
એક તરફ, શુભમન ગિલ ભારતીય ટીમનો કેપ્ટન બનતાની સાથે જ બેટથી તબાહી મચાવી રહ્યો છે, તો બીજી તરફ, સાઉથ આફ્રિકાના નવા કેપ્ટન વિઆન મુલ્ડરે પણ નવો ઈતિહાસ રચ્યો છે. જોકે તે કાયમી કેપ્ટન નથી, પરંતુ ઝિમ્બાબ્વે સામે તેણે જે ઈનિંગ રમી હતી તેણે ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. જ્યારે આખી ટીમે મળીને 500થી થોડો વધુ રન બનાવ્યા હતા, ત્યારે વિઆન મુલ્ડરે એકલાએ 300 રન પૂરા કર્યા હતા. સાઉથ આફ્રિકાના ટેસ્ટ ઈતિહાસમાં, એવું ફક્ત એક જ વાર બન્યું હતું જ્યારે કોઈ બેટ્સમેને ત્રેવડી સદી ફટકારી હોય, હવે ટીમને વિઆન મુલ્ડરના રૂપમાં બીજો ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન મળ્યો છે.
વિઆન મુલ્ડર ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર કેપ્ટન બન્યો
સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે. સાઉથ આફ્રિકાએ સિરીઝની પ્રથમ મેચ જીતી હતી. આ સિરીઝની બીજી મેચ માટે, સાઉથ આફ્રિકાએ વિઆન મુલ્ડરને પોતાનો કેપ્ટન બનાવ્યો છે. બીજી ટેસ્ટમાં, વિઆને શાનદાર ત્રેવડી સદી ફટકારી છે. કેપ્ટન તરીકે ત્રેવડી સદી ફટકારનારા બહુ ઓછા બેટ્સમેન છે. તે સાઉથ આફ્રિકા માટે આવું કરનારો પહેલો કેપ્ટન બન્યો છે. આ પહેલા 2012માં હાશિમ અમલાએ ઓવલ ખાતે ત્રેવડી સદી ફટકારી હતી, પરંતુ તે કેપ્ટન નહતો. વિઆને કેપ્ટન તરીકે ત્રેવડી સદી ફટકારવાનું કામ કર્યું છે. હવે મુલ્ડર સાઉથ આફ્રિકા માટે ટેસ્ટમાં સૌથી મોટી ઈનિંગ રમનાર બેટ્સમેન પણ બની ગયો છે. હાશિમ અમલાએ 311 રન બનાવ્યા હતા, હવે મુલ્ડરે તેને પાછળ છોડી દીધો છે.
વિઆન મુલ્ડરે ટેસ્ટમાં બીજી સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારી
વિઆન મુલ્ડરે બીજી સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારી છે. આ દરમિયાન, ભારતના વિરેન્દ્ર સેહવાગનો રેકોર્ડ માંડ બચી ગયો. વિરેન્દ્ર સેહવાગે 2008માં સાઉથ આફ્રિકા સામે માત્ર 278 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી, હવે વિઆન મુલ્ડરની વાત કરીએ તો, તેણે ઝિમ્બાબ્વે સામે 297 બોલમાં ત્રેવડી સદી પૂરી કરી છે. હેરી બ્રુક આ યાદીમાં ત્રીજા નંબરે છે, જેણે 2024માં પાકિસ્તાન સામે 310 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.
કેપ્ટનશિપ ડેબ્યુમાં જ ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી પણ બન્યો
વિઆન મુલ્ડર પોતાના કેપ્ટનશિપ ડેબ્યુમાં ત્રેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. કેશવ મહારાજ સિરીઝની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કરી રહ્યો હતો, પરંતુ બીજી મેચ પહેલા જ તે ઘાયલ થઈ ગયો હતો અને ત્યારબાદ વિઆન મુલ્ડરને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી હતી. મુલ્ડરે આ તકનો યોગ્ય રીતે લાભ લીધો અને મુલ્ડરે એવું કામ કર્યું છે જે આજ સુધી વિશ્વનો કોઈ કેપ્ટન નથી કરી શક્યો.