
- લેન્ડસ્કેપ
જીવન બસ, એક મહાન વિચાર માત્ર નહીં હૈ,
વહ ઇન છોટી-બડી, જરૂરી-ગૈર-જરૂરી ચીજોં કા સમુચ્ચભી હૈ
- કુમાર મુકુલ
આપણે અખબારો, સોશિયલ મીડિયા, ટીવી સમાચાર જોઈએ તો એમ લાગે કે જગત અને જીવન લડાઈઓથી ઉભરાય છે; નીતિ-અનીતિ, સત્ય-અસત્ય, અંધકાર-ઉજાસ વગેરે. આવી લડાઈઓ આપણને પડકારે અને પીડે છે, થકવે અને હરાવે છે. આપણને દરરોજ સવારે એવો પ્રશ્ન થાય છે કે આ દ્વંદમાં આપણે ક્યાં, કોની સાથે, શેના માટે ઊભા રહેવાનું? રોબર્ટ અને જીઆનેત્તે એક અસામાન્ય પ્રાચીન વાર્તા કહે છે. એક વખત એક માણસ નગરમાં ખેતીવાડી ખાતાને એક સમસ્યા વિશે પત્ર લખે છે કે મારા બગીચામાં દરેક વખતે ઘાંસ- ઝાંખરા ઊગી નીકળે છે અને મારી લોન નથી ઉગી શકતી. તો બોલો મારે શું કરવું? ખેતીવાડી વિભાગે તેને અનેક સૂચનો-ઉપાયો સૂચવ્યા. પેલાએ તે બધા અજમાવ્યા પણ તે નિષ્ફળ ગયો. તે કંટાળ્યો અને થાક્યો. તેથી ફરી પત્ર લખ્યો કે ફરી બગીચો ઘાંસથી ભરાઈ ગયો છે, બોલો હવે શું કરું? તેથી વિભાગમાંથી એક લીટીમાં ઉતર આવ્યો, 'અમે તમને સૂચવીએ છીએ કે તમે હવે ઘાંસને પ્રેમ કરતા શીખી જાઓ.' ક્યારેક આપણે કેટલીક વસ્તુઓને; સમસ્યા તરીકે જોવાને બદલે સમત્વથી જોવાની હોય છે, સંદેહથી જોવાને બદલે સ્વીકારી લેવાની હોય છે, સંઘર્ષને બદલે સંવાદ કરવાનો હોય છે, રાગ કે દ્વેષના બદલે તાટસ્થ્યના ત્રીજા ખૂણેથી જોવાની હોય છે. જીવનના બધા ભાષ્યો અને વ્યાખ્યાઓની ફૂટપટ્ટીઓ છોડીને યથાર્થ માત્ર નિરખવાનું હોય છે.
સ્થળ નહીં મુલાકાતી બદલીએ, ક્યારેક નાટક કે મંચ, કથા કે પાત્ર બદલીએ.
જીવનનું સમતોલન બહાર શોધવાનું નથી, આપણી અંદર સર્જવાનું છે પછી ઘાંસ અને લોન બંને સુંદર લાગશે...