
- લેન્ડસ્કેપ
અર્જુન : હે શ્રી કૃષ્ણ, મન ચંચળ છે, ક્યાંક ખેંચી જાય છે અને છળ પણ કર્યા કરે છે.
શ્રી કૃષ્ણ : ચંચળતાને નાથવા અભ્યાસ અને બહિર્મુખતા નિવારવા વૈરાગ્ય છે.
- શ્રીમદ્ ભગવત ગીતા
પૃથ્વી પરની આઠ અબજની માનવ વસ્તીની સમસ્યા અને તેનું સમાધાન આ સંવાદમાં છે. પ્રાચીન ભારતના યોગદર્શને આ સાહસિક પ્રયોગ કર્યો; જેમાં હું જ પ્રયોગકર્તા, પ્રયોગનું રસાયણ, પ્રયોગશાળા અને પ્રયોગ. અને હા, પરિણામ કે પ્રાપ્તિ પણ હું, આખું પ્રાચીન જગત જ્યારે બહાર સોનું કે સુખ શોધવાની દોડમાં હતું ત્યારે આપણે અંદર સ્વની શોધમાં હતા. વિશ્વ આખા એ રોગીષ્ટ ચિત્તના અભ્યાસો અને તારણો આપ્યા ત્યારે આપણા યોગ-દર્શનોએ સત્વશીલ, આત્મવાન, પરિપૂર્ણ અને પરિશુધ્ધ ચિત્ત-ચૈતન્યના જીવંત ઉદાહરણ આપ્યા; જેવા કે આપણા સાધકો, સાધુઓ, સિધ્ધો, સંતો અને ધ્યાની-યોગીઓ વગેરે સ્વરૂપે.
વિશ્વના ઉર્જા વિજ્ઞાન પાસે બે મૂલ્યવાન શબ્દો છે; ફિઝન (વિભાજન) અને ફ્યુઝન (સામંજસ્ય-સુમેળ). બધા સ્વીકારે છે કે શ્વાસ, વિચાર અને કામ પ્રચંડ ઊર્જાઓ છે. આપણા યોગે તેની સાથે લડવાને બદલે તેને સંયોજવાની રીતો આપી. જુઓ રાજયોગ, મંત્રયોગ, લયયોગ, હઠયોગ વગેરે. વિશ્વ જ્યારે ઉર્જાને છેદી-ભેદીને-વિખુટી પાડીને નાથવાની મથામણ કરતું હતું ત્યારે આપણે સમગ્ર અસ્તિત્વ સાથે સંવાદ અને મૈત્રી કરતી યોગીક શૈલીઓ પ્રયોજી. આપણે જીવ-શિવ, શિવ-શક્તિ, ચંદ્ર-સૂર્ય, કામ-રામ વગેરેને સંયોજ્યા. યોગશિખા ઉપનિષદ તો કહે છે કે મહાયોગ કે પૂર્ણયોગ એક જ છે. બીજા અસંખ્ય યોગો તેના અનંત અંગો અને આયામો છે, અભિવ્યક્તિઓ અને વિભૂતિઓ છે, ક્ષમતાઓ અને સંભાવનાઓ છે. ભારતીય યોગદર્શને તો વિશ્વને શીખવ્યું છે કે જીવ પ્રયોગકર્તા છે, જગત પ્રયોગશાળા છે અને જીવન આખું એક પ્રયોગ છે. પશ્ચિમના વિજ્ઞાને સવાલોના જવાબો શોધ્યા છે જ્યારે આપણે સમાધાનો શોધ્યા છે-આપ્યા છે. આપણે તો કહ્યું કે બિંદુ સમજો બ્રહ્માંડ સમજાઈ જશે, વ્યક્તિ ઓળખો વિશ્વ ઓળખાઈ જશે. યોગથી શ્વાસના લય-તાલીય સંગીતમાં શરીર-મનનો દરેક કોષ ગાતો-નાચતો થાય છે.
આપણા યોગદર્શને વિશ્વને શીખવ્યું કે જગત યજ્ઞશાળા છે, જીવનો શ્વાસ, વિચાર, કૃત્ય, આહુતી છે અને જીવન એક શાશ્વત યજ્ઞ છે. વિશ્વ આખામાં અસંખ્ય યોગાશ્રમો છે, તેના સ્થાપકો અને સંચાલકોના મૂળ તપાસો તો સમજાઈ જશે કે ભારતીય સનાતનીય યોગ-દર્શનનું વિશ્વને પ્રદાન શું છે? કેવું છે? કેટલું છે?
- સુભાષ ભટ્ટ