
આજનો યુગ છે સ્પર્ધા હરિફાઈનો. આજનાં માનવીને ભૌતિક સુખ સગવડો તીવ્ર ઘેલછા છે. સમાજજીવનમાં નજર કરીએ તો- મનુષ્યો, ઉદ્યોગપતિઓ, મહાસત્તાઓ, અને ધર્મોનાં વિવિધ સંપ્રદાયો વચ્ચે હરિફાઈ છે. સરખામણી છે, દેખાડો છે. સહજ સરખામણી એક મનુષ્યની ઉન્નતિ-પ્રગતિ અન્ય વંચિત મનુષ્ય માટે સ્વાભાવિક 'ઇર્ષ્યા-અદેખાઈ'નું કારણ બને ! વળી જ્યાં પ્રગતિ નથી. ત્યાં ઉન્નતિ ન હોઈ ઇર્ષ્યા-અદેખાઈ જોવાં મળતા નથી. ઇર્ષ્યા એ માનવમનની ખારાશ છે. એક જર્જરિત મલિનવૃત્તિ છે. જે માનવસંબંધોને કડવાં બનાવે છે. ઇર્ષ્યા માનવમનને બાળે છે. માનવીનું ઇર્ષ્યાથી મોટું કોઈ દુ:ખ નથી. જે અશાંતિની અનુભૂતિ કરાવે છે. વળી-માનવીમાં ઇર્ષ્યાનો વ્યાપ વધતાં તે નિંદાને જગાડે છે. સહજ સમજીએ તો- ઇર્ષ્યાનું રૂપ આંતરિક છે. મુંગુ છે, છુપું છે- જ્યારે નિંદા બોલકી છે જેનો ભાવ.
બટાકબોલી નિંદા સહજવાણી દ્વારા પરખાઈ જાય
ભાષા હંમેશ કટુતાભર્યા, તમસવૃત્તિ અને નકારાત્મકતા સાથેના હોય છે. બટાકબોલી નિંદા સહજવાણી દ્વારા પરખાઈ જાય છે. જ્યારે ઇર્ષ્યા મનમાં ઉધઇની જેમ છૂપાઈ રહે છે જેને કળવી ઓળખવી મુશ્કેલ બને છે. ઇર્ષાળુ મનુષ્યની મધમીઠી જીભ સારું ચિત્ર કૃત્રિમ જીભે રજૂ કરતી હોય છે. જયારે વાસ્તવમાં મનમાં હળા-હળ વિષ-ઝેર ભર્યું હોય છે. આ ત્યાગને પાત્ર ઇર્ષ્યા-નિંદા મનુષ્યમાં ઉદ્વેગ- ઉન્માદ - વિષાદ- માનસિક તણાવ જેવા તમોર્દુગો સર્જે છે જેને કારણે માનવી નિરાશા, હતાશ અને બેચેન બની અશાંત રહે છે. આજે સમાજજીવનમાં ઇર્ષ્યા વિસ્તૃત પણે ફેલાયેલી છે જે સમાજ માટે ચિંતાજનક બાબત બની રહી છે. પ્રાચીન ભારતભૂમિનો ઇતિહાસ 'ઇર્ષ્યા-અહમ્'ની વૃત્તિએ રાવણનો વધ થયો અને રામને વનવાસ મળ્યો.
મહદ્અંશે ઇર્ષ્યા નથી ત્યાં માનવ પાસે શાંતિ છે
જયાં માનવમનમાં શૂન્ય ઇર્ષ્યા છે, ઇર્ષ્યાનો શૂન્યાવકાશ છે. મહદ્અંશે ઇર્ષ્યા નથી ત્યાં માનવ પાસે શાંતિ છે. પ્રસન્નતા છે. આનંદની છલોછલ અનુભૂતિ છે. અંતરમાં અજવાળું છે, ચિત્ત શાંત પવિત્ર હર્યું-ભર્યું ઉર્જાવાન બની રહે છે. અહીં માનવી ઉન્નતિ થયેલ માનવ પાસેથી સ્વની પ્રગતિ માટે પ્રેરણા લે છે. હકારાત્મક ચિંતન કરે છે. ઉન્નતિ-પ્રગતિ બાબતે રચનાત્મક સ્વીકારે છે. સન્માને છે માટે જ અહીં ઇર્ષ્યાની ભાષા નથી, ભાવ નથી તેના જન્મ ઉદ્ભવને સ્થાન નથી ! માનવી એ ઇર્ષ્યામુક્ત થવા શાસ્ત્રો ગ્રંથો અને ગુણવાન સાધુભગંવતોનો સહારો-ઉપદેશ લેવો જોઈએ. જગના જીવો પ્રત્યે મૈત્રીભાવના કેળવવી, સૌનું શુભ કલ્યાણ ઇચ્છવું, સેવા-સમર્પણનો ભાવ રાખવો. ગુણ-દર્શન દૃષ્ટિ કેળવવા સાથે સાથે પ્રશંસાનો દૃષ્ટિકોણ કેળવાય અને ખીલે તો 'ઇર્ષ્યામુક્ત' બનીશું. પરમેશ્વરને એવો માનવી વ્હાલો છે જે ઇર્ષ્યારહિત છે. સાત્વિકગુણો સંપન્ન ગુણવાન ભક્ત, સ્થિતપ્રજ્ઞા માનવી સતત ભક્તિમાં પ્રવૃત્ત છે તેને પરમેશ્વર પોતાના દરબારમાં સ્થાન આપે છે!