Home / GSTV શતરંગ : Mary's Ghazals 'Ghar'! Mary in 'Ghar'...!

GSTV શતરંગ/ મરીઝની ગઝલો 'ઘર'! 'ઘર'માં મરીઝ...!

GSTV શતરંગ/ મરીઝની ગઝલો 'ઘર'! 'ઘર'માં મરીઝ...!

- શબ્દ સૂરને મેળે

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એમ ઊંચકી લીધું છે મારું ઘર,
ભાર દરિયાનો એક મોતી પર.

***

અમારા ઘરની તો વેરાનીની શિકાયત શું,
કે આખી દુનિયા યે કાયમનું ઘર નથી બનતી.

***

ખંડેર છે છતાં કોઈ નકશો તો છે જરૂર,
જોવા ન મળે એટલું વેરાન ઘર નથી.

***

હવે જો ઘર ન રહ્યું તો કરે છે કેમ વિલાપ?
તનેય ક્યાં હતી પરવા 'મરીઝ' ઘર બાબત.

***

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી 'મરીઝ',
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.

***

ઝાહિદ, મને રહેવા દે તબાહીભર્યા ઘરમાં,
મસ્જિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

***

અલ્લાહ ને લોકો તો ભલે આપશે માફી,
સાચી તો એ માફી છે કે ઘર માફ કરી દે.

- મરીઝ

મરીઝએ ગુજરાતી ગઝલનું એક એવું શિખર છે જેનો સામાન્યમાં સામાન્ય શેર પણ એક વિશિષ્ટ રીતે કહેવાયેલો હોય છે. રોજીંદા જીવનના અનુભવોને મરીઝે ગઝલોમાં એવી રીતે ધબકતા કરી દીધા છે. કે જીવનને જોવાની આપણી દ્રષ્ટિ બદલાઈ જાય છે.

૨૦૦૮ની સાલમાં સમગ્ર મરીઝના સંપાદનનું કાર્ય પૂરું કર્યું ત્યારે મરીઝ વિશે ચર્ચા કરવા મરીઝના પુત્ર મોહસીનભાઈ સાથે અમદાવાદમાં મળવાનું થયું. મારા મનમાં હતું કે સમગ્ર મરીઝનો ગ્રંથ મરીઝના ધર્મપત્ની મરહૂમ સોનાબ્હેનને અર્પણ થવો જોઈએ. અને મોહસીનભાઈએ પણ આશ્ચર્ય વચ્ચે એ જ વાત કરી. મનમાં સોનાબ્હેન માટે લખેલો મરીઝ સાહેબનો શેર યાદ આવતો હતો. અને મોહસીનભાઈ એ જ શેર બોલ્યા એ શેર જોઈએ.

એમ ઊંચકી લીધું છે મારું ઘર,
ભાર દરિયાનો એક મોતી પર.

આ શેર મને અનેકવાર અનેક રીતે યાદ આવ્યો છે. મોતી દરિયામાંથી જન્મે છે પણ આખ્ખા દરિયાની આબરૂ મોતી સાચવતું હોય છે. આખા દરિયાને મોતી ઊંચકી લે એ કેટલી મોટી વાત છે ? સોનાબ્હેને એક ગૃહિણી તરીકે મરીઝ સાહેબનું આખું ઘર ઊંચકી લીધું હતું. મરીઝ એક શાયર છે. નશાનો જીવ છે. જીવનભર ક્યાંય નિયમિત વ્યવસ્થિત રીતે આજીવિકા ધરાવતા નહોતા. શારીરિક અને આર્થિક સ્થિતિને કારણે ડગલે ને પગલે ઠોકરોથી ભરેલું સંઘર્ષભર્યું જીવન છે. એવી વ્યક્તિના ઘરને ઘર તરીકે ટકાવી રાખવું એ નાનીસૂની વાત નથી. ભારતીય પરંપરાની આ જ વિશેષતા છે કે ઘરની સ્ત્રીઓએ ઘરની લાજ સાચવી છે.

આજે અહીં મરીઝ સાહેબના આવા શેર વિશે વાત કરવાનું વિચાર્યું છે. એક શાયર પોતાના ઘરને કેવી રીતે જોતો હોય છે ? સામાન્ય રીતે આપણે એ જ વિચારી શકીએ છીએ જે આપણે અનુભવ્યું હોય છે. જ્યારે ઘર શબ્દ એમ સાંભળીએ છીએ ત્યારે સૌને પોતાના મનમાં પડેલા ઘરનો સંદર્ભ જ યાદ આવે છે. કોઈને બંગલો, કોઈને ફ્લેટ, કોઈને ટેનામેન્ટ, કોઈને એપાર્ટમેન્ટ, કોઈને એક રૂમ-રસોડાનું ઘર, કોઈને રો-હાઉસીસ, કોઈને ફાર્મહાઉસ એમ પોતપોતે જેને ઘર કહેતા હોય એ ઘર યાદ આવે છે.

ઘર બનાવતા-બનાવતાં જીંદગી પૂરી થઈ જતી હોય છે. એ જ ઘર સાવ વિખરાઈ જાય તો ? મરીઝ કહે છે કે અમારું ઘર કેટલું વેરાન છે એ શું કહે ? ચાર દિવાલો છે એટલે ઘર કહેવું પડે છે. અફસોસ એટલો જ છે કે એ આખી દુનિયા અમારું કાયમ માટેનું ઘર નથી બનતી. એથી જ એમણે બીજા. એક શેરમાં એવું કહ્યું કે ઘર ખંડેર થઈ ગયું છે છતાં એક નકશો જરૂર છે. એ ખંડેર ઘરને જોયા પછી એટલી તો ખબર પડે છે કે અહીં કોઈ રહે છે. વેરાન જગ્યાએ તો કશું જ જોવા નથી મળતું હોતું. એ જ સંતોષ છે કે સાવ જોવા જ ન મળે એવું અમારું વેરાન ઘર નથી.

મોહસીન ભાઈએ 'આગમન'ની સાતમી આવૃત્તિમાં એક નિવેદનમાં જણાવ્યું છે કે સાહીઠના દાયકામાં ગઝલપ્રેમીઓએ ભેગા થઈને ભરપૂર પ્રતિસાદ આપ્યો જે પૈસામાંથી ઘર લેવાનું હતું, સારી એવી રકમ ભેગી થઈ હતી પણ એ રકમ મરીઝ સાહેબ સુધી પહોંચી જ નહીં. આ વસ્તુને પણ તેમના પિતાશ્રી એટલે કે મરીઝ સાહેબે કેવી હળવાશથી રજૂ કરી છે.

હવે જો ઘર ન રહ્યું તો કરે છે કેમ વિલાપ ?
તનેય ક્યાં હતી પરવા 'મરીઝ' ઘર બાબત.

મરીઝ સાહેબે ઘરને જુદાં-જુદાં અનેક દ્રષ્ટિકોણથી જોયું છે. મરીઝની ગઝલોમાં ઘર અને ઘરમાં મરીઝ બે અલગ છે. આખરી ક્ષણો હોય જીવનની મૃત્યુની પથારી ઉપર છેલ્લા શ્વાસો ભરાઈ રહ્યા હોય, શરીરનું ભાન છૂટી રહ્યું હોય, આંખો વારંવાર ઊંઘમાં સરી જતી હોય મરીઝ કહે છે કે મૃત્યુની પળે મને આ ઐય્યાશી નથી ગમતી. હું પથારી પર સૂતો છું અને આખું ઘર જાગ્યા કરે છે. જીંદગીભર પુરુષ ઈચ્છતો હોય છે કે એનું ઘર નિરાંતે સૂવે. એ જ પુરુષે નિરાંતે સૂતાં-સૂતાં આખા ઘરને જગાડીને આ પૃથ્વી ઉપરથી ચાલ્યા જવું કઈ રીતે પોસાય ? મરીઝને મરીઝ બનાવનારી આ અનુભૂતિ એમના આ વિચાર છે. એ આપણા કરતાં જુદાં પડે છે. જે આપણે વિચારીએ છીએ એના કરતાં એક ડગલું આગળ એક કવિની દ્રષ્ટિએ આ જગતને જુવે છે.

ઝાહિદ એટલે ધર્મનો ઉપદેશક. જેનું જીવન ધર્મમય છે. જે ધર્મ વિશે ઉપદેશ આપ્યા કરે છે એવી વ્યક્તિએ મરીઝને કહ્યું હશે કે મસ્જિદમાં પણ આવો. મરિઝે કોઈ એક સમયે એવું પણ કહ્યું હતું કે... 

ઝાહિદ મને રહેવા દે તબાહી ભર્યા ઘરમાં,
મસ્જીદથી વધારે અહીં આવે છે ખુદા યાદ.

દુ:ખ અને તબાહીભર્યા ઘરની એક વિશેષતા છે કે વાતે-વાતે ડગલે-પગલે, શ્વાસે-શ્વાસે...ચોવીસે કલાક માત્ર નિસાસા નખાતા હોય છે, આંતરડી કકડતી હોય છે અને ઈશ્વરને યાદ કરતા હોય છે. આ કયા ગુનાહોની, આ કયા પાપોની સજા ભોગવી રહ્યો છું કે કોઈ સુખ નથી. દુ:ખ અને સંઘર્ષ ભરેલા ઘરમાં સતત ઈશ્વરનું સ્મરણ ચાલતું હોય છે. મરીઝ કહે છે ઝાહિદ! મને આ બરબાદીભર્યા ઘરમાં રહેવા દે. મસ્જિદમાં તો નમાઝ પૂરતો જ ખુદા યાદ આવે છે. અહીં તો સતત એને યાદ કરું છું. પવિત્રમાં પવિત્ર વાતાવરણ જ્યાં હોય એવી મસ્જિદ કરતા દુ:ખોથી ભરેલું ઘર જાણે ઈશ્વર સ્મરણનું શ્રેષ્ઠ સ્થળ છે કેવો અદ્ભૂત વિચાર?

દુનિયાના લોકો અને ભગવાન તો એક પિતા તરીકે, એક પતિ તરીકે, એક ભાઈ તરીકે, એક સ્વજન તરીકે મને માફ કરી દેશે પરંતુ ઘરના લોકો એક પિતાને, એક પતિને, એક ભાઈને માફ કરે એ જરૂરી છે. સાચી માફી ઘરના આપે એ જરૂરી છે. સાચી માફી ઘરના સ્વીકારે એ જરૂરી છે.

મરીઝે ઘર વિશે ઘણું લખ્યું છે. કદાચ આપણું એટલું ધ્યાન ગયું નથી. ઘર વિશેના થોડાક વધુ શેર જોઈએ.

કોઈ ન આવી શકે, ન જઈ શકું છું, 'મરીઝ'
મકાન આખું સલામત છે, દ્વાર સળગે છે.

***

યથાશક્તિ ફક્ત હું એની યજમાની કરી લઉં છું,
કે દુનિયાનાં દુ:ખો આરામ લે છે મારા ઘર આવી.

***

દિલ એની શ્યામ શ્યામ લટોને દઈ દીધું,
બળતું 'તું' ઘર એ કૃષ્ણને અર્પણ કરી દીધું.

***

દૂરથી જોતાં આપણું લાગે,
એવું એકેય ઘર નથી મળતું.

- રાજેશ વ્યાસ 'મિસ્કીન'

Related News

Icon