
લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે બનાસકાંઠા જિલ્લામાં મહિલા SPને નિમણુંક આપવાની માંગ સાથે પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે દારુના દુષણથી યુવાનોની મોતને પગલે અનેક મહિલાઓ વિધવા બની રહી છે, જેથી બનાસકાંઠાના હિતમાં ફરી કોઈ પરિવાર વિખરાય નહીં તેથી એક મહિલા SPની નિમણૂંક કરવા અંગે વિનંતી કરી હતી.
પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, બનાસકાંઠા એ રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર આવેલો સરહદી જિલ્લો છે. બોર્ડરથી કરોડો અબજો રૂપિયાનો દારૂ બનાસકાંઠામાં આવતો હોવાથી તે દારૂને કારણે અનેક યુવાનોના મોત થાય છે. જેથી હજારો મહિલાઓ નાની ઉંમરે વિધવા બની રહી છે અને બાળકો અનાથ થઈ રહ્યા છે. આ દેશી અને વિદેશી દારુના દુષણમાં અનેક પરિવારો વિખરાઈ રહ્યા છે. આ માટે મહિલાની વેદના મહિલા સમજી શકે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રમાણિક મહિલાને બનાસકાંઠાના SP તરીકે નિમણુંક આપવા માટે વિનંતી કરી હતી.