
- હોટલાઈન - ભાલચંદ્ર જાની
- હાલ ભારતના 9 થી 11 ડિફેન્સ સેટેલાઇટ આકાશમાં કાર્યરત છે, જ્યારે અમેરિકા અને ચીન 240 થી વધુ મિલિટરી સેટેલાઇટ ધરાવે છે. પાકિસ્તાન પાસે આવી કોઇ સુવિધા નથી
પહેલગામમાં થયેલા આતંકી હુમલા પછી ફરી એકવાર રાષ્ટ્રીય સુરક્ષા માટેની સરકારી યંત્રણા પર પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઇ ગયું છે. કેન્દ્રના ગૃહખાતાએ પણ સ્વીકારવું પડયું કે ક્યાંક કોઇ ચૂક થઇ છે. સુરક્ષા વ્યવસ્થામાં ખામી રહી ગઇ છે. આપણે ભલે એમ માનતા રહીયે કે કાશ્મીરમાં શાંતિ સ્થપાઇ ગઇ છે અને હવે પહેલાં જેવો ભય રહ્યો નથી, પરંતુ એ વાત પણ સ્વીકારી લેવી પડે કે સરકાર સલામતીના ગમે તેટલાં જડબેસલાક પગલાં લે છતાં આતંકવાદીઓ પોતાને મનફાવે ત્યારે કાશ્મીરમાં ઘૂસી ધમાચકડી મચાવી જાય છે.
આપણે ત્યાં નાની મોટી તેર-ચૌદ ગુપ્તચર સેવા સંસ્થાઓ છે. જેવી કે રિસર્ચ એન્ડ એનેલિસિસ વીંગ (રૉ),ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી), મિલિટરી ઇન્ટેલિજન્સ (એમઆઇ) અને છેલ્લા થોડા સમયથી બહુ ગાજતી નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી (એનઆઇએ). બાકીની બીજી એજન્સીઓ જે તે વિભાગ સાથે સંકળાયેલી છે ૨૦૨૧ના આંકડા મુજબ કેન્દ્ર સરકાર ગુપ્તચર સેવાઓ પાછળ વરષે ૭૫ કરોડ રૂપિયા ખર્ચે છે. કેન્દ્રના ગૃહ ખાતાએ અથવા સંરક્ષણ ખાતાએ તમામ ગુપ્તરચર સેવાના વડાને બોલાવીને જવાબ માગવો જોઇએ કે પાકિસ્તાને આટલી મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપ્યો તેની માહિતી કહેવાતા બાહોશ ગુપ્તચરો કેમ મેળવી નહોતા શક્યા?
સિક્યુરીટી બાબતના નિષ્ણાતો એવું કહે છે કે ત્રાસવાદી ઉધામા રોકવા બાબત આપણી સલામતી વ્યવસ્થા એટલી ફુલપ્રૂફ નથી કે કોઇના નાપાક ઇરાદાને સફળ થતાં રોકી શકે. ખાસ કરીને આપણા જાસૂસી ઉપગ્રહો જે માહિતી, તસવીરો આગોતરી પાઠવી શકે તે સ્પેશ બેઝડ કેપેબીલીટીમાં કંઇક ઉણપ છે અથવા ખામીયુક્ત છે.
ભારત માટે આ અવકાશી સંત્રીઓની બાબતમાં જણાતી કચાશ શરમજનક કહેવાય. ભારતે અવકાશ વિજ્ઞાન ટેકનોલોજીક્ષેત્રે ઘણું કાઠું કાઢ્યું છે. છેક ૧૯૭૫માં આર્યભટ્ટ ઉપગ્રહ લોંચ કર્યો ત્યારથી માંડીને ચંદ્રયાન-૩ સુધીની વિજયકૂચ અને ખૂબ જ યશસ્વી નીવડેલી મંગળયાત્રા જેવી સીમાચિહ્ન જેવી સિદ્ધિ ભારતે હાંસલ કરી છે. પરંતુ જાસૂસી ઉપગ્રહ બાબતમાં આપણે થોડા પાછા પડીએ છીએ.
આપણે સૌ જાણીએ છીએ કે જમીન, જળ અને નભ પછી હવે જગતના ઘણાં દેશોએ અવકાશમાં પણ યુદ્ધભૂમિના સીમાડા વિસ્તાર્યા છે. આપણા વિજ્ઞાનીઓ પણ અવકાશમાં મિલિટરી ગ્રેડની તૈયારી થાય તે માટે ચૂપચાપ કામ કરી રહ્યા છે. ૨૦૨૦માં ચીની દળોએ પૂર્વી લડાખમાં ઘૂસણખોરી કરી ત્યારથી આપણા સત્તાવાળાઓને પણ સમજાઇ ગયું છે કે હવે આપણે સ્પેસ બેઝ્ડ સર્વિલન્સ (SBS) બાબત ગંભીર બનવું જોઇએ. આ આશય સાથે જ ભારતના સંરક્ષણ વિજ્ઞાનીઓ એક સાથે પાંચ કે તેથી વધુ સ્પાય સેટેલાઇટ્સનું માળખું ગોઠવી સશસ્ત્ર દળોને દેશના સીમાડા પર થતી હિલચાલની ઝીણવટભરી માહિતી આપી શકે તેવી તજવીજ કરી રહ્યા છે.
વર્તમાન સમયમાં ભારતના ૯થી ૧૧ ડિફેન્સ સેટેલાઇટ આકાશમાં કાર્યરત છે. જ્યારે અમેરિકા અને ચીન ૨૪૦ થી વધુ મિલિટરી સેટેલાઇટ ધરાવે છે, રશિયાના પણ આશરે ૧૦૦ ઉપગ્રહો લશ્કરી કાર્યવાહી માટે તમામ માહિતી ઉપલબ્ધ કરાવે છે. પાકિસ્તાન પાસે આવી કોઇ સુવિધા નથી. પરંતુ તેનો ફ્રેન્ડ-ફિલોસોફર દેશ ચીન તેના ઉપગ્રહો થકી મેળવેલી માહિતી પાકિસ્તાનના સંરક્ષણ મથકે પહોંચાડતું રહે છે. ચીને તાજેતરમાં જ પાકિસ્તાનમાં બેઇડોઉ નેવિગેશન સિસ્ટમ માટે ગ્રાઉન્ડ સ્ટેશન ઊભું કર્યું છે, જે પાકિસ્તાન એરફોર્સને યુદ્ધકાળમાં ઉપયોગી માહિતી માર્ગદર્શન આપી શકે છે.
ભારત પાસે ભલે નવ-દસ સ્પાય સેટેલાઇટ હોય પરંતુ આજના જમાનામાં દરેક કોઇ દેશ અવકાશી મોરચે પણ પોતાનું સ્થાન મક્કમ કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે.
ભારતે રિસાટ-ટુબી અને જીસેટ-૭ સિરિઝના ઉપગ્રહો લોંચ કરીને તેની સેટેલાઇટ સિસ્ટમ સુદ્દઢ કરવાની કોશિશ તો કરી છે. છતાં વિકસિત દેશોની માફક સર્વગ્રાહી કામગીરી આપી શકે તેવું સેટેલાઇટ કોન્સ્ટેલેશન રચવામાં ધારી સફળતા મળી નથી.
જોકે તાજેતરમાં ભારત સરકારે સ્પેસ બેઝડ સેટેલાઈટ્સનો પ્રોગ્રામ આગળ ધપાવવા કેટલાંક મહત્ત્વના નિર્ણયો લીધા છે, જેમાં કુલ મળીને બાવન ઉપગ્રહ તરતા મૂકવાની વાત છે. તેમાંથી ૩૧ સેટેલાઈટ તો ખાનગી કંપનીઓ બનાવશે. આ ઉપગ્રહો જ્યારે (નજીકના ભવિષ્યમાં) કાર્યાન્વિત થશે ત્યારે શત્રુનું નિશાન સાંધવામાં, મહત્ત્વના સિગ્નલ પાઠવવામાં, ભૂમિગત લોજિસ્ટિક સપોર્ટ (મોરચે લડતાં સૈન્યને કુમક પહોંચાડવા બાબત) તથા ખતરાની પૂર્વ ચેતવણી આપવાની કામગીરી બજાવશે. વિશ્વના આગેવાન દેશો તેમના ઉપગ્રહોની શૃંખલા વડે તમામ મિલિટરી ઓપરેશન્સ પાર પાડવામાં સૈન્યને ખૂબ જ સહાયરૂપ થાય છે.
ભારતના હાલના ઉપગ્રહો શત્રુની હિલચાલ, તેમના મથકો પર થતી ગતિવિધિ વગેરે જાણકારી મેળવી, તેની તાબડતોબ માહિતી આર્મી કમાન્ડને પાઠવવામાં ઉણા ઉતરે છે.
ભૂતકાળમાં લોંચ થયેલા કાર્ટોસેટ-ટુસી પ્રકારના ઉપગ્રહોની ઉણપ એ હતી કે તે ભૂમિગત ચોક્કસ વિસ્તારની ઇમેજ દર ચાર દિવસે માત્ર એકવાર પાઠવી શકતા હતા.
ભારતનું સ્કાય બેઝ્ડ સર્વિલન્સ સહેજ નબળું પડે છે તેનું એક કારણ છે દેશનું અવકાશ સંશોધન ક્ષેત્રનું બજેટ. તે હાલમાં બે અબજ ડોલરથી ઓછું છે. નાસાનું આ બજેટ ૨૫ અબજ ડોલર છે. ચીન સ્પાય સેટેલાઈટ્સ પ્રોગ્રામ પાછળ વર્ષે ૧૮ અબજ ડોલર ખર્ચે છે, જ્યારે યુરોપિયન સ્પેસ એજન્સી ૭.૭ અબજ પાઉન્ડ ખર્ચે છે. અમેરિકાએ ૨૦૨૪માં તેના સ્પેસ ફોર્સ કમાન્ડ માટે ૩૦ અબજ ડોલર ફાળવ્યા હતા. જ્યારે ચીને ૧૦ અબજ ડોલર અવકાશનું લશ્કરીકરણ કરવા માટે ખર્ચ્યા હતા.
આ દેશોની સરખામણીમાં ભારત કાઉન્ટર સ્પેસ સિસ્ટમ, એન્ટી સેટેલાઈટ ડિફેન્સ અને ઇલેક્ટ્રોનિક વોરફેર પાછળ મામૂલી બજેટ ફાળવે છે. મોટી મોકાણ તો એ છે કે આપણે અવકાશી સંરક્ષણ સંબંધિત અડધાથી વધુ યંત્ર-સામગ્રી વિદેશથી આયાત કરીએ છીએ.
અહીં એ ઉલ્લેખ પણ કરવો પડે કે ભારતનું કોમર્શિયલ સ્પેસ સેક્ટર મોટો કમાઉ દીકરો બની ગયું છે. ૨૦૪૦ સુધીમાં આપણે રોકેટ-ઉપગ્રહો બનાવીને, તેમ જ` તરતા મૂકીને ૪૪ અબજ ડોલરથી પણ વધુ કમાણી કરતા હોઈશું. પરંતુ આટલા ખાતર સંરક્ષણની દ્રષ્ટિએ અવકાશી મોરચાની ઉપેક્ષા થઈ ન શકે. સરકારે જલ્દીથી વિસ્તૃત નીતિ ઘડીને તેમ જ દેશની ખાનગી કંપનીઓનો સહકાર સાંધી સ્પેસ બેઝ્ડ સર્વિલન્સને વધુ મહત્ત્વ આપવું જોઈએ, તેમજ આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવું જોઈએ.
તાજેતરમાં ઈસરોના વડાએ જણાવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં સરહદી સુરક્ષા અને દરિયાકાંઠાની સુરક્ષા જડબેસલાક કરવા માટે ૧૦૦-૧૫૦ વધુ સેટેલાઈટ્સ ઉમેરવામાં આવશે. બોર્ડર પર સુરક્ષાના પડકારોને ધ્યાનમાં રાખીને સ્પેસ ક્ષેત્રમાં સુધાર લાવવા માટે પ્રાઈવેટ કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં ભારતીય સીમાડાનું રક્ષણ કરવા માટે લગભગ ૫૫ સેટેલાઈટ્સ કાર્યરત છે. જોકે આમાંના ઘણા ઉપગ્રહ ખેતીવાડી, ખનીજ સંશોધન કે મોસમ વિજ્ઞાન અંગેની કામગીરી પણ બજાવે છે. દરિયાકિનારો લગભગ ૭૫૦૦ કિમીનો છે અને તેનું નિરીક્ષણ કરવા માટે આપણને વધુ સેટેલાઈટ્સની જરૂર છે.
આ તમામ મિલિટરી સેટેલાઇટ્સ પૃથ્વીની લો અર્થ ઓર્બિટ (એલઇઓ), મિડિયમ અર્થ ઓર્બિટ (એમઇઓ), અને શક્ય હશે તો જીયોસ્ટેશનરી ઓર્બિટ (જીઇઓ) એમ જુદી જુદી ભ્રમણકક્ષામાં તરતા મૂકવામાં આવશે. સાથોસાથ તેમાં અત્યાધુનિક ટેકનોલોજીનાં સેન્સર્સ, હાઇ ઇમેજિંગ સિસ્ટમ્સ અને શકય હશે તો સિન્થેટિક એપેર્ચર રાડાર જેવાં વૈજ્ઞાનિક ઉપકરણો ગોઠવવામાં આવશે. મહત્વની બાબત તો એ છે કે આ તમામ વૈજ્ઞાનિક ઉપકરણો બધી મોસમમાં અને સતત ૨૪ કલાક કાર્યરત રહી શકશે.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીઓડી) જનરલ અનિલ ચૌહાણે ગયા સપ્તાહે દિલ્હીમાં જણાવ્યું હતું કે ભારત ઝડપથી 'લોંચ ઓન ડિમાન્ડ'નો હેતુ પાર પાડવાની સિદ્ધિ મેળવી લેશે. ડિફેન્સ સ્પેસ એજન્સી આ હેતુસર ૬૫૦ કિલો વજનનો ઉપગ્રહ ધરતીથી ૭૫૦ કિ.મી.ની ઉંચાઈએ તરતો મૂકશે. તેની ખાસિયત તો એ છે કે આવા ઉપગ્રહ મોબાઇલ પ્લેટફોર્મ પરથી ફક્ત ૬૦ મિનિટમાં નિર્ધારીત ઊંચાઈએ તરતા મૂકી શકાશે. આવી ક્ષમતા હાંસલ કર્યા પછી ભારત તેના કુદરતી આફત કે શત્રુના હુમલાથી નષ્ટ પામેલા ઉપગ્રહને સ્થાને તરત નવો ઉપગ્રહ ગોઠવી શકશે.
ખુશીની વાત એ છે કે ભારત દ્વારા છોડવામાં આવનારા નવા મિલિટરી સેટેલાઇટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતાં હશે. એક સાથે પાંચથી વધુ સંખ્યામાં તરતા મૂકાયેલા ઉપગ્રહો એક ઝુમખુ રચી અવકાશમાં વિવિધ ઉંચાઈએ તરતા રહી માહિતીની આપ-લે કરશે. તેમ જ આ માહિતી ગ્રાઉન્ડ સ્ટેશને પહોંચાડતા તેઓ વધુ સ્પષ્ટ, સુરેખ ઇમેજ તૈયાર કરી શકશે.
અત્રે એ પણ જણાવી દઈએ કે નવા ગમે તેટલા ઉપગ્રહો તરતા મૂકો, માત્ર ભારત જ નહીં, અદ્યતન દેશોના કોઈ પણ ઉપગ્રહ દરિયાના પેટાળમાં તરતી સબમરીનની ઇમેજ મેળવી શકતી નથી.
સ્પેસ બેઝ્ડ સર્વિલન્સની વાત કરીએ છીએ ત્યારે આપણે ફક્ત મિલિટરી સેટેલાઈટ લોંચ કરવાની વાત નથી કરતા. પરંતુ સાથે સાથે લોંચ વ્હીકલ્સ, ભૂમિગત માળખાકીય સુવિધા, ડાટા પ્રોસેસિંગની ક્ષમતા અને આ તમામ સંસાધનના સંરક્ષણ માટેની તૈયારીનો સમાવેશ થાય છે. આ પ્રમાણેની ઇકોસિસ્ટમ તૈયાર થાય તો જ આપણી ત્રણેય સેનાને વિશાળ પ્રદેશને આવરી લેતી પ્રત્યેક ગતિવિધીઓની સમયસર જાણ થશે. ખૂબ ચોકસાઈપૂર્વકની લશ્કરી વ્યૂહરચના કરવામાં ફાવટ રહેશે. તેમજ ભૂમિગત સંદેશવ્યવહાર પ્રણાલી પડી ભાંગે ત્યારે ઉપગ્રહ મારફતે આ કોમ્યુનિકેશનની કડી જોડાયેલી રાખવામાં ફાયદો થાય. આટલું જ નહીં, આવી યંત્રણા ગોઠવાય ત્યારે શત્રુની મિસાઇલના આગમનની આગોતરી જાણ થાય.
તાજેતરમાં દક્ષિણ ભારતની ત્રણ પ્રાઇવેટ કંપનીઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જે એસ.બી.એસ. પ્રોગ્રામ માટે ૩૧ ઉપગ્રહ બનાવશે. જોકે હજુ કોઈ કંપની સાથે કોન્ટ્રાક્ટ નથી થયો, પરંતુ થશે તો દેશમાં પ્રથમવાર મિલિટરીની દ્રષ્ટિએ વ્યૂહાત્મક કામગીરી બજાવતા ઉપગ્રહ બનાવવાનું કામ ખાનગી કંપનીઓને સોંપાશે.
આગળ જતાં ભારતે વધુ અધતન સેન્સર્સ, સચોટ સંદેશવ્યવહાર પ્રણાલિ, ઇલેકટ્રોનિક ઇન્ટેલિજન્સ બાબતમાં ખાસ્સું મૂડીરોકાણ કરવું પડશે. ખાસ તો ભવિષ્યમાં (સ્ટાર વોર વખતે) આપણા ઉપગ્રહોને કાયનેટિક, ઇલેકટ્રોમેગ્નેટિક કે સાયબર એટેકથી કોઈ ખોરવી ન શકે તેવી તજવીજ કરવી પડશે. આ સાથે જ આપણે સંપૂર્ણ દેશી છતાં અદ્યતન ઉપગ્રહ સ્વબળે લોંચ કરવાની ક્ષમતા કેળવવી પડશે. વળી, ભવિષ્યમાં ઉપગ્રહની આવરદા પૂરી થાય કે શત્રુ તેને નષ્ટ કરે તો તાબડતોબ બીજો ઉપગ્રહ તરતો મૂકવાની ક્ષમતા પણ કેળવવી જોઇએ. હાલમાં ભારત દર વર્ષે છ-સાત લોંચિંગ પ્રોગ્રામ હાથ ધરે છે.
ભારતે ૨૦૧૯માં 'મિશન શક્તિ'ના નામે એન્ટિ-સેટેલાઇટ મિશન પાર પાડયુ હતું. એટલે કે શત્રુના ઉપગ્રહને લેસર બીમથી તોડી પાડવાની ક્ષમતા આપણી પાસે છે તેવું દાખવ્યું હતું. પરંતુ આવા એકલદોકલ પ્રયોગોથી સંતોષ માની લેવાની જરૂર નથી. વિસ્તૃત ફલક પર કામ કરનારી ડિફેન્સ સ્પેસ એજન્સીની રચના કરવાની તાતી જરૂર છે. જેને મિલિટરીના યુનિફાઇડ કમાન્ડ સ્ટ્રકચર સાથે સાંકળી શકાય.