Home / GSTV શતરંગ : You are a very kind and compassionate 'mother'...

GSTV શતરંગ / મહા હેતવાળી દયાળી જ 'મા' તું....

GSTV શતરંગ / મહા હેતવાળી દયાળી જ 'મા' તું....

- શબ્દ સૂરને મેળે

- દલપતરામની કવિતાઓની એ વિશેષતા છે કે તેમના કાવ્યોની અનેક પંક્તિઓ કહેવત રૂપ બની ગઈ છે

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મા નો ગુણ

હતો હું સુતો પારણે પુત્ર નાનો,

રડું છેક તો રાખતું કોણ છાનો,

મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું,

મહા હેતવાળી દયાળી જ મા તું.

સુકામાં સુવાડે ભીને પોઢી પોતે,

પીડા પામું પંડે તજે સ્વાદ તો તે,

મને સુખ માટે કટુ કોણ ખાતું,

મહા હેતવાળી દયાળી જ મા તું.

લઈ છાતી સાથે બચી કોણ લેતું,

તજી તાજું ખાજું મને કોણ દેતું,

મને કોણ મીઠાં મુખે ગીત ગાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

પડું કે ચડું તો ખમા આણી વાણી,

પડે પાંપણે પ્રેમનાં પુર પાણી,

પછી કોણ પોતાતણું દૂધ પાતું,

મહા હેતવાળી દયાળી જ મા તું

મને કોણ કેતું પ્રભુ ભક્તિ જુક્તિ

ટળે પાપ પાપે મળે જેથી મુક્તિ,

ચિત્તે રાખી ચિંતા રૂડું કોણ ચાતું,

મહા હેતવાળી દયાળી જ મા તું

તથા આજ તારૃં હજી હેત તેવું,

જળે માછલીનું જડયું હેત જેવું,

ગણિતે ગણ્યાથી નથી તે ગણાતું,

મહા હેતવાળી દયાળી જ મા તું.

અરે એ બધું શું ભલું જૈશ ભૂલી,

લીધી ચાકરી આકરી જે અમૂલી

સદા દાસ થૈ વાળી આપીશ સાટું

મહા હેતવાળી દયાળી જ માતું

અરે દેવના દેવ આનંદ દાતા,

મને ગુણ જેવો કરે મારી માતા,

રાઘો વાળવા જોગ દેજે સદા તું

મહા હેતવાળી દયાળી જ મા તું.

શિખે સાંભળે આટલા છંદ આઠે,

પછી પ્રીતથી જો કરે નિત્યપાઠે,

રીઝી દેવ રાખે સુખી સર્વ ઠામે,

રચ્યા છે રૂડા છંદ દલપતરામે.

- દલપતરામ

જેમણે જૂની વાચનમાળાનો અભ્યાસ કર્યો હશે તેમને બાળપણના સંસ્કારમાં ક.દ.ડાની કવિતાઓ સંસ્કારમાં મળી હશે. ક.દ.ડાના વરવા દેખાતા નામથી અને ગરવા કાવ્ય પ્રવાહથી ગુજરાતી ભાષાને સતત ૬૦ વર્ષ સુધી તરબોળ કરી ચૂકેલા કવિશ્વર દલપતરામ ડાહ્યાભાઈને આપણે સૌ દલપતરામ તરીકે ઓળખીએ છીએ. મહાકવિ ન્હાનાલાલના પિતા તરીકે ઓળખીએ છીએ.

મહા હેતવાળી દયાળી જ મા તું ! એ દલપતરામના ખૂબ જાણીતા કાવ્યોમાંનું એક છે. દલપતરામની કવિતાઓ સરળ ભાષામાં હૃદયને સોંસરી સ્પર્શી જાય તેવી છે. જૂના વ્હેમ, નવા સુધારા, સ્વેદાશાભિમાન વગેરે વિષયો તરફ તેમણે સમાજને બેઠો કર્યો. લોકોના હૃદય ઉપર દલપતરામે વર્ષો સુધી રાજ કર્યું છે. કે.કા. શાસ્ત્રી જેવા ગુજરાતી ભાષાના પંડિત સ્પષ્ટ જણાવે છે કે આજે નર્મદ અને દલપતરામની કવિતાઓની તાતી જરૂર છે. દલપતરામની બધી ઉપદેશ પ્રધાન કવિતાઓ અને નર્મદની સ્વદેશિભિમાનને જાગૃત કરતી કવિતાઓ સંસ્કાર વારસો બની રહે તેવી છે. દલપતરામ બધાના કવિ હતા. બાળકો-યુવાન-સ્ત્રી-પુરૂષો એ સૌ તેમની કવિતાઓ હોંશે હોંશે ગાતા હતા. ગુજરાતી ભાષાના આ આદ્ય કવિઓએ જે ગુજરાતી ભાષાને ઘડી છે, જે પૂર્વભૂમિકા ઊભી કરી છે તેને કારણે ગુજરાતી સાહિત્યનો આજે વિકાસ થયેલો છે.

મહા હેતવાળી દયાળી જ મા તું આ પંક્તિઓ તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમિયાન પ્રેક્ષકોમાંથી મોટાભાગનાને મારી સાથે સૂરમાં સૂર પૂરાવતા જોયા. પણ આખી કવિતા શોધવા જઈએ તો સ્મરણમાં પણ સચવાયેલી ના મળે. ગ્રંથાલયોમાં હવે આવા પુસ્તકો શોધવા અઘરા થઈ ગયા છે. આથી આ કવિતા સૌની લાગણીને ધ્યાનમાં રાખીને અહીં આખી મૂકું છું.

માતાના ગુણ આપણા જીવન ઉપર અપાર છે. નવ મહિના પોતાના ઉદરમાં આપણને ઊંચકીને ફરી હોય છે. આ નાનીસૂની વાત નથી. બાળક ઘોડિયામાં સૂતું હોય અને સ્હેજ રડે કે તરત બધા જ કામ પડતા મૂકીને મા દોડીને બાળકને છાનું રાખે છે. બાળકને દુઃખી જોઈને પોતે દુઃખી થઈ જાય છે. આવો પ્રેમ કોણ રાખે ? મહાકોલા અને મહાસંગ્રામના જમાનામાં મહા હેતવાળી શબ્દ નવો લાગે પણ એટલો જ વ્હાલો લાગે તેમ છે. બાળકને સૂકામાં સૂવડાવી પોતે ભીનામાં સૂતી હોય છે. બાળકને દૂધથી સુખ મળે તે માટે પોતે કડવી કડિયાતી દવાઓ લેતી હોય છે. કડવું કડિયાતું પીતી હોય છે. મહા હેતવાળી હોવાને કારણે જ છાતી સરસો ચાંપી રાખે. પડી જઈએ તો તરત ખમ્મા કહે. માછલી જેમ જળમાં નિશ્ચિંત હોય છે એમ માતાના પ્રેમમાં બાળક નિશ્ચિંત હોય છે. માતાના પ્રેમનો સરવાળો ગણિત આવડવાથી આવડી નથી જતો.

મા એ પહેલી ગુરૂ છે. ગુરૂ એ બીજી મા છે. મા બાળપણમાં બાળકને જે સંસ્કારો આપે તે સાચા. માતાએ જે આપણી આકરી ચાકરી કરી હોય છે એ કોઈ ના કરી શકે. જીવનભર સેવા કરીએ તો પણ એનું મૂલ્ય ચૂકવાય તેમ નથી. માટે જ મહા હેતવાળી દયાળુ મા માટે તો વંદન જ હોય.

દલપતરામની કવિતાઓની એ વિશેષતા છે કે તેમના કાવ્યોની અનેક પંક્તિઓ કહેવત રૂપ બની ગઈ છે. અન્યનું તો એક વાંકું આપના અઢાર છે... ટકે શેર ભાજી ટકે શેર ખાજા...સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે...દલપતરામની કવિતામાં વિવિધ ઋતુઓનું વર્ણન એટલું સુંદર રીતે કરવામાં આવ્યું છે કે એ પંક્તિઓ યાદ રહી જાય. કહેવતરૂપ બની જાય.

- રાજેશ વ્યાસ 'મિસ્કીન'

Related News

Icon