
- લેન્ડસ્કેપ
ખરો સવાલ એ નથી કે મૃત્યુ પછી જીવન છે કે નહીં પણ એ છે કે મૃત્યુ પૂર્વે તમે જીવંત હતા કે નહીં! - ઓશો
અપવાદરૂપ કેટલાક લોકો એવા હોય છે જેમના જીવન અને મૃત્યુમાં લંબાઈ, પહોળાઈ, ઉંચાઈ અને ઊંડાઈ આશ્ચર્યજનક હોય છે. કેટલાક એવા હોય છે, જેમના જીવનમાંથી એક્ઝીટ પણ સૌમ્ય,સહજ અને પાવક હોય છે. એક એવી વ્યક્તિ હતી કે જેનું જીવન પબ્લિક સ્ટેટમેન્ટ હતું પણ મૃત્યુ સાવ પર્સનલ સ્ટેટમેન્ટ હતું તે નામ છે; ડો. ડેનીઅલ કહાનમેન (ઈ.સ. ૧૯૩૪ થી ૨૦૨૪).
તેમણે બાળક તરીકે બીજા વિશ્વયુદ્ધની વેદના અને યાતના,આક્રમકતા અને અસ્થિરતા જોઈ છે- અનુભવી છે. પિતાની ધરપકડ જોયેલી છે. તેણે જીવનના વિરોધાભાસો અનુભવ્યા છે: સુખ અને દુ:ખ,રસ અને કંટાળો, પીડા અને મોજ,આનંદ અને વિષાદ વગેરે. તે માનતા કે માણસ કોઈ અંતિમ નિષ્કર્ષ પર આવતો નથી, તેનાથી કોઈ નિશ્ચય થતો નથી. ક્યારેક તો માણસ સ્વયંના અંધાપા વિશે પણ અંધ હોય છે. તેમણે એક વરસ તો ઈઝરાયેલી સેનામાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે સેવા આપી. પછી તો તેમણે પ્રિન્સટન,બર્કલે,કોલમ્બીઆ, સ્ટેનફોર્ડ વગેરે યુનિ. માં ભણાવ્યું. તેમના અભ્યાસ અને સંશોધનોમાં તત્વજ્ઞાાન,મનોવિજ્ઞાાન અને અર્થશાસ્ત્રનો સમન્વય છે.
તેમણે જોયું કે માનવીય જીવન તર્ક,બુદ્ધિ પૂર્વગ્રહો,ધારણાઓમાં અટવાઈ જાય છે. તેમનું વૈચારિક પ્રદાન આ તો છે, 'નિર્ણયો અને ચુકાદાઓનું તત્વજ્ઞાાન.' તેમને નોબેલ મેમોરિયલ પ્રાઈઝ ઈન ઈકોનોમિક્સ ઇ.સ.૨૦૦૨માં મળ્યું. પાનાઓ ભરાય એટલી ઓનરરી ડિગ્રીઝ,પ્રદાન,પુસ્તકો,લેખો,વ્યાખ્યાનો,સંશોધનો પણ ખરા.
પણ ૯૦ મે વર્ષે તેમને લાગ્યું કે ચિંતનનો અવકાશ હોય તો ધીમા પડી જવું એ સારી રીત છે. સુખ તો આજે, અહીં, અત્યારે અનુભવું તેમાં જ છે. ગઈકાલ કે આવતીકાલમાં નહીં. તમારો સમય ક્યાં વિતાવવો તે નક્કી કરવાનું સ્વાતંત્ર્ય જ સુખ છે. સોઈ,પથારી,નળીઓ,સિલીન્ડરો,નર્સીસ,મોનિટર વચ્ચે સુવામાં નથી સુખ કે જીવન. તેમાં ગરિમા વિનાની ગુમનામી છે. કદાચ તેની પત્ની એન્ન ત્રેઈસમાનને તેણે ખંડિત મનસ્કતામાં પીડાતી જોયેલી. આખરે ડો. ડેનિઅલે પેગાસસ નામની સ્વીસ કંપનીમાં આસીસ્ટેડ સુસાઈડ કર્યો. આ ચાર દિકરાઓની હાજરીમાં સજગ સભાન મૃત્યુ પ્રવેશ હતો. સ્વેચ્છાએ આંખો મિચાવવામાં અને ફાટી આંખે મરવામાં ચૈતન્ય ભેદ છે. આ એક અંગત અને પાવક સ્વેચ્છા મૃત્યુ હતું. આમાં ચોઈસ, ફ્રીડમ અને ડિસીઝન પણ હતા. પથારીમાં મૃત્યુની રાહ જોવામાં અને સામે ચાલીને મૃત્યુને આલિંગન આપવામાં ફેર છે.
હારુકી મૂરાકામી કહે છે 'મૃત્યુ જીવનનો વિરોધાર્થી નથી પણ તેનો જ વિસ્તાર છે.' એક સત્ય દેખીતું જ છે કે મહાનતા પુરવાર કરવી સહેલી છે પણ મહાન હોવું અતિ મુશ્કેલ છે.
- સુભાષ ભટ્ટ