
દસ ટકા જીવન આપણા જીવનમાં જે ઘટનાઓ ઘટે છે તેનું બનેલું હોય છે. ૯૦ ટકા જીવન આપણે (તે ઘટનાઓ) ને કેવો પ્રતિસાદ આપીએ છીએ તેનાં પર નિર્ભર છે. આનો અર્થ શો થાય છે. આપણી સાથે જે કાંઈ પણ બને છે. તેનાં ૧૦ ટકા હિસ્સા પર આપણો કોઈ અંકુશ નથી. આપણે ગાડી અચાનક બગડી જતાં રોકી શકતા નથી. ક્યારેક વિમાન મોડું પડી શકે છે અને તેનાં કારણે તમારૂં સમગ્ર સમયપત્રક ખોરવાઈ જઇ શકે છે. ક્યારેક તમે કોઈ ટ્રાફિકમાં ફસાઈ જઈ શકો છો. અને તેનાં વિષે કંઈ પણ કરી શકવા સર્મથ નથી હોતા. આ ૧૦ ટકા ઉપર આપણો કોઈ જ અંકુશ નથી હોતો. પણ બાકી ૯૦ ટકાની વાત જુદી છે. બાકીનાં એ ૯૦ ટકા આપણે નક્કી કરી શકીએ છીએ. કઈ રીતે? આપણી પ્રતિક્રિયા દ્વારા.
આપણે સીગ્નલ પરની લાલબત્તી પર કાબુ ધરાવતા નથી. પણ આપણી પ્રતિક્રિયા આપણા કાબુમાં હોય છે. લોકો ને મોકો ન આપશો કે એ તમને મુરખ બનાવી જાય. આપણે ચોક્કસ નક્કી કરવાની તાકાત ધરાવીએ છીએ કે આપણે કઈ રીતે વર્તવું. જો કોઈ તમારા વિશે નકારાત્મક કહે તો એ વિશે વધું વિચાર્યા કરશો નહીં. તમારા ઉપર થયેલા એ શાબ્દિક હુમલા વખતે કાચ પરથી પાણી વહી જાય એમ એ વાતોને પણ ર્સ્પશ્યા વિના વહી જવા દો. નિંદાત્મક ટીકા-ટીપ્પણીની તમારા મન કે હૃદય પર અસર થવા દેશો નહીં. બરાબર પ્રતિક્રિયા આપો યોગ્ય પ્રતિભાવ આપો અને જુઓ કેમ તમારો દિવસ સુધરી જાય છે. કોઈક ખોટી પ્રતિક્રિયાને કારણે તમે સારો મિત્ર કે નોકરી ગુમાવી શકો છો કે પછી તમને નાહકની ચિંતામાં મુકી શકે છે. જો ટ્રાફિકમાં કોઈ તમારો રસ્તો આંતરે કે તમને ટાંપી જઈ તમારાથી આગળ જવા પ્રયત્ન કરે ત્યારે તમે કઈ રીતે વર્તો છો? શું તમે મિજાજ ગુમાવી બેસો છો? સ્ટીયરીંગ પર તમારો ગુસ્સો ઠાલવો છો? તમે ગાળો બોલો છો? શું આ બધાથી તમારૂં બ્લ્ડપ્રેશર આસમાન આંબી જાય એટલું ઉંચું પહોંચી જાય છે? શું તમે ૧૦ મિનિટ ઓફીસ મોડા પહોંચો તો તેનાથી બહુ મોટો ફેર પડી જવાનો છે? શા માટે કોઈ વાહનને તમારી યાત્રા કે તમારો દિવસ બગાડવાનો મોકો આપવો ? સ્ટીફન કોવીનાં ૯૦/૧૦ સિદ્ધાંત ને યાદ રાખો અને બિલ્કુલ ચિંતા ન કરો.
ધારો કે તમારી નોકરી છુટી ગઈ તો તમારી ઉંઘ શા માટે ઉડી જાય છે. તમે શા માટે બેબાકળા બની જાઓ છો? એનો કોઈક માર્ગ ચોક્કસ નિકળી આવશે. તમારી ચિંતામાં વપરાતી શક્તિ અને સમયનો ઉપયોગ નવી નોકરી શોધવામાં કરો. તમારૂં વિમાન મોડું પડે છે. એનાંથી તમારૂં આખું સમયપત્રક ખોરવાઈ જાય છે. તમારી નારાજગી અને રોષ વિમાનમાં સેવા આપતા કર્મચારી ઉપર શીદને ઠાલવવા ? જે કાંઈ બન્યુ તેમાં એનો શો દોષ ? વિમાન મોડું પડતાં તમને જે સમય મળ્યો છે તેનો વાંચનમાં કે બીજી કોઈ નવી પ્રવૃત્તિમાં સદ્ઉપયોગ કરો- તમારા સહપ્રવાસીને જાણો. કદાચ તમને તેમાં એક શ્રેષ્ઠ મિત્ર મળી રહે- ચિન્તા શા માટે કરવી જોઈએ એનાંથી તો પરિસ્થતિ ઉલ્ટી વધુ વણસે છે.
લાખો લોકો વણનોતરી અને નાહકની ચિન્તા, મુશ્કેલીઓ અને માથાનાં દુખાવાથી ત્રસ્ત રહે છે. આપણે સૌએ સ્ટીફન કોવીનો ૯૦/૧૦ નો સિદ્ધાંત સમજી લેવો જોઈએ. અને તેને અમલમાં મુકવો જોઈએ. એનાથી આપણું જીવન બદલાઈ જઈ શકે છે. જીવનમાં 'સફળતા મેળવવાની કળા' શિખવાડનારા પુસ્તકો પણ મળે છે. છતાં કેટલા માણસો સફળ થાય છે ? જો માણસો બધુ જ અમલમાં મુકે તો આ જગત નંદનવન થઈ જાય, સાહિત્ય અને જીવનમાં મુળભૂત તફાવત છે સાહિત્ય વાંચીયે તો છીયે પણ એના સિધ્ધાંતોને જીવનમાં અમલી બનાવીએ ત્યારે જ એ જીવંત બને.
- ચેતન એસ. ત્રિવેદી