
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના મેગા ઓક્શનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની રણનીતિ પર ભારે ટીકા થઈ હતી. ખાસ કરીને ફ્રેન્ચાઇઝી દ્વારા 'કેપ્ટન્સી મટિરિયલ' પર પૈસા ખર્ચવામાં કંજૂસાઈ જોવા મળી હતી. RCB ટીમે રિષભ પંત અથવા કેએલ રાહુલ પર વધારે બોલી ન લગાવી. મેગા ઓક્શન પછી એવા સમાચાર હતા કે, વિરાટ કોહલી ફરીથી RCBનું નેતૃત્વ કરશે, પરંતુ હવે આ સમગ્ર મામલે RCB ફ્રેન્ચાઈઝના COO એ મોટો ખુલાસો કર્યો છે.
'અમારી ટીમમાં ઘણા લીડરો છે. જેમાંથી 4-5 લીડરો ધ્યાનમાં છે'
એક રિપોર્ટ પ્રમાણે RCBના COO રાજેશ મેનને ખુલાસો કર્યો કે, તેમની ટીમમાં ઘણા લીડર છે અને હજુ સુધી કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. મેનને કહ્યું કે, 'હાલ અમે કંઈ નક્કી નથી કર્યું, અમારી ટીમમાં ઘણા લીડરો છે. જેમાંથી 4-5 લીડરો ધ્યાનમાં છે, તેમના વિશે અમે હાલમાં કંઈ નથી વિચાર્યુ. આ વિશે અમે વિચાર વિમર્શ કરીશું અને પછી કોઈ નિષ્કર્ષ પર પહોંચીશું.'
કોહલી IPLના ઈતિહાસમાં ત્રીજો સૌથી અનુભવી કેપ્ટન
કોહલી IPLના ઈતિહાસમાં ત્રીજો સૌથી અનુભવી કેપ્ટન છે. તેણે 143 મેચોમાં RCBનું નેતૃત્વ કર્યું છે અને તેની જીતની ટકાવારી 48.56 રહી છે. તેણે 2016ની એડિશનમાં RCBને ફાઈનલમાં પહોંચાડી હતી. જેમાં ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે હારી ગઈ હતી.
RCBના COO મેનને વ્યૂહરચના સમજાવી
મેનને કહ્યું કે, 'અમે અમારા હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને ધ્યાનમાં રાખીને આક્રમણ બોલિંગ પસંદ કરી છે.' તેમણે એમ પણ કહ્યું કે લીગની સર્વશ્રેષ્ઠ ટીમોમાંથી એકને એકઠી કરવામાં સફળ રહ્યા છીએ.
તેમણે વધુમાં કહ્યું, 'અમારી પાસે કોઈપણ પ્રકારની કમી નથી. શું શું કરવાની જરૂર છે, અને અમારે કેવા પ્રકારની ભારતીય કોર ટીમ બનાવવાની જરૂર છે, તે અંગે અમે ખૂબ જ સ્પષ્ટ હતા. તેમજ જો અમારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમવું હોય, તો અમને જેવા પ્રકારના બોલિંગ આક્રમણની જરૂર છે, અમે તેને ટીમમાં લીધા.'
મેનને આગળ કહ્યું કે, 'જો તમે હરાજીના પહેલા દિવસને જોશો તો તે અમારા માટે ખૂબ જ ઓછો મહત્ત્વપૂર્ણ હતો. લોકોને લાગ્યું કે અમે હરાજીમાં ભાગ નથી લઈ રહ્યા, પરંતુ બીજા દિવસના અંતે ફેન્સથી લઈને નિષ્ણાતો સુધી બધાએ કહ્યું કે, અમે જે કર્યું તે શ્રેષ્ઠ હતું, કારણ કે અમે બધી ખામીઓ પૂરી કરી હતી, અને મને લાગે છે કે શ્રેષ્ઠ ટીમોમાંની એક ટીમ અમારી પાસે છે.'