Home / : The flicker of lamps and the glow of the Milky Way

Ravi Purti: દીવાનો ટમટમાટ અને આકાશગંગાનો ઝળહળાટ

Ravi Purti: દીવાનો ટમટમાટ અને આકાશગંગાનો ઝળહળાટ

- લેન્ડસ્કેપ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બ્રહ્માંડમાં આછા આકાશી રંગના ટપકાં જેવી દેખાતી પૃથ્વી આપણું જાણેલું એક માત્ર ઘર છે. આવો તેને સાચવીએ, તેને પામીએ. 

- કાર્લ સેગન

આખી પૃથ્વી આપણી સૌની સહીયારી ચૈતન્ય સંપદા છે. અહીં માનવી માત્રનો એકાધિકાર નથી. અહીંના દરેક જીવ અને જંતુ, વૃક્ષ અને વનસ્પતિ, અને ધબકે છે તે બધાનો સમાન અધિકાર છે. માત્ર ભોગનો નહીં યોગનો પણ ખરો. આપણી ભારતીય સંસ્કૃતિ આત્મવાન અને ચૈતન્યવાનને, જીવંત અને જાગૃત બધાને વંદે છે-પૂજે છે. તે જીવન કેન્દ્રી છે તેથી જ સનાતન અને નિત્યનુતન છે.  ઉપનિષદો -વેદોનાં પ્રગાઢ સત્ય અને સૌંદર્યનો સ્રોત આશ્રમ અને અરણ્યોના સંવાદો તો છે. બૌદ્ધ અને શિન્તો પણ પ્રકૃતિને જ ગ્રંથાલયો ગણે છે. આપણો શ્વાસ આ વડલો, પીપળો, દેવદાર, અને તૂલસી વગેરેમાંથી તો આવે છે.તથાગતની કલ્યાણ મૈત્રી અને બ્રહ્મવિહારના અહોભાવમાંથી જ તેમનું આ કથન આવે છે, 'આપણી ઉપર અને નીચે, દૂર અને નિકટ, જ્ઞાત અને અજ્ઞાત બધું આપણી મૈત્રી અને આદરનું હકદાર છે.' તેથી જ તેઓ ચરણને ઠેસ આપતા પથ્થરને પણ વંદન કરતા. સાંભળ્યું છે કે કવિવર રવીન્દ્રનાથના શાંતિનિકેતનમાં દીક્ષિત થતા વિદ્યાર્થીને માટીનો દિવો અને સપ્તપરણીનું એક પર્ણ અપાય છે. આ ઊજાસ અને પ્રકૃતિના બોધની દીક્ષા તો છે. વિનોબાજી પણ કહેતા કે અનરાધાર વરસાદને પણ પ્રિય મિત્ર જેમ મળવાનું હોય છે.

જાપાનીઝ ભાષાના 'યુજેન' શબ્દમાં 'બ્રહ્માંડના સૌન્દર્ય અને રહસ્ય' એવા બન્ને અર્થો છે. તો ગ્રીક ભાષાનો 'બાયો-ફીલીઆ' એટલે જે કાંઈ જીવંત છે તે બધા પ્રત્યેનો પ્રેમ. અમેરિકન બાયોલોજિસ્ટ તો કહે છે કે આપણો પ્રકૃતિ-પ્રેમ અંતરંગ અને સહજ છે, કારણકે આપણે પણ પ્રકૃતિનું જ એક પ્રાગટય છીએ. કમનસીબે  આપણે ઈન્ડોર સ્પિસીઝ બની ગયા છીએ, જેમનું  ૯૦% જીવન ઈન્ડોર છે અને દરરોજ ના લગભગ આઠ કલાકનો તો  સ્ક્રીનટાઈમ છે. તેથી બ્લડપ્રેશર અને સ્ટ્રેસ લેવલ હાઈ છે અને ઈમ્યુન અને એનર્જી લેવલ તળિયે છે.

વિશ્વભરના વૃક્ષો એક જ વ્યક્તિએ નથી બચાવવાનાં. એક વ્યક્તિએ તો પોતાના  આંગણાનો લીમડો અને શેરીની આંબલી સાંચવી લેવાની છે. બસ! જો મારા આંગણાનાં પતંગિયાની પાંખોનો ફડફડાટ દૂર ટોર્નેડો બનતો હોય તો મારા દીવાનો ટમટમાટ અને   આકાશગંગાનો ઝળહળાટ સગોત્રી છે. પ્રકૃતિ સાથે દોસ્તી સહેલી છે : વૃક્ષ સાથે વાતો, કેડી સાથે ચાલવાનું, પવન સાંભળવાનો, આકાશ વાંચવાનું છે. ખલીલ જીબ્રાન તો કહેતા 'આ વૃક્ષો, પૃથ્વીએ આકાશ પર લખેલાં કાવ્યો તો છે.'

- સુભાષ ભટ્ટ

Related News

Icon