Home / : A future event is clearly visible in a premonition dream!

Shatdal: ભવિષ્યમાં બનનારી ઘટના પૂર્વાભાસી સ્વપ્નમાં સ્પષ્ટ દેખાય છે!

Shatdal: ભવિષ્યમાં બનનારી ઘટના પૂર્વાભાસી સ્વપ્નમાં સ્પષ્ટ દેખાય છે!

- ગોચર-અગોચર

- ભવિષ્યમાં બનનારી ઘટના વર્તમાનમાં એક પ્રકારના સૂક્ષ્મ તરંગો ઉત્પન્ન કરે છે. એ તરંગોને સાઈકોટ્રોનિક વેવ ફ્રન્ટ કહેવાય છે. વિશ્રાંતિયુક્ત શાંત મન તે તરંગોને ગ્રહણ કરી લે છે

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કઠોપનિષદના બીજા અધ્યાયની પ્રથમ વલ્લીના ચોથા શ્લોકમાં કહેવાયું છે :

स्वप्नान्त जागरितान्तं चोभौ येनानुपश्यति ।

महान्तं विभुमात्मानं मत्वा धीरो न शोचति ।।

જાગૃત અવસ્થાની જેમ સ્વપ્નમાં પણ દ્રશ્ય જોનારો હું જ સર્વવ્યાપી આત્મા છે, એને સારી રીતે જાણનાર મેઘાવી મનુષ્યોને કોઈપણ પ્રકારનો શોક થતો નથી. આપણા જ્ઞાની પુરૂષોએ સ્વપ્નને જીવાત્માની ચાર અવસ્થાઓમાંની એક અવસ્થા માની છે. જાગૃત, સ્વપ્ન, તંદ્રા અને તુરીય એ ચાર અવસ્થાઓ છે. જાગૃત અવસ્થામાં સ્થૂળ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે મર્યાદિત હોય છે. કાન અમુક હદ સુધી જ સાંભળી શકે છે, આંખ અમુક હદ સુધી જ જોઈ શકે છે. પરંતુ સ્વપ્ન અવસ્થામાં જીવાત્મા મનોમય કોશ અર્થાત્ સૂક્ષ્મ શરીરમાં પ્રવેશી જાય છે. મનને આત્માની જ એક સૂક્ષ્મ જ્ઞાનેન્દ્રિય કહેવાય છે. સ્વપ્ન અવસ્થામાં એના થકી પ્રાપ્ત કરાયેલું જ્ઞાન વિસ્તૃત અને વૈશ્વિકસ્તરનું હોય છે. તેને સ્થળ અને સમયનું બંધન નડતું નથી. તે ભૂતકાળ અને ભવિષ્યકાળની અજ્ઞાત બાબતોને અનાવૃત્ત કરી દે છે. જેનું મન શુદ્ધ, સ્વસ્થ અને શાંત હોય છે એમને આવા અતીન્દ્રિય પ્રકારના સ્વપ્નો આવે છે. વ્યક્તિનું મન સ્વપ્ન સંકેતથી અનેક રીતે પોતાને અને અન્યને પણ સહાયભૂત થાય છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ સરેના મેડિસિનલ કેમેસ્ટ્રીના સંશોધક રસાયણ વિજ્ઞાની એડ્રિઅન ડોબ્બસે મન અને ચેતના વિશે સંશોધન કર્યું છે તે દર્શાવે છે કે ભવિષ્યમાં બનનારી ઘટના વર્તમાનમાં એક પ્રકારના સૂક્ષ્મ તરંગો ઉત્પન્ન કરે છે. એ તરંગોને સાઈકોટ્રોનિક વેવ ફ્રન્ટ (Psychotronic Wave Front) કહેવાય છે. વિશ્રાંતિયુક્ત શાંત મન તે તરંગોને ગ્રહણ કરી લે છે. તેનાથી તે વ્યક્તિને સ્વપ્નમાં ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળની ઘટનાઓનું દર્શન થઈ જાય છે.

બ્રિટિશ એરોનોટિકલ એન્જિનિયર જ્હોન વિલિયમ ડન (John William Dunn)ને સ્વયં પૂર્વાભાસી સ્વપ્નો આવતા હતા. તેમણે આવા પ્રિકોગ્નિટિવ ડ્રીમ્સ અને હિપ્નાગોગિક સ્ટેટસ પર પ્રયોગો કરી એવું તારણ આપ્યું હતું કે આ સ્થિતિમાં આવેલું સ્વપ્ન ત્રણેય કાળની ઘટનાઓને જોઈ લે છે અને તેનું સ્વપ્નમાં દર્શન કરાવે છે. તેમણે તેમના પુસ્તક 'એન એક્ષ્પેરિમેન્ટ વિથ ટાઈમ  (An Experiment with Time) માં સમય અને ચેતનાનો નવો સિદ્ધાંત 'સિરિયાલિઝમ (Serialism) દર્શાવી તેને રિલેટિવિટી અને ક્વૉન્ટમ મિકેનિક્સ સાથે સુસંગત કરી'' તેને પૂર્વાભાસી સ્વપ્નો સાથે સાંકળવાનો પ્રયાસ કર્યો છે.

થોડા સમય પૂર્વે રોમમાં આવા પ્રકારની ઘટના બની હતી. તે ત્યાંના વર્તમાનપત્રોમાં પણ પ્રગટ થઈ હતી. એમિલિયા રૂસો નામની એક યુવતીનો પતિ ફ્રાન્સિસ્કો ધંધાકીય કામ માટે બહારગામ ગયો હતો. એક રાત્રે એમિલિયાને ભયંકર સ્વપ્ન આવ્યું તેમાં તેને દેખાયું કે એક મોટા ખાલી ઓરડામાં તેના પતિનો મૃતદેહ પડયો છે. એના પર એક સુંદર યુવતી બેઠેલી છે. જેના ચહેરા પર કાતિલ સ્મિત રેલાઈ રહેલું છે. બીજે દિવસે પણ એમિલિયાને નિદ્રા દરમિયાન આ જ સ્વપ્ન દેખાયું. પણ તેણે તેની અવગણના કરી. ત્રીજે દિવસે ફરી સ્વપ્ન આવ્યું તેમાં તે જ દ્રશ્યો દેખાયા બાદ એવું પણ દેખાયું કે તે યુવતી કોઈ પુરૂષ મિત્ર સાથે ફ્રાંસિસ્કોના મૃતદેહને કારની સીટ પર ગોઠવી રહી છે. આવા સ્વપ્નોથી તેને થયું કે આમાં જરૂર કોઈ હકીકતનો નિર્દેશ છે. તે પોલીસ સ્ટેશને ગઈ અને પોલીસ અધિકારીઓ આગળ પોતાના સ્વપ્નની વાત રજૂ કરી. તેમણે તેની વાત હસી કાઢી અને કહ્યું - અમને આવી કોઈ ઘટના બની હોય તેની જાણકારી થઈ નથી.

પરંતુ થોડા દિવસ બાદ આવી એક ઘટના બની. રોમથી પચાસ કિલોમીટર દૂર એક કારમાં ફ્રાંસિસ્કો રૂસોનો મૃતદેહ મળી આવ્યો. એ કાર દુર્ઘટનાનો ભોગ બનેલી હતી. પોલીસ અધિકારીઓને પહેલાં તો એવું જ લાગ્યું કે તે અકસ્માતને લીધે મરણ પામ્યો છે. એમ છતાં એનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. જ્યારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો ત્યારે તે વાંચીને તે અધિકારીઓ ચોંકી ઊઠયાં. એમાં જણાવાયું હતું કે ફ્રાંસિસ્કોનું મરણ ઝેર આપવાથી થયેલું છે. તેનું મૃત શરીર પાછળથી અકસ્માત કરાયેલી કારમાં ગોઠવી દેવાયું હતું જેથી તેનું મરણ અકસ્માતમાં થયું તેવું સાબિત થઈ શકે.

ઘટનામાં આવો વળાંક આવ્યો એટલે પોલીસ અધિકારીઓને એમિલિયાના સ્વપ્નની વાત યાદ આવી. તેમણે આ હત્યાનો ભેદ ઉકેલવા સઘન પ્રયત્નો ચાલુ કરી દીધા. તપાસ દરમિયાન ફ્રાંસિસ્કો સાથે જોવા મળેલી એક સુંદર યુવતીની હિલચાલ પર શંકા ઉત્પન્ન થઈ. પોલીસના કડક વલણથી તે ભાંગી પડી અને તેણે જ ફ્રાંસિસ્કોની હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું. લિસા નામની તે યુવતીએ તેનાં તેના પુરૂષ મિત્ર સાથે મળીને શરાબમાં કાતિલ ઝેર ભેળવીને તે ફ્રાંસિસ્કોને પીવડાવી તેને મારી નાંખ્યો હતો. લિસાએ તેને તેની પ્રેમજાળમાં ફસાવી તેની પાસેથી તેના બધા પૈસા લૂંટી લીધા હતા. છેવટે તેણે ફ્રાંસિસ્કોના મૃતદેહ પર બેસી તેના ખિસ્સાના વોલેટમાં રહેલા પૈસા પણ કાઢી લીધા હતા અને પોતાનું કાવતરું સફળ થયું તેનો વિચાર કરી કાતિલ સ્મિત કર્યું હતું. એમિલિયાએ વારંવાર જે સ્વપ્ન જોયું તેમાં તેણે આ જ દ્રશ્ય જોયંત હતું. જ્યારે અપરાધી લિસાને એમિલિયા પાસે લાવવામાં આવી ત્યારે તે તેને તરત ઓળખી ગઈ હતી કેમકે તેણે સ્વપ્નમાં તેનો ચહેરો એકદમ સ્પષ્ટ જોયો હતો.

લિસા અને તેના પુરૂષમિત્રે એમના બયાનમાં એક આશ્ચર્યકારક વાત કહી હતી કે જ્યારે તે બન્ને ફ્રાન્સિસ્કોની લાશને ઠેકાણે પાડવા અકસ્માતવાળી કારમાં ગોઠવી રહ્યા હતાં ત્યારે તેમને એવું લાગ્યું હતું કે જાણે કોઈ તેમની આ ક્રિયાને નિહાળી રહ્યું છે. આવી અનુભૂતિ થવાથી તેમણે તેમની આગળ-પાછળ અને આજુબાજુ તપાસ પણ કરી હતી કે કોઈ અજાણી વ્યક્તિ છૂપી રીતે તેમની આ ક્રિયા જોઈ રહી તો નથી ને ? પરામનોવિજ્ઞાનીઓ કહે છે કે ફ્રાન્સિસ્કોની હત્યાના સમયે એમિલિયાનું મન સ્વપ્નના માધ્યમથી તે સ્થળ પર હાજર થઈ ગયું હતું. તેથી જ તેને તે ઘટના સ્વપ્નમાં દેખાઈ હતી અને હત્યારાઓને તે બે સિવાય કોઈ ત્રીજી વ્યક્તિ ત્યાં હાજર છે અને તેમને નિહાળી રહી છે અવો અનુભવ થયા કરતો હતો.

- દેવેશ મહેતા

Related News

Icon