
- આજકાલ
- સુનીલ હરસાના માને છે કે બાળકનું મન ચંચળ છે અને કોઈ બાળકને પર્યાવરણમાં રુચિ હોય તોપણ માતા-પિતા બહુ પ્રોત્સાહન આપતા નથી
દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી અરવલ્લી પર્વતમાળાનો પૂર્વ છેડો હરિયાણા થઈને છેક દિલ્હી નજીક પૂર્ણ થાય છે. હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં અરવલ્લી પહાડી પાસે આવેલા મંગર ગામમાં રહેતા સુનીલ હરસાના મંગલ બાનીના સાતસો એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા જંગલની સમૃદ્ધિની સુરક્ષાનું મહત્ત્વનું કાર્ય કરે છે. તેમણે માસ કૉમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે અને માનવશાસ્ત્રમાં એમ.એ. કર્યું છે, પણ શહેરમાં જઈને નોકરી કરવામાં રસ નથી. તેમનું બાળપણ જંગલમાં વીત્યું હોવાથી જંગલની પ્રત્યેક ચીજ પશુ-પક્ષી, કીડી-મકોડા, છોડ, વેલા કે વૃક્ષ - આ બધું જ તેમને આકર્ષિત કરે છે. ગામનાં બાળકોને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી તેમણે ૨૦૧૫માં મંગલ ઈકો ક્લબની સ્થાપના કરી અને દર અઠવાડિયે બાળકો માટે મંગલબાની જંગલમાં પર્યાવરણને લગતા કાર્યક્રમો કરે છે. આ પ્રવૃત્તિને કારણે ઘણા પક્ષીવિદોના સંપર્કમાં આવવાનું બન્યું. પક્ષીજીવનને જાણવાની તક મળી. પક્ષીઓ અને તેમની વિશિષ્ટ જીવનશૈલી જાણવાની જિજ્ઞાાસા વધતી ગઈ. પક્ષીઓ કેવી રીતે ભોજન લાવે છે, કઈ રીતે ભોજન કરે છે, માળો બનાવે છે અને પોતાના સાથીને શોધી લાવે છે - આ બધી જાણકારી સુનીલ હરસાનાના કામમાં મદદરૂપ થઈ. તેઓ માને છે કે પક્ષી વિશેનું જ્ઞાાન પર્યાવરણ માટે મહત્ત્વની ચાવી છે. તેઓ બાળકો પાસે 'પક્ષીજીવન - એક સંઘર્ષ' નામે કાર્યક્રમ કરાવે છે. તેમાં બાળકોએ પક્ષીનું પાત્ર ભજવવાનું હોય છે. મિમિક્રી કરતાં કરતાં તેના જીવનની વાસ્તવિકતા દર્શાવવાની હોય છે. તોફાન દરમિયાન, વાતાવરણમાં પરિવર્તન થાય ત્યારે કે પછી પક્ષીઓને તેમનું રહેઠાણ ગુમાવવું પડે તે સમયે અથવા તો શિકારી તેમનો શિકાર કરવા આવે ત્યારે પક્ષીઓને શું થતું હશે? માનવીઓ દ્વારા વપરાતાં ઝેરી રસાયણો કે વૃક્ષછેદનથી થતી અસર સમજાવીને બાળકોની સંવેદના જગાડવામાં આવે છે. પર્યાવરણનું રક્ષણ કરવું શા માટે જરૂરી છે તે સમજાવીને બાળકોને પ્રકૃતિ સાથેના સંબંધનું મહત્ત્વ દર્શાવવામાં આવે છે. મંગર ગામ દિલ્હીની સીમા પર આવેલું છે અને ચોપાસ જંગલથી ઘેરાયેલું છે. સરકાર દ્વારા જાહેર થયેલી વિકાસ યોજનાથી ૨૦૧૧માં આ વનક્ષેત્રને બચાવવાનું અભિયાન શરૂ થયું તે દરમિયાન તેમને અનેક લોકોને મળવાની તક મળી કે જેઓ જંગલ વિશે ઘણું જ્ઞાાન ધરાવતા હતા. તેઓ કહે છે કે જંગલ વિશે વધુ જાણવાની જિજ્ઞાાસા ક્યારે તેમની આદત બની ગઈ, તેની ખબર જ ન રહી.
તેઓ બાળકોને પર્યાવરણનું શિક્ષણ આપે છે, કારણ કે તેઓ માને છે કે બાળક જે કંઈ જુએ છે, સમજે છે અને શીખે છે, તેની ગાઢ અસર તેના સમગ્ર જીવન પર રહેતી હોય છે, તેથી તેમને પ્રકૃતિના બધા આયામો સાથે જોડવું જોઈએ. ઉપભોક્તાવાદના અતિક્રમથી આજની પેઢીને બચાવવા માટે પર્યાવરણનું શિક્ષણ મહત્ત્વનું છે. તેઓ એમ પણ માને છે કે બાળકનું મન ચંચળ છે અને કોઈ બાળકને પર્યાવરણમાં રુચિ હોય તોપણ માતા-પિતા બહુ પ્રોત્સાહન આપતા નથી, કારણ કે તેઓ પુસ્તકના જ્ઞાાનને વિશેષ મહત્ત્વ આપે છે. આ કારણોસર સુનીલ હરસાના અલગ અલગ કાર્યક્રમો યોજીને બાળકોનો રસ ટકાવી રાખે છે. તેને માટે તેઓ ફિલ્ડ ગાઈડ, પોકેટ ગાઈડ, બુકલેટ, રમત રમાડવી, પક્ષી નિરીક્ષણ, ચિત્રકલા, સાહિત્ય, વાર્તાઓ જેવાં અનેક માધ્યમો અપનાવે છે.
તેમણે અત્યાર સુધીમાં આશરે સો જેટલા બાળકોને પ્રોત્સાહિત કર્યા છે અને તેઓ અત્યારે સુનીલ હરસાનાને સંશોધનમાં તેમજ સોશિયલ મીડિયા દ્વારા અભિયાન ચલાવવામાં મદદ કરી રહ્યા છે. સાતમા ધોરણમાં અભ્યાસ કરતો નિખિલ અને તેમના મિત્રો નિયમિત રીતે જંગલમાં જતા અને પક્ષીનિરીક્ષણ કરતા. તેઓ ઘણા પક્ષીઓને ચકલી તરીકે જ ઓળખતા, પરંતુ હવે તેઓ દરેક જાતની ચકલીઓને અને પક્ષીને ઓળખે છે. આજે ત્રેવીસ વર્ષની ઉંમરે તે સુનીલ હરસાનાની દરેક પ્રવૃત્તિમાં પછી તે કેમ્પનું આયોજન હોય, પક્ષીનિરીક્ષણ શીખવવાનું હોય કે ચેક ડેમ બાંધવાનું કામ હોય, તેમાં મદદ કરે છે. જંગલમાં રહેતાં પશુ-પક્ષીઓને તકલીફ ન થાય તે માટે સુનીલ હરસાના બાળકોને જંગલમાં અવાજ ન કરવાનું શીખવે છે. બન્યું એવું કે એક વખત સરકાર દ્વારા સ્કૂલોને વૃક્ષારોપણનું કામ સોંપાયું હતું. તેથી વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો અને આચાર્ય પણ આવ્યા હતા. કાર્યક્રમ અંતે આચાર્યે જયકાર બોલાવવા કહ્યું, પરંતુ વિદ્યાર્થીઓએ શિક્ષકોને જણાવ્યું કે આવા મોટા અવાજ કરવાથી પક્ષીઓને પરેશાની થશે. શિક્ષકો આ સાંભળી આશ્ચર્યમાં પડી ગયા. સુનીલ હરસાના કહે છે કે આ ક્ષણ એમના જીવનની અણમોલ ક્ષણ બની રહી.
સુનીલ હરસાના જંગલના સંરક્ષણની સાથે સાથે જૈવ વિવિધતાનું દસ્તાવેજીકરણ કરે છે. તેઓ ગ્રામજનો, નાગરિક સમૂહો અને સરકારના સત્તાધારીઓ સાથે મળીને જાગરૂકતાનું કામ કરે છે. તેઓ વૃક્ષારોપણમાં માનતા નથી. તેમનું કહેવું છે કે જે વૃક્ષો છે તેને પહેલાં સાચવો પછી નવાં વૃક્ષો વાવવાની વાત કરો. વૃક્ષારોપણના કાર્યક્રમ પછી તે વૃક્ષની કોઈ સંભાળ લેતું નથી. જે છે તેને જાળવવું અને મજબૂત કરવું જોઈએ માણસે તેમાં વિક્ષેપ ન કરવો જોઈએ.
તેમને સહુ પ્રકૃતિ શિક્ષક કહે છે, પણ તેઓ કહે છે કે, 'હું પ્રકૃતિ શિક્ષક નથી, કારણ કે બાળકો સાથે હું ઘણું શીખ્યો છું અને હજી શીખી રહ્યો છું. હું વિદ્યાર્થી જ છું. બસ, એમનાથી થોડો મોટો વિદ્યાર્થી.'
'હું છું મારું ગીત'
નીલા ઇબ્રાહિમી માને છે કે અફઘાનિસ્તાનની દરેક સ્ત્રીમાં આવી શક્તિ છે, જરૂર છે માત્ર તકની. સત્તર વર્ષની નીલા આજે અફઘાન સ્ત્રીઓનો અવાજ બની રહી છે
સમાજસુધારકો અને શિક્ષણવિદોએ હંમેશા સ્ત્રીશિક્ષણને પ્રધાનતા આપી છે અને એમ પણ કહેવાય છે કે દેશની પ્રગતિનો આધાર સ્ત્રીની પ્રગતિ પર રહેલો છે. ઘણા પ્રયત્ન પછી પણ આજે સ્ત્રી કરતાં પુરુષોનો સાક્ષરતા દર વધારે છે. એના મૂળમાં દીકરીને સ્કૂલે ન મોકલવાની માનસિકતા, અજ્ઞાાન, ગરીબી, બાળલગ્ન જેવાં અનેક કારણો પણ છે, પરંતુ જ્યાં સ્ત્રી-શિક્ષણ પર જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય તેનું ભવિષ્ય શું? અફઘાનિસ્તાનમાં ૨૦૨૧માં તાલિબાનોએ સત્તા સંભાળતા જ સ્ત્રીઓ પર ઘણા પ્રતિબંધ લગાવ્યા. ૧૪ વર્ષની નીલા ઈબ્રાહિમી માટે આવો પ્રતિબંધ સ્વીકારવાનું પીડાદાયક હતું, કારણ કે નીલાનો જ્યારે જન્મ થયો, ત્યારે અફઘાનિસ્તાન તાલિબાનોની પકડમાંથી આઝાદ થઈ ચૂક્યું હતું અને ત્યાં નવનિર્માણની હવા વહેવા લાગી હતી. છોકરીઓ સ્કૂલે જવા લાગી હતી અને કેટલીક સ્ત્રીઓ પોતાનો વ્યવસાય પણ કરતી હતી.
નીલાના 'આઈ એમ માય સોંગ' ગીતમાં અફઘાનિસ્તાનની છોકરીઓને પોતાના હક માટે અવાજ ઉઠાવવાનું કહેવામાં આવ્યું હતું.
હામિદ કરજઈના નેતૃત્વમાં કાબુલ વિકાસના પથ પર આગળ વધી રહ્યું હતું. નીલા ઈબ્રાહિમીના જીવનની દુ:ખદ ઘટના એ હતી કે તે એક મહિનાની હતી, ત્યારે જ તેના પિતાનું મૃત્યુ થયું હતું, તેથી તેના મોટોભાઈ મુર્તજા અને નીલાના ઉછેરની જવાબદારી તેની માતા પર આવી પડી હતી. માતાએ તેમના ઉછેરમાં કોઈ કમી રહેવા દીધી નહીં. નીલા કાબુલની મારફેત હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને બધી રીતે સ્વતંત્ર હતી. સ્કૂલના દિવસોમાં તે 'સાઉન્ડ ઑફ અફઘાનિસ્તાન'ની સક્રિય સભ્ય બની ચૂકી હતી. 'સાઉન્ડ ઑફ અફઘાનિસ્તાન' બેન્ડ દ્વારા તેઓ શાંતિ, માનવઅધિકારો અને લૈંગિક ભેદભાવના વિરોધમાં ગીત ગાતાં હતાં. નીલાએ તાલિબાનોની સત્તાનો સમય જોયો નહોતો, પરંતુ તેમના જુલમની વાતો તો સાંભળી હતી. અફઘાનિસ્તાનની જનતાને પણ એમ લાગતું હતું કે હવે એવો કપરો સમય પાછો નહીં આવે અને એ સઘળું ઇતિહાસ બનીને રહી જશે, પરંતુ અમેરિકાએ કાબુલ છોડયું અને તાલિબાનોએ સત્તા સંભાળી. ૨૦૨૧ના માર્ચ મહિનામાં શિક્ષણ વિભાગે જાહેરાત કરીને બાર વર્ષથી મોટી ઉંમરની છોકરીઓ માટે જાહેરમાં ગીત ગાવા પર કે સંગીતની પ્રસ્તુતિ પર પ્રતિબંધ મૂકી દીધો. નીલા ઈબ્રાહિમીની ઉંમર તે સમયે ૧૪ વર્ષની હતી. નવમા ધોરણમાં અભ્યાસ કરતી નીલાએ આ આદેશની ઉપેક્ષા કરીને એક ગીત રેકોર્ડ કર્યું અને તેના ભાઈએ સોશિયલ મીડિયામાં મૂક્યું. જોતજોતામાં નીલાના આ ગીતનો વીડિયો વાયરલ થયો અને ઠેર ઠેર સરકારના આ પ્રતિબંધ સામે સરઘસ નીકળવા લાગ્યાં. છેવટે સરકારે ત્રણ મહિનામાં પોતાનો આદેશ પાછો ખેંચવો પડયો. આ સફળતાએ નીલાની હિંમત વધારી, પરંતુ દેશની પરિસ્થિતિ કથળતી જતી હતી. એવામાં તેની પાડોશીએ આવીને સમાચાર આપ્યા કે તાલિબાનોએ કાબુલ પર સંપૂર્ણ કબજો મેળવી લીધો છે. એ દિવસ હતો ૧૫ ઓગસ્ટ, ૨૦૨૧! એવા સમાચાર પણ મળ્યા કે તેઓ દરેક ઘરની તપાસ કરશે અને પહેલાંના સરકારી કર્મચારીની ઓળખ કરશે. આ સમાચારથી નીલાની માતા મૂંઝાઈ ગઈ. આંખોમાં ભય, શરીરમાં ધ્રૂજારી સાથે પતિના બધા દસ્તાવેજ શોધ્યા અને અત્યંત પીડા સાથે એ સઘળી છેલ્લી યાદગીરી અગ્નિમાં હોમી દીધી. નીલાના પરિવારે અફઘાનિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો અને ત્યાંથી જમીન માર્ગે પાકિસ્તાનના ક્વેટામાં ચાલતી શરણાર્થી શિબિરમાં પહોંચ્યા. ત્યાંથી તેઓ કરાંચી ગયા, પરંતુ ત્યાં તેમને ન તો સ્કૂલમાં પ્રવેશ મળે તેમ હતો કે ન તો અધિકાર! એક વર્ષ પછી ૩૦ બર્ડસ ફાઉન્ડેશન નામના સંગઠનની મદદથી કેનેડા પહોંચ્યા. કેનેડા આવીને સ્વતંત્રતાનો શ્વાસ લીધો. કેનેડાથી તેણે 'હર સ્ટોરી' નામના ઑનલાઇન મંચની સ્થાપના કરી. જેમાં અફઘાન છોકરીઓને પોતાની વાત કહેવા માટે પ્રોત્સાહિત કરે છે. નીલા ઈબ્રાહિમી દાખવેલી હિંમત અને સાહસ માટે કિડ્સ રાઈટ ફાઉન્ડેશન દ્વારા અપાતા ચિલ્ડ્રન્સ પીસ પ્રાઇઝથી સન્માનવામાં આવી. સમગ્ર વિશ્વના ૧૬૫ નામાંકનોમાંથી નીલાની પસંદગી કરવામાં આવી. નીલાએ જિનીવા શિખર સંમેલનમાં પોતાના ભાષણમાં કહ્યું કે તે દરરોજ અફઘાનિસ્તાનમાં રહેતી છોકરીઓ વિશે વિચારે છે. બાર વર્ષથી વધુ ઉંમરની છોકરીઓ માટે શિક્ષણનાં દ્વાર બંધ છે.
આજે તે તેના સંગીતના ગ્રૂપ સાથે જોડાઈ છે. પોતાના અનુભવની વાત કરે છે, ત્યારે તેની વક્તૃત્વ શક્તિ અને સમજ જોઈને લોકોને આશ્ચર્ય થાય છે. નીલા માને છે કે અફઘાનિસ્તાનની દરેક સ્ત્રીમાં આવી શક્તિ છે, જરૂર છે માત્ર તકની. સત્તર વર્ષની નીલા આજે અફઘાન સ્ત્રીઓનો અવાજ બની રહી છે.
- પ્રીતિ શાહ