
IPL 2025ની 19મી મેચમાં, ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું હતું. ગુજરાતની જીતના હીરો કેપ્ટન શુભમન ગિલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ હતા. ગિલે 61 રનની અણનમ ઈનિંગ રમી જ્યારે સિરાજે 4 ઓવરમાં 17 રન આપીને 4 વિકેટ લીધી હતી. આ સિરાજનું IPLમાં શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. સિરાજને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેને સતત બીજી મેચ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અગાઉ RCB સામેની મેચમાં તેણે 3 વિકેટ લીધી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.
સિરાજે IPL 2025માં અત્યાર સુધીમાં 9 વિકેટ લીધી છે. આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે તે કેટલા શાનદાર ફોર્મમાં છે. IPLની 18મી સિઝન પહેલા, સિરાજ ખરાબ ફોર્મને કારણે આકરી ટીકાનો સામનો કરી રહ્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમમાં તેણે સ્થાન નહતું મળ્યું. આ પછી, સિરાજે સખત મહેનત કરી અને હવે તે IPLમાં બોલ સાથે તબાહી મચાવી રહ્યો છે.
પરિવાર સામે રમવું એ એક ખાસ અનુભવ
પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા બાદ મોહમ્મદ સિરાજે કહ્યું કે જ્યારે તમે તમારા ઘરઆંગણે રમો છો, ત્યારે તે એક ખાસ અનુભવ હોય છે. તેનો પરિવાર ગેલેરીમાં બેઠો હતો અને આનાથી તે ઉત્સાહિત થઈ ગયો હતો. તે સાત વર્ષથી RCB માટે રમી રહ્યો છે. તેણે પોતાની બોલિંગ અને માનસિકતા પર પણ સખત મહેનત કરી છે, તે તેના માટે ખરેખર સારી રીતે કામ કરી રહી છે.
IPL 2025ની રાહ જોઈ રહ્યો હતો
તેણે કહ્યું કે, તે જે પણ ભૂલો કરી રહ્યો હતો, તેણે તેના પર કામ કર્યું. તે પોતાની બોલિંગનો આનંદ માણી રહ્યો છે. એક પ્રોફેશનલ ખેલાડી તરીકે, જ્યારે તમે સતત ભારતીય ટીમ સાથે હોવ છો, ત્યારે તમારા મનમાં શંકાઓ ઉદ્ભવે છે, પરંતુ તેણે પોતાના પર વિશ્વાસ દર્શાવ્યો. તે IPLની રાહ જોઈ રહ્યો હતો. સિરાજે કહ્યું, જ્યારે તમે પ્રદર્શન કરો છો, જ્યારે તમે ડિલિવર કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમે ટોપ પર રહો છો.
આશિષ નેહરા અને ઈશાંત શર્મા તરફથી મદદ મળી
તેણે કહ્યું કે, "ગુજરાત ટાઈટન્સ દ્વારા મારી પસંદગી થયા પછી મેં આશિષ ભાઈ સાથે વાત કરી. તેમણે (નેહરા) મને કહ્યું કે મારે મારી બોલિંગનો આનંદ માણવો જોઈએ અને ઈશુ (ઈશાંત) ભાઈએ મને કહ્યું કે કઈ લાઈન અને લેન્થ બોલિંગ કરવી."