
BCCI એ આજે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ ટૂર્નામેન્ટ માટે ટીમ જાહેર કરી છે. ટીમ સિલેક્શન કમિટીના ચેરમેન અજિત અગરકરે આજે ઈંગ્લેન્ડ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવાની સાથે કેપ્ટનશિપની જવાબદારી યુવા ખેલાડી શુભમન ગિલને સોંપી છે. રિષભ પંતને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમની જાહેરાત દરમિયાન અજિત અગરકરે વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિનને યાદ કર્યા હતા. તેમજ તેમની ખોટની ભરપાઈ કરવી મુશ્કેલ હોવાનું જણાવ્યું હતું.
ઈંગ્લેન્ડ ટેસ્ટ ટૂર્નામેન્ટ માટે જાહેર નવી ટીમમાં છેક 2017 બાદ કરુણ નાયરની વાપસી થઈ છે. સાઈ સુદર્શન, અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓને પણ સ્થાન મળ્યું છે. જોકે, મોહમ્મદ શમીની પસંદગી નથી કરી. અજિત અગરકરે આ મુદ્દે સ્પષ્ટતા પણ આપી છે.
વિરાટ કોહલીના રિટાયરમેન્ટ પર બોલ્યા
અજિત અગરકરે વિરાટ કોહલીના ટેસ્ટમાંથી નિવૃત્તિ મુદ્દે પણ જણાવ્યું કે, "અમે વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ એપ્રિલથી તેને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તેણે સંન્યાસ લેવાનો નિર્ણય લઈ લીધો હતો. અમે કોહલીના નિર્ણયનું સન્માન કરીએ છીએ. રોહિત શર્મા અને અશ્વિન પણ ઉમદા ખેલાડી છે. આ ત્રણેય દિગ્ગજ ખેલાડીઓના સ્થાને અન્યની પસંદગી કરવી હંમેશા મુશ્કેલ રહેશે. આ ત્રણેય ખેલાડીઓની ખોટ પૂરવી મુશ્કેલ છે." તેઓ છેલ્લે 2021માં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ રમ્યા હતા. હેડ કોચ ગૌતમ ગંભીરની વાતનું પુનરાવર્તન કરતાં કહ્યું કે, "સંન્યાસ લેવો વ્યક્તિગત નિર્ણય છે. રોહિત, અશ્વિન અને વિરાટ દિગ્ગજ ખેલાડી છે. તેમનું સ્થાન લેવું મોટી વાત છે."
શમીની પસંદગી ન કરવા પાછળનું કારણ
અજિત અગરકરે જણાવ્યું હતું કે, "મેડિકલ ટીમે મોહમ્મદ શમીને અનફિટ જાહેર કર્યો છે. જેના લીધે તેની પસંદગી નથી થઈ. સિલેક્શન કમિટી તેને ટીમમાં લેવા માંગતી હતી. પરંતુ મેડિકલ ટીમે શમી સ્વસ્થ ન હોવાનો ફિડબેક આપતા અમારે અમારો નિર્ણય બદલવો પડ્યો." શમીએ WTC ફાઈનલ 2023માં ભારત માટે અંતિમ ટેસ્ટ મેચ રમી હતી.
કરુણ-શાર્દૂલની વાપસી
મીડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયર અને ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુરની ટીમમાં વાપસી થઈ છે. કરુણે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ માર્ચ, 2017માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમી હતી. જ્યારે શાર્દૂલે ટીમ ઈન્ડિયા માટે ડિસેમ્બર, 2023માં સાઉથ આફ્રિકા સામે છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી.
સરફરાજ ખાનના સ્થાને કરુણ નાયર
ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ટૂર્નામેન્ટમાં ટીમમાં સામેલ મીડલ ઓર્ડર બેટ્સમેન સરફરાજ ખાનને આગામી ટેસ્ટ ટૂર્નામેન્ટમાં આરામ આપ્યો છે. તેના સ્થાને કરુણ નાયરની પસંદગી કરવામાં આવી છે. અજિત અગરકરે આ પસંદગીનો નિર્ણય ટીમ મેનેજમેન્ટનો હોવાનું જણાવ્યું છે.