
એજબેસ્ટન ખાતે શરૂ થયેલી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની બીજી ટેસ્ટ મેચનો પહેલો દિવસ રોમાંચક રહ્યો હતો. ભારતીય કેપ્ટન શુભમન ગિલની શાનદાર સદી અને યશસ્વી જયસ્વાલની ઈનિંગને કારણે ભારતે પહેલા દિવસે 300 રનનો આંકડો પાર કર્યો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ ભારતીય બેટ્સમેનોએ તેની રણનીતિને પડકાર ફેંક્યો. ટીમ ઈન્ડિયા પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં 310 રન બનાવવામાં સફળ રહી હતી. જ્યારે ઈંગ્લેન્ડની ટીમે 5 વિકેટ લીધી હતી.
કેપ્ટન ગિલની સદીની ઈનિંગ
એજબેસ્ટન ટેસ્ટનો પહેલો દિવસ ભારતીય કેપ્ટન શુભમન ગિલનો હતો. ગિલ 114 રન બનાવીને અણનમ રહ્યો. તેણે કુલ 216 બોલનો સામનો કર્યો અને 12 ચોગ્ગા પણ ફટકાર્યા. ગિલની આ કેપ્ટનશિપ ઈનિંગને કારણે, ટીમ ઈન્ડિયા પ્રથમ દિવસે 300 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી હતી. આ સિરીઝમાં ગિલની આ બીજી સદી છે. આ પહેલા, તેણે લીડ્સ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 147 રન બનાવ્યા હતા. બીજી તરફ, યશસ્વી જયસ્વાલ ફરી એકવાર ટીમને સારી શરૂઆત આપવામાં સફળ રહ્યો. પરંતુ આ વખતે તે સદી ચૂકી ગયો. જયસ્વાલે 107 બોલમાં 87 રનની ઈનિંગ રમી, જેમાં 13 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
જોકે, કેએલ રાહુલ આ ઈનિંગમાં ખાસ કંઈ કરી શક્યો નહીં. તેણે 26 બોલમાં 2 રન બનાવ્યા પછી પોતાની વિકેટ ગુમાવી દીધી, જેના કારણે ટીમ ઈન્ડિયાએ 15 રન પર પોતાની પહેલી વિકેટ ગુમાવી હતી. આ પછી, કરુણ નાયરને સારી શરૂઆત મળી, પરંતુ તે પણ મોટો સ્કોર ન કરી શક્યો અને 31 રન બનાવીને પવેલિયન પાછો ફર્યો. આ ઉપરાંત, રિષભ પંત પણ 25 રન બનાવીને આઉટ થયો હતો. સિરીઝમાં પોતાની પહેલી મેચ રમી રહેલો નીતિશ કુમાર રેડ્ડી પણ તકનો ફાયદો ન ઉઠાવી શક્યો અને 1 રન બનાવીને આઉટ થઈ ગયો. આ પછી રવિન્દ્ર જાડેજા એ શુભમન ગિલનો સાથ આપ્યો. જાડેજા ટેસ્ટના પહેલા દિવસે 41 રન બનાવીને અણનમ પાછો ફર્યો હતો.
ક્રિસ વોક્સે 2 વિકેટ લીધી
ક્રિસ વોક્સે રમતના પહેલા દિવસે ઈંગ્લેન્ડ માટે ખૂબ જ સારી બોલિંગ કરી. ક્રિસ વોક્સે 21 ઓવર બોલિંગ કરી અને 59 રન આપીને 2 વિકેટ લીધી. તેણે કેએલ રાહુલ અને નીતિશ કુમાર રેડ્ડીને પોતાનો શિકાર બનાવ્યા. બેન સ્ટોક્સે જયસ્વાલની વિકેટ લીધી. આ ઉપરાંત, બ્રાયડન કાર્સ અને શોએબ બશીરે 1-1 વિકેટ લીધી. હવે રમતનો બીજો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનવાનો છે. ટીમ ઈન્ડિયા મોટા સ્કોર સુધી પહોંચવા પર નજર રાખશે. ઈંગ્લેન્ડ ભારતની ઈનિંગને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવા માંગશે.