્યાદિત સત્તા મળી ગઈ છે.
અસદુદ્દીન ઓવૈસી મોહન ભાગવત પર કેમ બગડયા
એઆઇએમઆઇએમના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી હંમેશા વિવાદમાં રહ્યા છે. આજકાલ ઓવૈસી પાકિસ્તાનનો ખુલીને વિરોધ કરી રહ્યા હોવાથી એમના સમર્થકોની સંખ્યામાં વધારો થયો છે. એક જમાનામાં ઓવૈસીની ઇમેજ કટ્ટરવાદી તરીકે હતી. બીજી તરફ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે પણ થોડા દિવસો પહેલા એ મતલબનું કહ્યું હતું કે હિન્દુઓ અને મુસ્લિમોમાં કોઈ ફેર નથી. મુસ્લિમોને શંકાની નજરે જોવા જોઇએ નહીં. મોહન ભાગવતની આ વાત ઓવૈસીને પસંદ આવી નથી. એમણે કહ્યું છે કે, ભારત આટલા મોટા સમુદાય એટલે કે મુસ્લિમોને હાંસિયામાં રાખીને અને નબળા રાખીને ૨૦૪૭ સુધીમાં વિકસીત ભારત નહીં બની શકે. એમના કહેવા પ્રમાણે રાજકીય પક્ષોએ મુસલમાનોને વોટબેંકની જેમ ગણવાનું બંધ કરી દેવું જોઈએ. ઓવૈસીએ મોહન ભાગવતના નિવેદનો બાબતે એવો પ્રત્યુત્તર આપ્યો છે કે, આ નિવેદન દંભ સમાન છે. આવા પ્રકારના નિવેદનોની કોઈ અસર નથી.
જ્યોતિ મલ્હોત્રાના પિતાનો પુત્રી બાબતે નબળો બચાવ
હિસારની યુ-ટયુબર જ્યોતિ મલ્હોત્રા પાકિસ્તાન માટે જાસુસી કરતી હોવાથી એની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇના કેટલાક અધિકારીઓ સાથે જ્યોતિ મલ્હોત્રાના સંબંધો મળી આવ્યા છે. પોલીસ જ્યોતિની પૂછપરછ કરી રહી છે ત્યારે જ્યોતિ મલ્હોત્રાના પિતાએ પુત્રીનો પાંગળો બચાવ કર્યો છે. છેલ્લા થોડા મહિનાઓ દરમિયાન જ્યોતિ બે થી ત્રણ વખત પાકિસ્તાનના પ્રવાસે ગઈ છે. જ્યોતિ પાકિસ્તાનના એવા વિસ્તારોમાં ગઈ છે કે જ્યાં જવાની પરવાનગી કોઈને મળતી નથી. જ્યોતિના પિતાનું કહેવું છે કે જ્યોતિ યોગ્ય વિસા લઈને પાકિસ્તાન ગઈ હતી. પાકિસ્તાન જવાની પરવાનગી પણ સરકારે એને આપી હતી. જ્યોતિને ફસાવવામાં આવી રહી છે. જ્યોતિના બેંક બેલેન્સમાં પણ વધુ રૂપિયા નથી. એની સામેના તમામ આરોપો ખોટા છે.
બિહારમાં મોટા નેતાએ ભાજપનો સાથ છોડી દીધો
બિહાર વિધાનસભાની ચૂંટણી હવે નજીક છે ત્યારે ભાજપને વધુ એક ફટકો પડયો છે. ભાજપના કદાવર નેતા રાજકિશોર પ્રસાદ ઠાકુર પોતાના સમર્થકો સાથે આરજેડીમાં જોડાઈ ગયા છે. આરજેડીના રાષ્ટ્રીય મહામંત્રી બીનુ યાદવ પ્રદેશ પ્રવક્તા ડો. ઉર્મિલા ઠાકુરની હાજરીમાં તેઓ આરજેડીમાં જોડાયા હતા. આરજેડીના નેતા એજાઝ અહમદના કહેવા પ્રમાણે રાજકિશોરની સાથે ભાજપના કેટલાક મોટા ગજાના નેતાઓ પણ આરજેડીમાં જોડાયા છે. રાજકિશોરની સાથે રવિન્દ્ર શર્મા, દિનાનાથ, મનોજકુમાર, શંકરકુમાર, સુરેન્દ્રકુમારએ પણ પક્ષ બદલો છે. રાજકીય નીરિક્ષકોના કહેવા પ્રમાણે અતિ પછાત વર્ગના ગણાતા ભાજપના નેતાઓ આરજેડીમાં જવાથી ભાજપની મુશ્કેલી વધી શકે એમ છે.
મોદીની ટીમમાં એમજે અકબર પરત ફર્યા
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એમ જે અકબર ઘણા સમયથી ખોવાઇ ગયા હતા. હવે અકબર મોદીની ટીમમાં પરત ફર્યા છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ વિશે વિવિધ દેશોમાં જઈને જાગૃતિ ફેલાવવા માટે બનેલી ટીમમાં એમ જે અકબરનો સમાવેશ થયો છે. ૭ વર્ષ પહેલા એમ જે અકબરએ મંત્રી તરીકે રાજીનામું આપી દેવું પડયું હતું. એ વખતે કેટલીક મહિલાઓએ 'મી ટૂ' કેમ્પેઇન ચલાવ્યું હતું. એક મહિલા પત્રકારે એમ જે અકબર પર આક્ષેપો કર્યા હતા જેને કારણે અકબરે રાજીનામું આપવું પડયું હતું. રાજીનામું આપ્યા પછી અકબર રાજકીય ક્ષેત્રે નિષ્ક્રીય થઈ ગયા હતા અને કેટલાક અખબારોમાં કોલમ લખતા હતા. એમ જે અકબરનું સ્ટેન્ડ પહેલેથી પાકિસ્તાન વિરોધી છે અને એમણે ઓપરેશન સિંદુર પછી ભારતીય સેનાના ખૂબ વખાણ કર્યા હતા. મોદીની ટીમે એટલે જ પાકિસ્તાનની પોલ ખોલવા જતા ડેલિગેશનમાં અકબરનો સમાવેશ કર્યો છે.
તૂર્કીના રાષ્ટ્રપતિની વિવાદાસ્પદ પુત્રી કોણ છે
પાકિસ્તાન સામેના યુદ્ધ વખતે તૂર્કીએ ભારત સામે લડવા માટે પાકિસ્તાનને દ્રોણ આપ્યા હતા. તૂર્કીના આ પગલાને કારણે ભારત સરકારે કેટલાક પગલા ભર્યા છે. તૂર્કીની ગ્રાઉન્ડ હેન્ડલીંગ કંપનીનું એવીએસન સિક્યુરીટી કિલ્યરન્સ રદ કરી દેવામાં આવ્યું છે. એમ મનાય છે કે આ કંપનીમાં તૂર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનના પુત્રી સુમેયે એર્દોગનની ભાગીદારી છે. કંપનીએ જોકે આ આરોપ નકારી કાઢયા છે. જે કંપની વિવાદમાં છે એનું નામ સેલેબી ગ્રાઉન્ડ હેન્ડલીંગ છે. સુમેયે એર્દોગન તૂર્કીના રાષ્ટ્રપતિની સૌથી નાની પુત્રી છે. સુમેયેની ઉંમર લગભગ ૪૦ વર્ષની છે. સુમેયેએ ઇન્ડિયાના યુનિવર્સિટી (અમેરિકા)માંથી સમાજશાસ્ત્ર અને રાજનીતિ સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. સુમેયે ૨૦૦૩માં એમના પિતાની રાજકીય સલાહકાર હતી. સુમેયેએ ૨૦૧૪માં ડેમોક્રેસીશન નામની સંસ્થા સ્થાપી હતી.
રવિ કિસન સહિત 17 સાંસદોને સંસદ રત્ન પુરસ્કાર મળશે
ફિલ્મ એવોર્ડોની જેમ હવે રાજકારણમાં પણ ફિક્સ્ડ એવોર્ડની પદ્ધતિ શરૂ થઈ ગઈ છે. કેટલીક ખાનગી કંપનીઓ ચાપલુસી કરવા માટે કેટલાક રાજકારણીઓને એવોર્ડ આપે છે. પ્રાઇમ પોઇન્ટ ફાઉન્ડેશન નામની કોઇક કંપનીએ સંસદ રત્ન પુરસ્કાર માટે ભૂતહરી મહેતાબ અને રવિ કિશન સહિત ૧૭ સાંસદોની પસંદગી કરી છે. સંસદીય લોકસાહિમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ આ બધા સાંસદોને એવોર્ડ આપવામાં આવશે. હંસરાજ આહીરની અધ્યક્ષતામાં નિમાયેલી સમિતિએ વિજેતાઓના નામ જાહેર કર્યા છે. ખેતીવાડી કમિટી સાથે સંબંધીત સ્થાયી સમિતિઓને પણ એવોર્ડ આપવામાં આવશે. કેટલાક સાંસદો કટાક્ષ કરી રહ્યા છે કે, એનસીપી (શરદ પવાર)ના સુપ્રિયા સુલે કે રિવોલ્યુશનરી સોશ્યાલિસ્ટ પાર્ટીના શ્રીરંગ અપ્પા બારણેએ સંસદમાં લોકશાહી બચાવવા માટે એવું તે કયું કામ કર્યું જે આપણે નથી કર્યું.
સ્ટાલિનની બિન-ભાજપી સીએમને રાષ્ટ્રપતિ સામેની કાનૂની લડાઈમાં એકત્ર થવાની અપીલ
તમિલ નાડુ મુખ્ય મંત્રી એમ કે સ્ટાલિને રવિવારે આઠ બિન-ભાજપ શાસિત રાજ્યોના સીએમને પત્ર લખીને સુપ્રીમ કોર્ટ સમક્ષ કેન્દ્ર સરકાર દ્વારા માગવામાં આવેલા પ્રેસિડેન્શિયલ રેફરન્સનો વિરોધ કરવાની અપીલ કરી હતી. સ્ટાલિને કોર્ટ સમક્ષ સંગઠિત મોરચો રજૂ કરવા અને કાનૂની વ્યૂહરચના ઘડવામાં તેમનો સહયોગ માગ્યો હતો. સ્ટાલિનનો આ પત્ર ૧૩ મેના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સુપ્રીમ કોર્ટના ૮ એપ્રિલના ચુકાદાની બંધારણીયતા અને પહોંચ સાથે સંકળાયેલા પ્રશ્નો ઉઠાવ્યાના થોડા દિવસો બાદ આવ્યો છે, જેમાં રાજ્યપાલો અને રાષ્ટ્રપતિ માટે રાજ્યના બિલોને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતનો આ સીમાચિહ્નરૂપ ચુકાદો દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) શાસિત તમિલનાડુ સરકાર દ્વારા રાજ્યપાલ આર.એન. રવિ દ્વારા રાજ્યના બિલો રોકી રાખવા અને તેમને રાષ્ટ્રપતિને વિચારણા માટે મોકલવા સામે દાખલ કરવામાં આવેલી અરજી પર આધારિત હતો. સ્ટાલિને જણાવ્યું કે કેન્દ્રની ભાજપના નેતૃત્વની સરકાર આ ચૂકાદાને અસ્થિર કરવા માગે છે કારણ કે તેનો અન્ય રાજ્યો પણ ઉપયોગ કરી શકે છે.
બિહાર અવઢવમાં છે, તેને નવા રાજકીય બળની જરૂર: પ્રશાંત કિશોર
ભાજપ નેતા સૈયદ શાહનવાઝ હુસૈને રવિવારે જણાવ્યું કે બિહારમાં મુખ્ય મંત્રી નિતિશ કુમારના નેતૃત્વ હેઠળ એનડીએ મજબૂત સ્થિતિમાં છે અને વિધાનસભાની આગામી ચૂંટણીમાં આ ગઠબંધન બસોથી વધુ બેઠકો પર વિજય મેળવશે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંઘએ પોતાનો રાજકીય પક્ષ આપ સબકી આવાઝ પ્રશાંત કિશોરની જન સુરજ પાર્ટીમાં ભેળવી દીધા પછી હુસૈને આ નિવેદન કર્યું હતું. દરમ્યાન પ્રશાંત કિશોરએ સિંઘને મોટાભાઈ તરીકે સંબોધ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે બિહારની જનતા હાલ મૂંઝવણમાં છે અને તેને એક નવા રાજકીય બળની જરૂર છે જે સ્વચ્છ પ્રશાસન અને સમાવિષ્ટ વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધ હોય અને જે શિક્ષણ, રોજગાર અને લાંબા ગાળાની યોજના વિશે વાતો કરે.
બેરોજગારી અને યુવાનોનું સ્થળાંતર અમારા મુખ્ય મુદ્દા: બિહાર કોંગ્રેસ પ્રમુખ
બિહાર કોંગ્રેસ પ્રમુખે બેરોજગારી, મોટા પાયે સ્થળાંતર અને કથળતી શિક્ષણ યંત્રણાને રાજ્યને કનડતા ત્રણ મુખ્ય મુદ્દા તરીકે વર્ણવ્યા છે. તેમણે જણાવ્યું કે બેરોજગારીનો મુદ્દો સૌથી અગત્યનો છે અને સરકાર માત્ર પોતાના અસ્તિત્વ વિશે જ ચિંતિત છે. ઉપરાંત બિહારમાં મોટા પાયે સ્થળાંતરને કારણે કેટલાક ગામોમાં માત્ર મહિલાઓ અને બાળકો રહી ગયા છે તેમજ રાજ્યની કથળી ગયેલી શિક્ષણ વ્યવસ્થા અને ગોટાળાને કારણે રાજ્યની છબિ વધુ ખરડાઈ હોવાનો તેમણે દાવો કર્યો હતો.
દિલ્હીમાં સરકારી મિલકતોમાંથી આપના હોર્ડિંગ હટાવવાની ભાજપની માગણી
ભાજપના દિલ્હી એકમે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલનો ચહેરો ધરાવતા હોર્ડિંગ્સ, ફિક્સચરો અને પોસ્ટરો હટાવવાની માગણી કરતા જણાવ્યું કે આપએ રાજધાનીમાં સત્તા ગુમાવ્યાને ત્રણ મહિના થઈ ગયા હોવા છતાં સરકારી મિલકતો પર તેના નેતાઓના ફોટા દર્શાવાઈ રહ્યા છે જે હવે બંધ થવું જોઈએ. રાજ્ય પરિવહન અને આરોગ્ય મંત્રી પંકજ કુમાર સિંઘને લખેલા પત્રમાં ભાજપ રાજ્યના ચીફએ જણાવ્યું કે આવા ફોટા અને બેનરો તાત્કાલિક હટાવી લેવા જોઈએ. તેમના દાવા મુજબ હજી પણ મયુર વિહારમાં આરટીઓ ઓફિસમાં મુલાકાતીઓનું સ્વાગત કરતા કેજરીવાલ અને સિસોદિયાના ફોટા છે. એવી જ રીતે અનેક મહોલ્લા ક્લિનિક કેબિનોમાં પણ કેજરીવાલના ફોટા છે. સિંઘે વધુમાં માહિતી આપી કે મોટાભાગની બંધ પડેલી મહોલ્લા ક્લિનિકોનું નવીનીકરણ થઈ રહ્યું છે અને આયુષ્યમાન આરોગ્ય મંદિરની શ્રેષ્ઠ સુવિધા સાથે સુસજ્જ કરવામાં આવી રહી છે.
પાકિસ્તાનની આતંકી પ્રવૃત્તિનો ભારત તરફથી યોગ્ય જવાબ મળશેઃ રવિ કિશન
અભિનેતા અને ભાજપ સાંસદ રવિ કિશને ઓપરેશન સિંદૂર પછી આતંકવાદ અને દેશની સુરક્ષાના મુદ્દા પ્રત્યે ભારતના અભિગમ બાબતે સ્પષ્ટતા કરી. રવિ કિશને જણાવ્યું કે ભારત શાંતિપ્રિય દેશ છે પણ તેની ઉશ્કેરણી કરાશે તો તે નિર્ણાયક પગલા લેતા અચકાશે નહિ.
- ઈન્દર સાહની