શિયાળો અને ઉનાળો એ કુદરતની સતત ગતિમાં રહેવાની પ્રક્રિયાનું એક ઉત્તમ ઉદાહરણ છે. પૃથ્વી પોતાની ધરી ઉપર અને સૂર્યની આસપાસ સતત ફરતી રહે છે. પરિણામે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સતત બદલાતું રહે છે. પૃથ્વીને સૂર્યની ફરતે એક ચક્કર મારતા ૧ વર્ષ લાગે છે અને પોતાની ધરી ઉપર એક ચક્કર મારતાં તેને ૧ દિવસ (૨૪ કલાક) લાગે છે, પરંતુ આપણાં ઘર તો એક જ જગ્યાએ સ્થિર રહે છે. કાશ! એ પણ ફરી શકતાં હોત! તો તો ગરમીની મોસમમાં આપણે તેને ઝાડની છાયામાં ગોઠવી દેત ખેર! જવા દો એ વાત જે શક્ય નથી અને વ્યવહારું પણ નથી. તો આજે હું તમને થોડા એવા આઇડિયા આપીશ કે જે ઉનાળાની ગરમીમાં ઘરને ઠંડુ રાખવામાં મદદરૂપ થઈ શકે અને તે પણ ખિસ્સા ખાલી કર્યા વગર આને માટે ગરમીનાં થોડા મૂળભૂત નિયમો જાણવા જરૂરી છે. ગરમી આપણા ઘરમાં દીવાલ, છત, ફ્લોર, બારી દરવાજા વગેરેમાંથી પ્રવેશે છે અને માનવશરીર માટે ૩૨ સેલ્સિયસ જેટલું તાપમાન અનુકૂળ છે.

