Home / Entertainment : Some directors set fire on sets even for insurance money: claim by FWICE chairman

વીમાની રકમ માટે પણ કેટલાંક ડિરેક્ટરો સેટ પર લગાવે છે આગ:  FWICEના અધ્યક્ષનો સનસનીખેજ દાવો

Anupama Fire Incident: મુંબઈમાં ગોરેગાંવ ફિલ્મ સિટીમાં લોકપ્રિય ટીવી સીરિયલ 'અનુપમા'ના સેટ પર આજે વહેલી સવારે 5 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી ભયંકર લાગી હતી કે 'અનુપમા'નો સેટ બળીને રાખ થયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી. કલાકો પછી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. આ દરમિયાન  ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝના અધ્યક્ષ બી.એન. તિવારી અને ઑલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિયેશનના પ્રમુખ (AICWA) સુરેશ શ્યામલાલ ગુપ્તાએ ઉગ્ર પ્રતિક્રિયા આપતા વિવાદ સર્જાયો છે. તેમનું માનવું છે કે, ઇન્શ્યોરન્સ ક્લેમ એટલે કે વીમાના દાવા માટે મુંબઈમાં અનેક નિર્માતા સેટ બાળવાનું કાવતરૂં ઘડતા હોય છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

FWICEના અધ્યક્ષ બી.એન. તિવારી પણ ભડક્યા 

આ ઘટના દરમિયાન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝના અધ્યક્ષ બી.એન. તિવારીએ પણ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, ‘દર વખતે સેટ બળે છે, પછી વીમાના દાવા કરાય છે. જાણે આ સામાન્ય થઈ ગયું છે. આવી ઘટનાઓમાં એક્સિડન્ટ કરતા પ્લાનિંગ વધુ દેખાય છે. ફિલ્મ સિટીમાં તો ફાયર સેફ્ટી ઓડિટ પણ થતું નથી. તેઓ ફાયર સેફ્ટીના સિલિન્ડર તો રાખી દે છે, પરંતુ એક્સપાયરી ડેટ શું છે તે કોઈ જોતું નથી. આગ બુઝાવવાના એ સાધનો ફક્ત દેખાડા માટે હોય છે. ’

સંજય લીલા ભણસાળી પર સનસનીખેજ આરોપ  

અનુપમા સીરિયલના સેટ પર આગની ઘટના અંગે પણ બી.એન. તિવારીએ સનસનીખેજ દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, ‘આ આગ દક્ષિણ તરફ લાગી હતી, પરંતુ સત્ય હજુ કોઈને નથી ખબર. રિપોર્ટ પણ સ્પષ્ટ નથી. અમે ચૂપ નહીં બેસીએ. મોટા નિર્માતા  અને ફિલ્મમેકર્સ પર સીધો આરોપ મૂકતા તેમણે કહ્યું કે, હકીકત તો એ છે કે, સંજય લીલા ભણસાળી જેવા ડિરેક્ટરે પણ વીમા માટે સેટ પર આગ લગાવડાવી હતી. હવે આ બધું બંધ થવું જોઈએ. નહીં તો દરેક સેટ એક દિવસ વીમાનું બહાનું બની જશે. યુનિયન માટે હવે આવા મામલામાં સીધી એક્શન લેવી જરૂરી થઈ ગઈ છે.’

ઘણાં નિર્માતા વીમા માટે પણ સેટ પર આગ લગાડે છે

AICWA ના અધ્યક્ષ શ્યામલાલ ગુપ્તાએ આગની ઘટનાની નિંદા કરી છે. આગના કારણની ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર પણ લખ્યો છે. તેમણે એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું છે કે 'અહીં દર વખતે સેટ બળે છે અને પ્રોડ્યુસર, ટેલિવિઝન ચેનલ આવી ઘટનાઓ ન થાય તેની કોઈ સાવચેતીના પગલાં પણ લેતી નથી. સેટ પર ફાયર સેફટીનો પણ અભાવ હોય છે. પૈસા બચાવવા હજારો સેટ વર્કસના જીવ સાથે રમત રમે છે. ફિલ્મ સિટીના મેનેજિંગ ડિરેક્ટર કે પછી કોઇ પણ અધિકારી ફાયર સેફટી ચેક નથી કરતાં. આ ઘટનાની તપાસ થવી જરૂરી છે કારણકે ઘણાં નિર્માતા ઇન્શ્યોરન્સ ક્લેમ કરવા સેટને બાળી હજારો મજૂરોના જીવ જોખમમાં મૂકે છે.'

'અનુપમા' ટીઆરપીની રેટિંગમાં નંબર શો છે 

નોંધનીય છે કે, સ્ટાર પ્લસ પર આવતી 'અનુપમા' સીરિયલ સૌથી લોકપ્રિય છે. આ શોની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી છે. ઘણાં લાંબા સમયથી આ શૉના ટીઆરપીની રેટિંગમાં પણ ટોચના સ્થાને છે, પરંતુ હવે શૉના સેટ પર આગ લાગવાથી ચાહકોને પણ મોટો આંચકો લાગ્યો છે.

 

Related News

Icon