Home / : Dharmlok : Om Namah Shivaya - The Greatness of the Mantra

Dharmlok : ઓમ નમઃ શિવાય- મંત્રમાહાત્મ્ય

Dharmlok : ઓમ નમઃ શિવાય- મંત્રમાહાત્મ્ય

- પ્રલય કાળે જ્યારે ચરાચર જગત નષ્ટ થઈ જાય છે, સમગ્ર પ્રપંચ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. એ સમયે સમસ્ત દેવતા અને શાસ્ત્ર પંચાક્ષર મંત્રમાં સ્થિત રહે છે. શિવજીએ બ્રહ્માજી પ્રતિ પ્રત્યેક મૂખથી એક એક અક્ષરના ક્રમથી પાંચ અક્ષરોનો ઉપદેશ કર્યો છે

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

''શિવપુરાણ''ની વાયવીય સંહિતામાં ''ઓમ નમઃ શિવાય'' આ પંચાક્ષર મંત્રનું માહાત્મ્ય બતાવવામાં આવ્યું છે.

આ મંત્રમાં અક્ષર થોડા જ છે પરંતુ મહાન અર્થથી સંપન્ન છે આ મંત્રમાં વેદનું સારતત્વ છે. અને તે શિવની આજ્ઞાાથી સિધ્ધ શિવસ્વરૂપ મોક્ષ પ્રદાન કરનાર છે. સર્વજ્ઞા વિશે સંપૂર્ણ દેહધારીઓના બધા જ મનોરથની સિધ્ધિ માટે આ ''ઓમ નમઃ શિવાય'' મંત્રનું પ્રતિપાદન કર્યું છે. જેમ વડના ટેટામાં મહાન વૃક્ષ છૂપાઈ ને રહ્યું છે તેમ સંપૂર્ણ વિદ્યાઓ (મંત્રો)નું બીજ-મૂળ છે. શિવ વાચ્ય છે અને મંત્ર એનો વાચક છે. જેવી રીતે ઔષધ રોગનો સ્વભાવતઃ શત્રુ છે, એ જ પ્રકારે ભગવાન શિવ સંસારનાં દોષોનાં સ્વાભાવિક શત્રુ મનાયા છે.

આ ષડક્ષર શિવવાક્ય ''ઓમ નમઃ શિવાય'' સિધ્ધમંત્ર છે. મંત્રોની સંખ્યા બહુ હોવા પર પણ જે વિમલ ષડક્ષર-મંત્રનું નિર્માણ સર્વજ્ઞા શિવે કર્યું છે એના સમાન બીજો કોઈ મંત્ર નથી. આ પંચાક્ષર મંત્રના જપમાં રત પુરુષ જો પંડિત, મુર્ખ, અંત્યજ અથવા અધમ પણ હોય તો તે પાપ પંજરથી મૂક્ત થઈ જાય છે. આ મંત્રમાં બધા ભક્તોને અધિકાર છે, તેથી જ તે શ્રેષ્ઠતર મંત્ર છે. પ્રલય કાળે જ્યારે ચરાચર જગત નષ્ટ થઈ જાય છે, સમગ્ર પ્રપંચ પ્રકૃતિમાં લીન થઈ જાય છે. એ સમયે સમસ્ત દેવતા અને શાસ્ત્ર આ પંચાક્ષર મંત્રમાં સ્થિત રહે છે. શિવજીએ બ્રહ્માજી પ્રતિ પ્રત્યેક મૂખથી એક એક અક્ષરના ક્રમથી પાંચ અક્ષરોનો ઉપદેશ કર્યો છે. આમ તો આ મંત્રના બધા જ અક્ષરો બીજરૂપ છે. તથાપિ એમાં બીજો અક્ષર આ મંત્રનું બીજ છે. પાંચમાં વર્ણને શક્તિ સમજવી આ મંત્રના વામદેવઋષિ છે, પંક્તિ છંદ છે અને શિવ પોતે જ આ મંત્રના દેવતા છે. ''ઓમ નમઃ શિવાય'' આ મંત્રનો પહેલો અક્ષર ઉદાત્ત બીજો અને ચોથો પણ ઉદાત્ત છે. પાંચમો સ્વરિત અને ત્રીજો અક્ષર અનુદાત્ત છે.

મંત્રનો ઓમ પ્રણય શિવજીનું વિશાળ હૃદય છે. નકાર મસ્તક કહેવાય છે. મકાર શિખા છે. ''શિ'' ક્વચ છે, ''વા'' નેત્ર છે અને ''ય'' કાર શિવજીનું અસ્ત્ર છે. થોડા ભેદ સાથે આ શિવ-પાર્વતીનો પણ મૂલ મંત્ર છે. આ પંચાક્ષર મંત્રમાં જે પાંચમો વર્ણ ''ય'' છે એને બારમા સ્વરથી વિભૂષિત કરવામાં આવે છે, અર્થાત્ '''નમઃ શિવાય' ને બદલે ''નમઃશિવાયૈ'' કહેવાથી આ દેવીનો મૂળમંત્ર બની જાય છે. સદાચારથી હિન, પતિત અને અંત્યજનો ઉધ્ધાર કરવા માટે કળિયુગમાં પંચાક્ષર મંત્રથી અધિકો બીજો કોઈ ઉપાય નથી. ચાલતા ફરતા ઊભા રહેતા અથવા સ્વેચ્છાનુસાર કર્મ કરતા અપવિત્રકે પવિત્ર પુરુષે જપ કરવાથી પણ આ મંત્ર નિષ્ફળ થતો નથી. અત્યંજ, મૂર્ખ, મૂઢ, પતિત, મર્યાદા રહિત અને નીચને માટે પણ આ મંત્ર નિષ્ફળ થતો નથી. ઉપરાંત આ મંત્ર માટે લગ્ન, તિથિ, વાર, નક્ષત્ર અને યોગ વગેરેનો વધારે વિચાર અપેક્ષિત નથી. આ મંત્ર ક્યારેય સુપ્ત થતો નથી. સદા જાગ્રત રહે છે. આ મહામંત્ર ક્યારેય કોઈનો શત્રુ થતો નથી. સદા સુસિધ્ધ, સિધ્ધ અથવા સાધ્ય જ રહે છે. સિધ્ધગુરુના ઉપદેશથી પ્રાપ્ત થયેલા મંત્રને સુસિધ્ધ કહેવાય છે.

આ મંત્રની વિશિષ્ટતા એ છે કે બીજા મંત્રોના સિધ્ધ થઈ જવાથી આ ''ઓમ નમઃ શિવાય'' પંચાક્ષર મંત્ર સિધ્ધ થતો નથી પરંતુ આ મહામંત્રના સિધ્ધ થઈ જવાથી બીજા મંત્રો અવશ્ય સિધ્ધ થઈ જાય છે. વળી બધા મંત્રોના જે દોષ છે, તે આ મંત્રમાં સંભવતા નથી. ઉમા મહેશ તથા શિવ પાર્વતીના ચરણોમા સાષ્ટાંગ પ્રણામ સહ અસ્તુ.

ઓમ નમઃ શિવાય

Related News

Icon