
ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સિઝન 22 માર્ચથી કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચથી શરૂ થશે. આ વખતે ઘણી ફ્રેન્ચાઈઝી તેમના મુખ્ય ખેલાડીઓ વિના રમશે. ઘણી ટીમોના ખેલાડીઓ ઈજા અથવા અંગત કારણોસર પ્રથમ કેટલીક મેચોમાં રમી શકશે નહીં. જસપ્રિત બુમરાહ, એનરિચ નોરખિયા અને મયંક યાદવ જેવા ફાસ્ટ બોલર અલગ-અલગ સમસ્યાઓના કારણે પ્રારંભિક મેચમાંથી બહાર થઈ શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સનો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ હજુ પણ પીઠના નીચેના ભાગમાં થયેલી ઈજામાંથી સાજો થઈ રહ્યો છે, જેના કારણે તે જાન્યુઆરીથી સ્પર્ધાત્મક ક્રિકેટમાંથી બહાર છે. બુમરાહ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો અને તે બીજી ઈનિંગમાં બોલિંગ કરી શક્યો ન હતો. ઓસ્ટ્રેલિયાએ આ મેચ છ વિકેટે જીતી લીધી હતી.
એ જ રીતે કોલકાતા નાઈટ રાઈડર્સ ફાસ્ટ બોલર એનરિક નોરખિયાની ફિટનેસને લઈને ટેન્શનમાં છે. એનરિક પીઠની ઈજા સાથે પણ સંઘર્ષ કરી રહ્યો છે અને તે ચેમ્પિયન્સ ટ્રોફીનો ભાગ નહોતો. લખનૌ સુપર જાયન્ટ્સના મિશેલ માર્શ અને મયંક યાદવને લઈને પણ શંકા છે. જોશ હેઝલવુડ અને જેકબ બેથેલનું રમવું RCB માટે શંકાસ્પદ છે. હાર્દિક પંડ્યા મુંબઈ માટે પહેલી મેચ રમી શકશે નહીં, કારણ કે તેના પર એક મેચનો પ્રતિબંધ છે.
પંજાબ કિંગ્સના લોકી ફર્ગ્યુસન પણ કેટલીક મેચોમાંથી બહાર રહી શકે છે. હેરી બ્રુક પર સિઝનની શરૂઆત પહેલા નામ પાછું ખેંચવા બદલ બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.