Home / : Ravipurti: Parallel Chapter - 5

Ravipurti: સમાંતર પ્રકરણ - 5 

Ravipurti: સમાંતર પ્રકરણ - 5 

- લઘુનવલ

- બાપ સંતાનના જીવન પર છવાયેલો રહે છે - જીવતો હોય ત્યારે દ્રશ્યમાન છતની જેમ, મૃત્યુ પછી અદ્રશ્ય આકાશની જેમ!

અતિ વિરાટ બ્રહ્માંડના એક નગણ્ય ટપકાના નકામા અંશને 'અહં બ્રહ્માસ્મિ' કહેવાનો અધિકાર નથી. શૂન્યના સહસ્ત્ર ટુકડાઓ કરી નાખવામાં આવે તો શું બચે? બધું જ સાપેક્ષ છે - શૂન્ય પણ.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'સર, આ ફાઇલ જ કરપ્ટ થઈ ગઈ છે!' લોકેશ કહ્યું. એ લેપટોપ પર કાનજીની પોલીસ કબૂલાતની અધવચ્ચે અટકી પડેલી વીડિયો ફાઇલ ચકાસી રહ્યો હતો. 

અનિકેતે કહ્યું, 'પણ આ વીડિયો ઇમ્પોર્ટન્ટ છે. એ આખો જોવો જ પડશે. શિલ્પા જોશી પાસે આની કોપી હશે. હું એની સાથે વાત કરું છું. એની વે. થેન્ક્સ, લોકેશ.'

થોડી કામની ચર્ચા કરીને અનિકેતે લોકેશને રવાના કર્યો. સવારે ઉઠયો ત્યારથી અનિકેતને માથું ભારે ભારે લાગતું હતું. કદાચ પૂરતી ઊંઘ થઈ નહોતી, અથવા કદાચ-કાનજી!   

કશુંક પીવું જોઈએ, કશુંક સ્ટ્રોંગ... કિચનમાં જઈને રસોયાને કહેવું જોઈએ કે કંઈક બનાવી આપ.  અનિકેત ધડ્ ધડ્ ધડ્ કરતો પગથિયાં ઉતરવા લાગ્યો. કાનજીને મળીને ગઈ મધરાતે એ ગેસ્ટ  હાઉસ પાછો આવી ગયો હતો, પણ મનની તિરાડમાં ફસાઈ ગયેલા કાનજીના વિચારો હજુ સુધી દૂર થયા નથી. અનિકેતને લાગ્યું કે અત્યારે પણ કાનજી એની પીઠ પર લટકી રહ્યો છે - વેતાળની જેમ. કાનજી પાગલ છે, હત્યારો છે, અને એક વિષય છે - એક રોમાંચક, રસપ્રચુર વિષય - મારી ડોક્યુમેન્ટરીના એક નાનકડા હિસ્સા માટે. એક-સવા કલાકની દસ્તાવેજી ફિલ્મમાં હું કાનજીને કેટલો સમય આપવાનો છું - ત્રણ મિનિટ? પાંચ મિનિટ? બહુ બહુ તો સાત-આઠ મિનિટનો સ્ક્રીનટાઇમ? ખબર નથી. એનો અપરાધ, એનો આક્રોશ, એની પીડા, એનું ઝનૂન, એનો અસ્તિત્વબોધ - આ બધું નીચોવીને હું પાંચ-સાચ મિનિટના કોન્ટેન્ટમાં સમેટી લઈશ. કાનજીનું આટલું જ વ્યાવહારિક મૂલ્ય છે મારા માટે! શું મૂલ્ય હોય છે એક કાનજીનું, એક મનુષ્યજીવનનું, એક જંતુનું, કોઈના પણ અસ્તિત્વનું? અતિ વિરાટ બ્રહ્માંડના એક નગણ્ય ટપકાના નકામા અંશને 'અહં બ્રહ્માસ્મિ' કહેવાનો અધિકાર નથી. એક તુચ્છ અસ્તિત્વ બીજા તુચ્છ અસ્તિત્વને ખતમ કરી નાખે તોય શું ને ખતમ ન કરે તોય શું? શૂન્યના સહ ટુકડાઓ કરી નાખવામાં આવે તો શું બચે? બધું જ સાપેક્ષ છે - શૂન્ય પણ.

અનિકેત બીજા માળે ભોજન માટે અલાયદા રાખવામાં ફ્લેટના દરવાજા પાસે પહોંચી ગયો. કાનજીના વેતાળને પીઠ પરથી ઉતારીને બહાર ખીંટી પર ટાંગી દેવો જોઈએ... અનિકેતે વિચાર્યું. ખેર, કાનજી મારી સાથે કિચનમાં આવે કે ન આવે, એ સદોષ હોય કે નિર્દોષ, એને સજા થાય કે ન થાય, મને કશો ફરક પડતો નથી. 

ખરેખર? 

હા, મને સાચ્ચે જ કશો ફરક પડતો નથી. 

મને કશો ફર્ક પડતો નથી...

ફર્ક- પડતો - નથી - મને...

નથી-પડતો-ફર્ક-મને-સહેજે... ઓલરાઇટ?

'નમસ્તે, સર.' 

અનિકેત કિચનમાં ઊભો હતો અને રસોયો એને તાકી રહ્યો હતો. અનિકેત એકદમ ભાનમાં આવી ગયો. 'નમસ્તે... ભાઈ, ફટાફટ કશુંક બનાવી આપ - કડક ચા, સ્ટ્રોંગ કોફી, કંઈ પણ. મારું માથું ફાટી રહ્યું છે.' 

'તમે બેસો. હું ચા બનાવીને લાવું છું.' 

અનિકેત કિચનની બહાર જવા પગ ઉપાડયા, પણ પછી તરત ફ્રિજ તરફ વળી ગયો. ના...  બહાર કાનજીનું ભૂત રાહ જોઈને બેઠું હશે. 

'ભાઈ, તમારું નામ હું ભૂલી ગયો...' અનિકેતે ફ્રિજનો દરવાજો ખોલતાં કહ્યું. 

રસોઈયાનો ચહેરો દયામણો થઈ ગયો. 'ત્રિભુવન.'   

'અરે હા, ત્રિભુવન! ઓરિસ્સાના છો, બરાબર?' 

ત્રિભુવને માથું હલાવ્યું. એનો ચહેરો વારેવારે દયનીય બની જતો હતો. આ કદાચ એના ચહેરાનો સ્થાયી ભાવ હતો. અનિકેતે વાતો ચાલુ રાખી, રાખવી પડી. કોઈની સાથે વાતો કરતો નહીં રહું તો વિચારોની થપાટો મને લોહીલુહાણ કરી નાખશે-  

'એટલે તમે ઓરિસ્સાથી મુંબઈ આવ્યા ને સીધા આ કેમ્પસમાં કામે લાગી ગયા? કે પહેલાં બીજે કશેય હતા?'  

'ના, મારી પહેલાં મારો નાનો ભાઈ અહીં આવ્યો હતો, પેશન્ટ બનીને. પાગલ હતો બિચારો. ચાર મહિના અહીંયા રહ્યો.'

'ઓહ...' અનિકેત જોઈ રહ્યો, 'સારવારથી થોડોઘણો ફરક તો પડયો હશે. અત્યારે ક્યાં છે તમારો ભાઈ?' 

'ગુજરી ગયો, સાહેબ.' 

ત્રિભુવન રડું રડું થવા લાગ્યો. અનિકેતે નજીક જઈને સહાનુભૂતિપૂર્વક એના ખભે હાથ મૂક્યો. ત્રિભુવન ત્રુટક ત્રુટક બોલતો ગયો, 'મારો ભાઈ અહીં જ હતો, કેમ્પસમાં... એની સારવાર ચાલતી હતી. એક વાર એને ખબર નહીં - પેટમાં દુખાવો ઉપડયો હશે, એટલે કેમ્પસમાં પેલી હોસ્પિટલ છેને? - એમાં દાખલ કર્યો. ચાર દિવસમાં તો ખલાસ થઈ ગયો, સાહેબ.' 

અનિકેત જોઈ રહ્યો.

ત્રિભુવન આગળ વધ્યો, 'મને ફોન આવ્યો... હું ઓરિસ્સાથી જેમ તેમ કરીને અહીં પહોંચ્યો... ભાઈનું બોડી લીધું... પણ પોસ્ટમોર્ટમમાં ખબર પડી કે એની એક કિડની ગાયબ છે!' 

'શું?' અનિકેત અસ્થિર થઈ ગયો.

'હા, સાહેબ. મેં અહીં બહુ પૂછપરછ કરી, પણ કોઈએ સરખો જવાબ ન આપ્યો.'

'પોલીસમાં ફરિયાદ કરી હતી?' 

'સાહેબ, હું રહ્યો અભણ માણસ... મને સરખું હિન્દી પણ ન આવડે... ને મુંબઈ જેવું અજાણ્યું શહેર... ક્યાં જઈને ફરિયાદ કરું? કોને ફરિયાદ કરું?' 

અનિકેત સહેજ અવિશ્વાસથી જોઈ રહ્યો, 'પછી?' 

'પછી હું અહીંયા કામે લાગી ગયો,' ત્રિભુવન બોલ્યો. 

'કેવી રીતે?' 

'અહીં પાછળ એક મોટું કિચન હતું - સેન્ટ્રલ કિચન. હવે તો બંધ થઈ ગયું છે. મોટા સાહેબે કહ્યું કે તને હોટલમાં કામ કરવાનો અનુભવ છે તો અહીં કામે લાગી જા, અમારે માણસોની જરૂર છે, તને સારા પૈસા આપીશું...' 

અનિકેતના કપાળમાં બે સળ ઉપસી આવી, 'મોટા સાહેબ એટલે કોણ - સુપ્રિન્ટેન્ડન્ટ?' 

'હા.' 

'સુપ્રિન્ટેન્ડન્ટે તમને કેમ્પસમાં રોકાઈ જવાનું કહ્યું ને તમે રોકાઈ ગયા, એમ?'  

ત્રિભુવનનો અવાજ ગળગળો થવા માંડયો, 'મારો સગો ભાઈ જતો રહ્યો છે, સાહેબ... આ લોકોએ એની કિડની કાઢી લીધી છે. મારે સચ્ચાઈ જાણવી હતી... કેમ્પસમાં હોઉં તો ક્યારેક સચ્ચાઈની ખબર પડે...' 

એકાએક ત્રિભુવનની આંખોમાં ખોફ ઉતરી આવ્યો, 'બહુ ખતરનાક છે આ લોકો, સાહેબ. મને ત્રણ વર્ષથી કેમ્પસની બહાર પગ મૂકવા નથી દીધો નથી. બહુ કૌભાંડો ચાલે છે અહીં.... તમે સંભાળજો!'

***

'વેલકમ હોમ, અનિકેત...' સુપ્રિન્ટેન્ડન્ટના અવાજમાં ભારોભાર ઉમળકો હતો, 'પ્લીઝ, સીટ.' 

મુંબઈના ધારાધોરણ પ્રમાણે ખાસ્સો મોટો કહી શકાય એવા ડોઇંગરૂમના પહોળા સોફા પર અનિકેત બેઠો. સુપ્રિન્ટેન્ડન્ટે આજે એને પોતાના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. એક માણસ પાણીની ટ્રે લઈને આવ્યો અને વિનયપૂર્વક ગ્લાસ આપીને જતો રહ્યો. 

'સર, આજે કોઈ વિશેષ અવસર છે? તમે આમ ઓચિંતા મને ઇન્વાઇટ કર્યો એટલે પૂછું છું,' અનિકેત મહેમાન જેવું સ્મિત કરીને મીઠાશથી બોલ્યો. 

'વિશેષ અવસરમાં તો... મારી વાઇફ એની ફ્રેન્ડ્ઝ સાથે વિયેટનામ ટ્રિપ પર ગઈ છે એટલે મને વિચાર આવ્યો કે તમારી સાથે ડ્રિન્કસ અને ડિનર લેવામાં આવે ને આ બેચલરહૂડનો, આ મુક્તિનો આનંદ ઉઠાવવામાં આવે!' સુપ્રિન્ટેન્ડન્ટ ખડખડાટ હસી પડયા.  

અનિકેત પણ હસ્યો, 'સારો વિચાર છે... પણ હું પીતો નથી.' 

સુપ્રિન્ટેન્ડન્ટે આશ્ચર્યથી અનિકેત સામે જોયું, 'રિઅલી?' 

અનિકેતે હકારમાં માથું હલાવ્યું. 

'આઇ ડિડન્ટ નો ધિસ! પણ કશો વાંધો નથી, તમારા માટે મોકટેલ્સની વ્યવસ્થા થઈ જશે. મારા રસોયાને અમે મોંઘી ફી ભરીને કોકટેલ અને મોકટેલના ક્લાસ કરવા મોકલ્યો હતો. એને આ બધું બનાવતાં સરસ આવડી ગયું છે.'  

રસોયાને બોલાવીને સૂચના અપાઈ. ટેબલ પર સરંજામ ગોઠવાયો. સ્ટાઇલિશ ગ્લાસ, બરફના ટુકડા ભરેલી નાની પારદર્શક બકેટ, ગરમ ખુશ્બોદાર સ્નેક્સ... સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું, 'અનિકેત, આ મેન્ગો ચિલી કૂલર તમારા માટે. આ પૂરું થાય પછી તમારે કમસે કમ બીજાં બે મોકટેલ પીવાનાં છે! હું પૉલ જોન મિથુના લઉં છું - સિંગલ મોલ્ટ વ્હિસ્કી. સાંભળ્યું છે કે એને કંઈક અવોર્ડ-બવોર્ડ મળ્યો છે.' 

ચીયર્સ-ચીયર્સ, થોડી શિષ્ટાચારભરી વાતો, થોડી કામની વાતો, થોડો હાસ્ય-વિનોદ. થોડી વાર પછી સુપ્રિન્ટેન્ડન્ટ વોશરૂમ જઈ આવ્યા. પાછા સોફા પર ગોઠવાતાં એમણે કહ્યું, 'મને હજુ ચાર-પાંચ દિવસ પહેલાં ખબર પડી, અનિકેત, કે ફેમસ ટીવી સ્ટાર રિયા પંડિત તમારી વાઇફ છે!' 

'ઓહ યેસ!' 

'મારી વાઇફે પછી ગૂગલ કરીને તમારા બન્નેના ફોટોગ્રાફ્સ પણ બતાવ્યાં. બોથ ઓફ યુ મેક સચ અ લવલી કપલ!'

'થેન્ક્યુ.' 

'અત્યારે રિયા કઈ સિરીયલ કરી રહી છે? સોરી, હું ટીવી પર ન્યુઝ સિવાય બીજું કશું જોતો નથી એટલે મને ખબર હોતી નથી.'

અનિકેતે એક મોટો ઘૂંટ ગળે ઉતાર્યો, 'રિયાએ કામ કરવાનું, આઇ મીન, ટીવી સિરીયલ્સમાં અભિનય કરવાનું વર્ષોથી બંધ કરી દીધું છે. અમારાં લગ્ન થયાં પછી આઠ-દસ મહિનામાં એણે પોતાનાં બધાં કમિટમેન્ટ્સ પૂરાં કરી નાખ્યાં હતાં ને પછી કોઈ નવું કામ હાથમાં ન લીધું. હવે એ ફક્ત બચ્ચાઓને સંભાળે છે... અને મને!'

'આ પણ કરવા જેવું કામ છે! મારી વાઇફ કહેતી હતી કે રિયાની અમુક સિરીયલો તો સુપરહિટ છે.'

'કરેક્ટ. પણ રિયા એમ્બિશિયસ નથી. ક્યારેય નહોતી.' 

'હું ખોટો ન હોઉં તો... રિયા સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે!' 

'ઓહ, શી લવ્ઝ સોશિયલ મીડિયા!' અનિકેતે કહ્યું, 'એક સમયે એ એક્ટ્રેસ હતી, આજે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. એના ફોલોઅર્સની સંખ્યા મિલિયન્સમાં છે.'

'ગુડ, ગુડ. તમે ઇન્ફ્લુએન્સર હો એટલે રીલ્સ બનાવવી પડે, વ્લોગ્સ બનાવવા પડે, બીજા ઇન્ફ્લુએન્સરો સાથે કોલેબ કરવું પડે... ઇન્ફ્લુએન્સર હોવું એ પણ મહેનતનું કામ છે, નહીં?'

અનિકેતનો મોબાઇલ રણક્યો. અનિકેતે મલકાયો, 'રિયાનો ફોન છે!' 

સુપ્રિન્ટેન્ડન્ટે એને ફોન ઉઠાવી લેવા સંકેત કર્યો. અનિકેતે મોબાઇલ કાને માંડયો. 

'રિયા, તું સો વર્ષ જીવવાની છો! તારી જ વાત ચાલતી હતી.' 

-અનિકેત, તારો ફોન કેમ લાગતો નથી! ગઈ કાલે મેં કેટલી ટ્રાય કરી... 

સામે છેડેથી રિયા ઉચાટભર્યા અવાજે કહી રહી હતી. 

'અહીં મનોરીમાં નેટવર્કનો પ્રોબ્લેમ છે. ઓલ ઓકે?'

-તારી ટીમમાંથી કોઈનો નંબર મને આપી રાખ. જસ્ટ ઇન કેસ... ક્યારેક જરૂર પડે તો.

'હું તને લોકેશનો નંબર વોટ્સએપ કરું છું. અત્યારે હું સુપ્રિન્ટેન્ડન્ટ સર સાથે બેઠો છું. સર મને પૂછતા હતા કે રિયાએ કેમ-' 

ફોન ડિસકનેક્ટ થઈ ગયો. 

'લો! નેટવર્ક ફરી ગાયબ!?' અનિકેત બોલ્યો. 

સુપ્રિન્ટેન્ડન્ટે ખભા ઉછાળ્યા. પછી બોટમ્સ અપ કરીને ગ્લાસ ખાલી કરી નાખ્યો. 

'સર, આ કાનજી...' અનિકેતે કહ્યું, 'મારા મનમાં શરૂઆતમાં એવી છાપ પડી હતી કે એ ગરીબ કે લોઅર મિડલ ક્લાસ માણસ હશે, પણ એ તો-' 

'અરે, કાનજી પાસે કરોડોની પ્રોપર્ટી છે!' સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું, 'એનું ફક્ત નામ ગામડિયા જેવું છે, ને એ દસમા પછી અટકી ગયો એટલે અભણ રહી ગયો છે, બાકી એના ફાધર પાસે રાજકોટમાં અને આજુબાજુ પુષ્કળ જમીનો હતી. કાનજીને ભાઈ-બહેન કોઈ નથી, એટલે આ બધું એને વારસામાં તૈયાર ભાણે મળી ગયું છે.' 

'અચ્છા...'

'આ પેલો - તમે મોંઘીદાટ બીએમડબલ્યુનો દરવાજો ખોલીને રસ્તા પર પાનની પિચકારી મારતા લોકો જોયા છે? કાનજી એક્ઝેટ્લી એવો છે. પૈસા આવી ગયા, પણ કલ્ચર ન આવ્યું.' 

'સર... તો પછી કાનજીની પ્રોેપર્ટી?' 

સુપ્રિન્ટેન્ડન્ટે આંખો ઝીણી કરી, 'કાનજીની પ્રોપર્ટીનું શું?' 

અનિકેતનો અવાજમાં ધાર ઉતરવા લાગી, 'કાનજીએ પોતાના આખા ફેમિલીને ખતમ કરી નાખ્યું છે, તમે કહ્યું કે એને કોઈ ભાઈ-બહેન પણ નથી, ને એ પોતે અહીં મેન્ટલ હોસ્પિટલમાં કેદ છે... તો એની જે કરોડોની પ્રોપર્ટી છે એનું હવે શું થશે? એ કોને મળશે?' 

'હાઉ વુડ આઇ નો?' સુપ્રિન્ટેન્ડન્ટ અસ્વસ્થ થઈ ગયા, 'એ મારો વિષય નથી...'

'સર...' અનિકેતે કહેવા માંડયું, 'શું એ શક્ય નથી કે કાનજીએ એના ફેમિલીનું મર્ડર કરી નાખ્યું છે એ આખી વાત જ હંબગ હોય? એવું ન બને કે આ કોઈનું ષડયંત્ર હોય? કોઈની નજર એની પ્રોપર્ટી પર હોય એટલે એણે કાનજીની વાઇફ અને બચ્ચાંને પતાવી નાખ્યાં હોય ને મર્ડરનો આરોપ કાનજી પર નાખી દીધો હોય... ને પછી કાનજીને પાગલમાં ખપાવી દઈને એની કરોડોની પ્રોપર્ટી હડપ કરી જવા માગતો હોય?'   

'વોટ નોનસેન્સ!' સુપ્રિન્ટેન્ડન્ટ ગુસ્સે થઈ ગયા, 'વગર પીધે તમને ચડી ગઈ છે કે શું? કાનજીએ પોતે પોલીસ સામે એની વાઇફ અને બેય દીકરાઓનાં મર્ડરની કબૂલાત કરી છે, તોય તમને આવા વિચારો આવે છે?' 

'અરે સર... પોલીસને આપેલું કન્ફેશન્સ ક્યારથી બ્રહ્મ સત્ય બની ગયું?' અનિકેતનો અવાજ ખેંચાવા લાગ્યો, 'તમે ઓળખતા નથી પોલીસને? માણસને મારીને, ડરાવી-ધમકાવીને એ લોકો કોઈની પણ પાસે કંઈ પણ બોલાવી શકે છે. આવી કબૂલાતોની શું કિંમત છે? તમે શી રીતે-'

એ જ વખતે રસોયો ટ્રે લઈને કિચનમાંથી બહાર આવ્યો. અનિકેત ચુપ થઈ ગયો. ઓરડાની હવા એકાએક ભારઝલ્લી બની ગઈ હતી. મોકટેલનો બીજો ગ્લાસ અને તાજાં મંચિંગની પ્લેટ્સ સેન્ટર ટેબલ પર મૂકીને રસોયો પાછો અંદર જતો રહ્યો. 

અનિકેતે વિષય બદલ્યો, 'સર, તમે ત્રિભુવનને ઓળખો છો?' 

'કોણ ત્રિભુવન?' સુપ્રિન્ટેન્ડન્ટે તીક્ષ્ણ નજરે અનિકેત સામે જોયું.  

'અમારો, આઇ મીન, ગેસ્ટ હાઉસનો રસોયો.' 

'કેમ્પસમાં ઘણા રસોયા કામ કરે છે, અનિકેત. મને કંઈ બધાની ખબર ન હોય.' 

અનિકેત સાચવી સાચવીને શબ્દો ગોઠવતો ગયો, 'ત્રિભુવન સારી રસોઈ બનાવે છે. ઓરિસ્સાનો વતની છે. આજે મને કહેતો હતો  કે એ ત્રણ વર્ષથી પોતાને ગામ ગયો નથી. અહીં આવ્યા પછી એણે કેમ્પસની બહાર પગ જ મૂક્યો નથી, બોલો! નવાઈ લાગે એવી વાત છે, નહીં સર?' 

સુપ્રિન્ટેન્ડન્ટ અચાનક ઊભા થઈ ગયા. એમનો ચહેરો તમતમી રહ્યો હતો, 'મારે એક અર્જન્ટ ફોન કરવાનો છે. હું કૉલ પતાવીને દસ-પંદર મિનિટમાં છું. તમે પીવાનું ચાલુ રાખો...' 

...અને અસહ્ય બનતી જતી વર્તમાનની ક્ષણને ઉખાડીને ફેંકી દેવા માગતા હોય તેમ સુપ્રિન્ટેન્ડન્ટ શરાબનો ગ્લાસ લઈને અંદરના કમરામાં ચાલ્યા ગયા અને ધડ્ દઈને દરવાજો બંધ કરી દીધો. 

***

'ડા... ડા... ડા... ડા....' 

અનિકેત પથારીમાં બેઠો થઈ ગયો. આ નાનકડી ઝારાનો અવાજ હતો. 

'ડા-ડા.... ડા-ડા....'

ક્યાંથી આવી રહ્યો છે આ અવાજ? અનિકેતને ગભરાટ થઈ ગયો. એણે ડ્રોઇંગરૂમ તરફ જોયું. બધું સામાન્ય દેખાતું હતું. સવાર પડી? અનિકેતે મોબાઇલમાં સમય જોયો. અત્યારે બપોરના ચાર વાગ્યા છે! અનિકેત ચકિત થઈ ગયો. લંચ લીધા પછી એવી તે કેવી ઘસઘસાટ ઊંઘ આવી ગઈ કે સમયની સૂધબૂધ ન રહી! 

ફરી ઝારાનો કિલકિલાટ...

કપાળે પરસેવો બાઝી ગયો છે. અનિકેતે પંખાની સ્વિચ બે-ત્રણ વાર ઓન-ઓફ, ઓન-ઓફ કરી. લાઇટ ફરી પાછી ગઈ લાગે છે. અનિકેતે બોટલમાંથી પાણી પીધું. એને સમજાઈ રહ્યું હતું કે પોતે તંદ્રાવસ્થા અને જાગૃતાવસ્થાના સંધિસ્થાને હિલોળા લઈ રહ્યો છે અને એનું સપનું વર્તમાનમાં ઝરી રહ્યું છે... 

ઝારા! 

ઝારા સૌથી પહેલો શબ્દ 'ડા-ડા' બોલતાં શીખી હતી. રિયા હંમેશા કહેતી, 'તું જોજે, આ છોકરી તારી એક નંબરની ચમચી થવાની છે. મારું નામ લેતાં પહેલાં એ તારું નામ લેતાં શીખી ગઈ!' 

ઝારાના જન્મ સાથે અનિકેતના પિતૃત્વને નવેસરથી કૂંપળો ફૂટી હતી. પોતે માત્ર બાપ નથી, પોતે કોઈનો પુત્ર પણ છે, પણ પુત્રત્વની અનુભૂતિ દૂર સરકી ગઈ હતી અને પિતૃત્વનો ભરપૂર અનુભવ બન્ને સંતાનો કરાવી રહ્યાં હતાં. અનિકેતને સમજાઈ રહ્યું હતું કે એક બાપ  સંતાનના જીવન પર છવાયેલો રહે છે - જીવતો હોય ત્યારે દ્રશ્યમાન છતની જેમ, મૃત્યુ પછી અદ્રશ્ય આકાશની જેમ. ઝારા 'અનપ્લાન્ડ ચાઇલ્ડ' હતી, પણ રિયા એવું નહોતી માનતી. અનિકેત કહેતો: રિયા, આ છોકરી આપણી લાઇફનો સૌથી મોટો 'પ્લેઝન્ટ એક્સિડન્ટ' છે' અનિકેત આવું બોલે ત્યારે રિયા ફક્ત હસતી. આર્જવ પછી ઝારા સાડાચાર વર્ષે જન્મી હતી. દીકરાએ અનિકેતના પિતૃત્વને એટલું છલછલતું અને તૃપ્ત કરી નાખ્યું હતું કે એને બીજા સંતાનનો વિચાર જ નહોતો આવ્યો... પણ ઝારા આવી, અધિકારપૂર્વક આવી. અત્યંત સહજતાથી અનિકેતના પિતૃત્વના વર્તુળને પહોળું કરીને એમાં છવાઈ ગઈ. અનિકેત ઝારાને એટલું વહાલ કરતો કે નાનકડા આર્જવને તકલીફ થઈ જતી.

 અનિકેતને ઝારા એટલી પ્રિય હતી કે એ અહીં નથી તો પણ જાણે બાજુના ઓરડામાં કિલકિલાટ કરતી હોય એવો હમણાં ભાસ થયો હતો...  

અનિકેત ફટાફટ તૈયાર થઈને ફોરેન્સિક સાઇકિએટ્રિક વિંગ પહોંચી ગયો. ટીમના સભ્યો અમુક ડિપાર્ટમેન્ટ્સનું શૂટિંગ પૂરું કરીને સીધા ત્યાં પહોંચી જવાના હતા. અનિકેતે જઈને જોયું કે શિલ્પા એના કમ્પ્યુટર પર કામ કરી રહી છે અને આખી ટીમ બહાર એન્ટ્રેન્સ હૉલમાં બેઠી છે. સખારામ દેખાતા નહોતા. 

'તમે લોકો અહીં શું કરો છો?' અનિકેતે ટીમને પૂછયું, 'હજુ કેમેરા સેટઅપ કર્યો નથી?'  

'સર, આજે કાનજીનું શૂટિંગ નહીં થઈ શકે,' ચતુર્વેદીએ જવાબ આપ્યો, 'એ ઘેનમાં છે. સવારથી એની તબિયત ઠીક નથી.' 

'ઓહ... તો પછી તમે લોકો હવે રૂમ પર જઈને રિલેક્સ કરો.'   

'અનિકેત સર, તમે સહેજ રોકાઈ શકશો?' શિલ્પાએ કહ્યું, 'તમારા માટે કાનજીના પોલીસ કબૂલાતનો વીડિયો મેં શોધી રાખ્યો છે. તમારે અહીં જ જોવો પડશે. આ વીડિયોને પેન ડ્રાઇવમાં ડાઉનલોડ કરવાની મને પરમિશન નથી.' 

ટીમ સામાન સાથે રવાના થઈ. અનિકેત અને શિલ્પા એકલાં પડયાં. અનિકેતની નજર શિલ્પાના ડાર્ક બ્લુ ટોપ પર ચોંટી ગઈ હતી. આ ટોપ...

શિલ્પાએ એક રિવોલ્વિંગ ચેર પોતાની નજીક ખેંચી. 'અહીં આવી જાઓ, સર...' 

અનિકેત બેઠો. શિલ્પાએ કમ્પ્યુટરની સ્ક્રીનને અનિકેત તરફ એડજસ્ટ કરી. શિલ્પાના માંસલ હોઠ અને હોઠના ખૂણા પાસે પેલો કાળો તલ...

શિલ્પાએ કહ્યું, 'તમે ત્યારે મધરાતે કાનજીને મળવા આવ્યા હતા એ વાત હું કોઈને કહેવાની નથી. તમારી એ મુલાકાતનો રેકોર્ડ જ મેં ડિલીટ કરી નાખ્યો છે.'

'ઓકે...' અનિકેતને વધારે શું બોલવું તે સમજાયું નહીં.    

શિલ્પાએ મસ્તીથી અનિકેતની આંખોમાં આંખો પરોવી. પછી અનિકેતના સાથળ પર હળવેથી આંગળી સરકાવી. અનિકેતના હૃદયના ધબકારા વધી ગયા. શિકારને દંશ દેતાં પહેલાં સર્પની જીભ લબકારા મારતી હોય એમ શિલ્પા ઝેરીલા અવાજે બોલી, 'તમને ખરેખર કશું જ યાદ નથી... અનિકેત?'

અનિકેત થીજી ગયો. 

(ક્રમશ:)

- શિશિર રામાવત

Related News

Icon