
- ભારતમાં નાભિ નીચેથી વસ્ત્રો પહેરવાની ફેશન ઋષિકાળથી અસ્તિત્વમાં છે, અજંટા ઈલોરાની મૂરતો તેના જીવંત નમૂના છે
એક સમયે વસ્ત્રોની અંદર સુષુપ્ત અવસ્થામાં પડી રહેતી નાભિ આજે ફેશનનું એક અનિવાર્ય અંગ બની ગઈ છે. એ સમય દૂર નથી જ્યારે એક બટન જેવી નાનકડી ડૂંટી પર કવિઓ ઓળઘોળ થઈ જશે.
થોડા સમય પહેલાં બોલીવૂડના 'હોટેસ્ટ આઈટમ સોંગ' ગણાતા કજરારે કજરારે...એ દેશ વિદેશમાં ધૂમ મચાવી હતી. ઐશ્વર્યા રાય પર ફિલ્માવવામાં આવેલા આ ગીતની આડઅસર એટલે દૂંટી દેખાડવાની ફેશન. આ ગીતે લોકચાહના મેળવી પછી યુવતીઓમાં દૂંટી દેખાડવાની ફેશને જોર પકડયું છે. અલબત્ત આ ફેશન ભારતીય નારી માટે નવી નથી. અજંટા-ઈલોરાની મૂરતોમાં પણ દૂંટીની શોભા છાની નથી રહી. લગભગ બે દાયકા પૂર્વે મુંબઈની માનુનીઓમાં લો કટ સાડી પહેરવાની ફેશને માઝા-મુકી હતી. પાતળી કમર અને ભારે નિતંબનું ફિગર ધરાવતી માનુનીઓ ઘેરા રંગની પારદર્શક સાડી નાભિની નીચે એટલી આકર્ષક રીતે પહેરતી કે જોનારની નજર ઝટ ત્યાંથી ખસે નહીં.
ભારતના પ્રખ્યાત ચિત્રકાર એમ.એફ.હુસેને તેમના ચિત્રોની નારીને નાભિ નીચે સાડી પહેરાવીને તેમની દૂંટીની સુંદરતાને છતી કરી છે.
હૉલીવૂડની નટીઓ દૂંટીમાં અથવા નાભિની આસપાસ હીરા જડાવી અથવા ચીપકાવીને દૂંટીનું અનેરું આકર્ષણ ઊભું કરે છે. પશ્ચિમમાં ભલે આ ફેશન હવે આવી હોય પણ ભારતમાં આ ફેશન સદીઓ પુરાણી છે. હિન્દી ફિલ્મોનો શો મેન સ્વર્ગસ્થ રાજ કપૂરની ફિલ્મ 'સત્યમ્, શિવમ્, સુંદરમ્'માં ઝીન્નત અમાને પહેરેલા ગ્રામીણ કન્યાના પહેરવાશમાં તેની આકર્ષક નાભિના દર્શન થતા હતા. તેવી જ રતે બીજી અનેક હિન્દી ફિલ્મોમાં અભિનેત્રીઓએ ભજવેલા આદિવાસી કેપછી ગ્રામીણ કન્યાના પાત્રોમાં નાભિ નીચે પહેરેલા વસ્ત્રોએ તેમની પાતળી કમર અને સુંદર દૂંટીનું દર્શન કરાવ્યું છે. ફરક માત્ર એટલો કે તે વખતે દૂંટીને શણગારવામાં નહતી આવતી. જ્યારે હવેની અભિનેત્રીઓ નાભિના શણગાર પણ સજે છે. હૉલીવૂડ અને બૉલીવૂડની અભિનેત્રીઓની દેખાદેખી હવે શહેરની યુવતીઓમાં પણ નાભિ પ્રદર્શનની હોડ જામી છે. ટુંકા ટી શર્ટ સાથે નાભિ નીચે પહેરાતું મીની સ્કર્ટ કે પછી લો કટ, જિન્સ, લો કટ સાડી આજની ફેશન ડિઝાઈનરોમાં લોકપ્રિય બન્યા છે. શહેરની યુવતીઓ નાઈટ પાર્ટીઓમાં દુંટીની આસપાસ ટેટુ ચિતરાવીને કે પછી નાભિમાં હીરો ચીપકાવીને સેક્સી દેખાવાનો પ્રયત્ન કરી રહી છે.
ઘણા ટીકાકારો બૉલીવૂડની નટીઓના આવા નખરાં પર નારાજ થતાં કહે છે કે વહીદા રહેમાન, વૈજયંતી માલા, મીના કુમારી, નુતન, નરગીસ જેવી અભિનયમાં ઓતપ્રોત થઈ જનારી અભિનેત્રીઓને પ્રેક્ષકોને જકડી રાખવા આવાં ગતકડાં કરવાની જરૂર નહતી પડતી. અલબત્ત આવી ટીકા કરનાર લોકો મોટેભાગે વહીદા રહેમાનની ઉંમરના છે. પણ તેઓ પોતાના જમાનાની હિરોઈનોને વખાણતી વખતે અને હમણાંની હિરોઈનોને વખોડતી વખતે એ ભૂલી જાય છે કે ભારમતાં આ ફેશન ઋષિકાળથી ચાલી આવે છે. ઋષિકાળની વન કન્યાઓના વસ્ત્રાભૂષણ, રાજા મહારાજાના સમયની રાણીઓ અને રાજકુમારીઓ પણ આકર્ષક દેખાવા માટે નાભિ નીચેથી શરૂ થાય એવાં વસ્ત્રો પહેરતી. ફેશન એ એક ચક્ર છે જે ફરીને પાછું ત્યાં જ આવે છે. ફરક માત્ર એટલો જ છે કે આજની ફેશન રૂપેરી પડદા અને ટી.વી.ના ટચૂકડાના માધ્યમથી આપણા ઘરમાં પ્રવેશે છે.
આજનો યુગ નાભિ પ્રદર્શનનો છે. શ્રીમંત વર્ગની ફેશનપરસ્ત નારીઓ તો પોતાની ડૂંટી સેક્સી અને આકર્ષક બનાવવા કોસ્મેટિક સર્જરીની સહાય લે છે. પરંતુ મોંઘીદાટ કોસ્મેટિક સર્જરી પરવડી શકે નહીં એવી યુવતીઓએ નિરાશ થવાની કોઈ જરૂર નથી. તેમને માટે પણ સસ્તો અને સરળ વિકલ્પ છે. તેઓ ડૂંટીની આસપાસ ચિતરામણ કરીને કે પછી તેને નાજુક અલંકારોથી સજાવીને સેક્સી લુક ઉત્પન્ન કરી શકે છે. ટેટૂ, ચળકતા બેલી બટન, મેંદી જેવા ઘણા વિકલ્પો તમારી સમક્ષ હાજર છે. પરંતુ આજકાલ બેલી બટનની બોલબાલા છે.
જન્મ સમયે માતા સાથે જોડાયેલી ગર્ભનાળને ડૂંટી પરથી દૂર કરવામાં આવી ત્યારે ડૂંટીનો આકાર કેવો છે એ વાત જાણવાનો કોઈએ પ્રયાસ કર્યો નહીં હોય. પરંતુ આજે ફેશનના યુગમાં નાભિનો આકાર મહત્ત્વનો ભાગ ભજવે છે. ગોળાકાર ડૂંટી સૌથી આકર્ષક અને સેક્સી ગણાય છે. ત્યાર પછી લંબગોળ અને અંગ્રેજી મૂળાક્ષર 'ટી' આકારની ડૂંટીનો નંબર આવે છે. સીધી રેખા જેવી નાભિની ગણના કુરૂપ નાભિમાં થાય છે. જો કે ઉંમર અને વજન આ આકારની ડૂંટી પાછળ જવાબદાર છે.
ડૂંટીની અંદર ગોઠવેલું ક્રિસ્ટલ બેલી બટન અને તેની આસપાસ ટેટૂથી કરવામાં આવેલી ડિઝાઈન નાભિનું આકર્ષણ વધારી દે છે. સૌંદર્ય પિપાસુઓની નજર ચહેરા પરથી આપોઆપ ડૂંટી પર આકર્ષાય છે. સ્વરોવસ્કીએ પણ નારીના નાભિ પ્રત્યેના મોહને ધ્યાનમાં રાખી વિવિધ પ્રકારના બેલી બટનો બજારમાં મૂક્યા છે. આ બટનો બે રંગમાં આવે છે. ત્વચાને નુકસાન ન કરે એવો ગુંદર ધરાવતું આ બટન ડૂંટી પર ચિટકાવી દેવામાં આવે છે. આ બટન કાઢી પણ શકાય છે અને બેવાર આરામથી વાપરી શકાય છે. આ બટન સાથે બિંદી કે મેંદીનો ઉપયોગ પણ કરી શકાય છે. ટૂંકા ટોપ્સ અને કમરથી નીચે પહેરાયેલા ટ્રાઉઝર્સ સાથે આ બેલી બટન સારા લાગશે એવી સલાહ બ્યુટિશ્યિનો આપે છે.