
સુરત શહેરના મહીધરપુરા વિસ્તારમાં આવેલ આંગડીયા પેઢી તથા હીરાના પાર્સલ પર લૂંટ કરવાની તૈયારીમાં આવેલી એક આંતરરાજ્ય ગુનેગાર ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. ક્રાઇમ બ્રાન્ચે સચોટ માહિતીના આધારે કડોદરા તાલુકાના તાતીથૈયા વિસ્તારમાં છ દરોડા પાડી, હુમલાના પ્લાન સાથે હાજર રહેલા છ શખ્સોને ઝડપી લીધા છે.
હથિયારો અને સાધનોનો જપ્ત
પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી 3 પિસ્તોલ, 1 દેશી બનાવટનો તંમચો, 42 કાર્ટીઝ, 1 ખાલી મેગઝીન, 1 રેમ્બો છરો, 1 ધારદાર કટર, 1 લોખંડનું પકડ, 1 ફોર વ્હીલ કાર, 6 મોબાઇલ ફોન, 3 વાઇફાઇ ડોંગલ, 3 બુકાની માસ્ક અને રોડ મેપ મળી કુલ રૂ. 4,80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડી પડેલા મુખ્ય આરોપીઓની વિગતો
આ ગુનામાં ઝડપાયેલા મુખ્ય આરોપી જેમ્સ જેફરીન ગીધોરી અલમેડા વિરુદ્ધ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ તેમજ મુંબઈમાં વિવિધ ગુના નોંધાયેલ છે. જેમાં લૂંટ, હત્યા, પોલીસ પર ફાયરિંગ, 15 કિલો સોનાની લૂંટ, ઘાતક હથિયારોથી હુમલાઓ અને વાહન ચોરી જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. તેમનો "મકોકા એક્ટ" હેઠળ પણ ગુનો દાખલ છે.બીજા આરોપી રાજેશ સુબેદારસિંહ પરમાર પૂર્વ આર્મી સૈનિક છે અને હાલ મધ્યપ્રદેશમાં જેલ સિપાઈ તરીકે ફરજ બજાવતો હતો. તેણે અગાઉ 20 કિલો સોનાની ચોરીના કેસમાં જેલની સજા ભોગવી છે. રાજેશ પરમાર અને જેમ્સ અલમેડાની મુલાકાત જેલમાં જ થઈ હતી. ત્યારબાદ જ બંનેએ સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો.આ સાથે જેલમાં ઉદયબીરસિંહ રાજબહાદુરસિંહ તોમર નામના આરોપી સાથે પણ તેઓ સંપર્કમાં આવ્યા હતા. ઉદયબીર અગાઉ સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો અને અવાર નવાર સુરતની મુલાકાત લેતો હતો.
આ રીતે રચતા લૂંટનો પ્લાન
આરોપીઓ છેલ્લા દોઢ મહિનાથી આ લૂંટ માટે પ્લાનિંગ કરી રહ્યા હતા. સુરતમાંથી આંગડીયા પેઢી અને હીરાના પાર્સલ વડોદરા જાય છે તેની ચોક્કસ સમયસૂચી પણ તેઓએ જાણી હતી. લૂંટ માટે કુલ 8 લોકો સંડોવાયેલા હતા. જેમાંથી કેટલાક બસમાં મુસાફરી કરી લૂંટ કરવાની તૈયારીમાં હતા, જ્યારે અન્ય લોકો પાછળથી કારમાં જતાં હતા જેથી લૂંટ કર્યા બાદ તરત ભાગી શકે.
પોલીસને મળી સફળતા
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, "સુરત પોલીસ સતત ગુનેગારોના ત્રાસને નાબૂદ કરવા કાર્યરત છે. આ આંતરરાજ્ય ગેંગની ધરપકડથી અનેક લૂંટ, ચોરી તથા હિંસક ગુનાઓ અટકાવવામાં સફળતા મળી છે."