ધોમધખતા ઉનાળામાં ત્વચા, વાળ અને આંખની ખાસ સંભાળ રાખવી પડે છે. સૂર્યના તાપને કારણે ત્વચા કાળી અને નિસ્તેજ, વાળ પરસેવાવાળા અને રૂક્ષ તથા આંખો લાલ થઈ જાય છે. ગરમીનો પારો ઊંચો ચડતાં જ ડિહાઈડ્રેશન થવાની શક્યતા વધી જાય છે. આથી ઉનાળામાં પાણી, ફળોનો રસ કે નાળિયેર પાણી પીવાનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. કેફીનયુક્ત પીણાંની શરીર પર 'ડાયુરેટીક' અસર થાય છે એટલે શરીરમાંથી પ્રવાહી ઓછું થાય છે. આ કારણે ગરમીમાં કેફીનયુક્ત પીણાંનો વિકલ્પ છેલ્લે રાખવો. બને તો દિવસમાં આઠ ગ્લાસ પાણી પી જવું જેથી શરીરમાં પ્રવાહીનું પ્રમાણ જળવાઈ રહે.

