
- શબ્દ સૂરને મેળે
- સંપત્તિથી સુખ નથી મળતું. સંપત્તિ મેળવવામાં જીવન ખારું જ થઈ જતું હોય છે
દરિયો ન બહાર જાય, કંઈક ભેદ છે નકી,
જળ આભમાં સમાય, કંઈક ભેદ છે નકી.
ગરમી સૂરજ કનેથી ચાંદ મેળવે છતાં
કિરણો સુધી ન જાય- કંઈક ભેદ છે નકી.
આ ઝાડ અને બીજમાં પ્હેલું છે કોણ-નો,
કંકાસ રોજ થાય : કંઇક ભેદ છે નકી
શું થાય છે લજામણીને ? સ્હેજ ભૂલથી-
અડતાં બિડાઇ જાય ! કંઈક ભેદ છે નકી.
શું તેજ ને તિમિર બે સંપી ગયાં પછી-
એકમેકમાં પમાય ? કંઈક ભેદ છે નકીં.
- જગતમિત્ર
આ સૃષ્ટિના એવા ઘણાં રહસ્યો છે જે સમજાય તેવા જ નથી. આપણે રોજ બરોજ એ જોઈએ છીએ અને છતાં ક્યાં તો એ તરફ આપણું ધ્યાન ગયું નથી અને ક્યાં તો એ એટલું સામાન્ય લાગે છે કે વિચાર્યું જ નથી. કોઈ પણ વ્યક્તિ સૃષ્ટિની કોઈ પણ વસ્તુ વિશે વિચારવાની શરૂઆત કરે તો તે વિજ્ઞાાન સુધી એનાથી આગળ ઇશ્વર સુધી એનાથી આગળ પરમશક્તિ સુધી પહોંચી જવાનો. વિજ્ઞાાનમાં પાંચમા- છઠ્ઠા ધોરણમાં ભણી ગયા હોઈશું કે સૂર્યની કિરણોને લીધે વૃક્ષોના પાંદડા લીલાછમ્મ રહે છે. ક્યાં સૂર્ય અને છેક ક્યાં આ વૃક્ષો ! કેટલા બધા પ્રકાશવર્ષનું અંતર ? અને છતાં સૂઝતા એ કિરણ સાથે પ્રત્યેક વનસ્પતિને સીધો સંબંધ છે. હું જેમ-જેમના સંબંધ વિશે વિચારતો જઉં છું. તેમ-તેમ વિશ્વની આ કવિતા અદ્ભૂત લાગે છે. સૃષ્ટિનાએ સર્જકને માટે માથું નમી જાય છે. રોજની ઝંઝાળોથી છૂટીને કદી જાતમાં કદી જગતમાં ડોકિયું કરવા જેવું છે.
નામ પટેલ મણિલાલ નરસિંહદાસ ગામ હસનાપુર પણ આટલું નામ લખવાથી આ કવિનો પરિચય ન થાય એવું બને. છેલ્લા ઘણાં વર્ષોથી તેઓ 'જગતમિત્ર'ના નામે કવિતાઓ લખે છે. ગુજરાતના એક નાનકડા ગામડામાં બેઠા-બેઠા ગઝલો લખતા આ કવિને ૩૦-૩૫ વર્ષ પહેલા મળ્યાનું યાદ છે. ગુજરાતના નાનકડાં ગામડામાં રહેતો આ વ્યક્તિની કવિ દૃષ્ટિ કેવી છલાંગ મારે છે કે તે પોતાનું તખલ્લુસ- ઉપનામ જગતમિત્ર ધરાવે છે. નાનાં-નાનાં ગામોમાંથી જ્યારે કવિઓની કવિતા હું વાંચું છું ત્યારે આશ્ચર્ય-આનંદ અને ગૌરવ થાય છે. શહેરોમાં પુસ્તકાલય હોય, સાહિતિક વાતાવરણ હોય અને લોકો સુધી પહોંચવાની સરળતા હોય પરંતુ જ્યાં કશું જ વાતાવરણ નથી ત્યાંથી બેઠા- બેઠા લય અને છંદની સાથે જોડાયેલા રહેવું, જોડાતા જવું એ મોટી વાત લાગે છે. જગતમિત્ર આવા એક ગઝલકાર છે. ગઝલએ એક સ્વરૂપ છે જે દરેક વ્યક્તિના હૃદયને સીધું સ્પર્શે છે. ટાંચાં સાધનો (પુસ્તકો-સામાયિકો ઇત્યાદિ), આર્થિક વિષમતાઓ, વારંવાર કથળતું સ્વાસ્થ્ય, નાના ગામડાનું અસાહિત્યિક વાતાવરણ વગેરે વચ્ચે તેમના સાતેક પુસ્તકો પ્રગટ થયા છે.
દરિયો ક્યારેય પોતાની માઝા મૂકતો નથી. આટલી બધી નદીઓ ઠલવાય છતાં દરિયો તેની હૃદ કદી ઓળંગતો નથી. નિયમિત પાણીનું બાષ્પીભવન થયા કરતું હશે, દરિયો એટલો ઉંડો થતો જતો હશે એ તો ભગવાન જાણે પણ કંઈક રહસ્ય છે. પૃથ્વી ઉપરનો દરિયો કદી પણ માઝા મૂક્તો નથી અને દરિયાને પાણીથી જે ભરી દે છે એ નદીઓ મીઠા જળની બનેલી છે અને એ મીઠું જળ આકાશમાં સમાયેલું છે. આ પણ કેવું રહસ્યમય છે. દરિયા વિશેની પૂજાલાલની પંક્તિઓ સહજ યાદ આવે.
તણાઈ આવતી છોને બધી ખારાશ પૃથ્વીની,
સિંધુના ઉરમાંથી તો ઉઠશે અમી વાદળી.
નદીઓની સાથે આખી દુનિયાનો કચરો-ક્ષાર-બધી જ ખારાશ દરિયામાં તણાઈ આવે છે. દરિયાનું પાણી એટલે તો ખારું છે. પણ આ ખારાશ ભરેલી હોવા છતાં જેમ તાપ પડે છે, જેમ દુ:ખ પડે છે. તેમ-તેમ દરિયામાંથી તો જે વરાળ પ્રગટે છે. એ અમીના વાદળ તૈયાર કરે છે. મીઠા જળ વરસાવતા વાદળો આ ખારા દરિયામાંથી બને છે. પૂજાલાલના આ મુક્તકની જેમ બરકત વીરાણી બેફામના પણ દરિયા વિશેના શેર યાદ આવી જાય છે.
નથી મેળવાતી ખુશી સંપત્તિથી,
આ મોજાં રડીને કિનારાને કહે છે,
કે ભીતરમાં મોતી ભર્યા છે છતાંય,
સમુદ્રોના ખારાં જીવન થઈ ગયાં છે.
સંપત્તિથી સુખ નથી મળતું. સંપત્તિ મેળવવામાં જીવન ખારું જ થઈ જતું હોય છે. કવિની દૃષ્ટિ ક્યા- ક્યાં ફરતી હોય છે અને આ સૃષ્ટિની કેવી-કેવી કમાલો જોતી હોય છે. એટલા માટે જ કહેવાયું છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. જ્યાં સૂરજનું કિરણ પણ પહોંચી નથી શકતું ત્યાં કવિની દૃષ્ટિ પહોંચી ગઈ હોય છે.ચંદ્ર પરપ્રકાશિત છે. સૂરજના કિરણોને લીધે ચંદ્ર પ્રકાશિત થાય છે એ આપણે જાણીએ છીએ. સૂરજના કિરણો કેટલા ગરમ ? પણ એ જ કિરણોથી જ્યારે ચંદ્ર પ્રકાશિત થાય છે ત્યારે સૂરજના એ કિરણો ચાંદની બની જાય છે. તડકો ચાંદની કેવી રીતે બની જાય છે એ રહસ્ય ખોલવા જવા જેવું છે. વૃક્ષ પહેલું કે બીજ પહેલું ? આ પ્રશ્ન લઈને જો તમે નીકળો અને જો ભીતરના પ્રવાસી હો તો નરસિંહ મહેતા કહે છે એ પંક્તિ સમજાય...
વૃક્ષમાં બીજ તું બીજમાં વૃક્ષ તું...
બીને તોડીએ તો તેમાંથી ફૂલનો કોઈ રંગ, ફૂલની કોઈ સુગંધ, કોઈ ડાળી કશું જ દેખાતું નથી. આ સૃષ્ટિમાં એ પરમશક્તિ ક્યાં-ક્યાં કેવા સ્વરૂપે છુપાયેલી છે ! એક નાનકડો લજામણીનો છોડ સ્પર્શનું વિજ્ઞાાન કેવું જાણતો હશે ! તમે સ્હેજ સ્પર્શ કરો અને લજામણીનો છોડ આખ્ખો બીડાઈ જાય છે. અજવાળું અને અંધારું બેઉ જ્યાં સંપી ગયા હોય એવી ક્ષણને શું કહેવાય ? અજવાળામાં અંધારું દેખાય અને અંધારામાં અજવાળું દેખાય ત્યારે એ ભેદ, એ રહસ્ય કેટલા બધા રહસ્યો ઉઘાડી આપે છે. આપણે સૂર્યની સામે જોતા રહીએ, આવા પ્રકાશ પૂંજની સામે જોતાં-જોતાં આંખો અંજાઈ જાય છે.
આંખમાં અંધારા ઉતરી આવે છે. અંધારામાં ઝીણી નજરે જોતાં-જોતાં અંધારામાં પણ આંખ અનુકુલન સાધી લે છે. બહારના અજવાળા હોય કે ભીતરના એના રહસ્યોને ઉકેલી શકીએ, જાણી શકીએ એ જ જીવનની સાર્થકતા છે. એટલા માટે જ આપણે આપણી ભીતર શું-શું પડયું છે. એ આપણે ખોળવાનું હોય છે. આપણે ધ્યાનમાં પણ બેધ્યાન થઈ જઈએ છીએ. ધ્યાનમાં પણ ઉંઘી જઈએ છીએ. જાતને ઢંઢોળવાની વાત કરતી જગતમિત્રની ગઝલ જોઈએ.
આપણામાં શું પડયું છે, ખોળવાનું આપણે,
ધ્યાન ઊંઘી જાય તો ઢંઢોળવાનું આપણે.
કામ પૂંઠે દામ સાથે નામ દોડી આવશે,
કામમાહે આપણું મન જોડવાનું આપણે.
રીસ એની એક દિન ભાંગી અને ભુક્કો થશે,
એ ભલે બોલે નહીં, પણ બોલવાનું આપણે
રંગ કોયલનો છે કાળો એ બધાં જાણે જ છે,
કેમ ટહુકો છે મીઠો એ ખોળવાનું આપણે !
ચાંચ ના ડૂબી જરી ખાબોચિયે, ત્યાં સાગરે-
કેમ જઈને રોજ માથું બોળવાનું આપણે ?
હોય આંખો તે છતાં ના દેખવા દે કાંઈપણ,
એ તમસ્ બંધન સમૂળું તોડવાનું આપણે !
એ ભલે બારી જ આખી બંધ કરતા ખીજમાં,
બારણું ત્યાં પ્રેમથી છે ખોલવાનું આપણે !
- રાજેશ વ્યાસ 'મિસ્કીન'