
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ દિવસોમાં ક્રિકેટના મેદાનથી દૂર છે. IPL 2025માં ધમાલ મચાવ્યા બાદ, સૂર્યા સ્પોર્ટ્સ હર્નિયાથી પીડાતો હતો, જેના કારણે તેને સર્જરી કરાવવી પડી હતી. એક તરફ ટીમ ઈન્ડિયા 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે છે, તો બીજી તરફ, ભારતીય T20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં હાજર છે. જ્યાં તેણે સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવી છે. જેની માહિતી સ્ટાર બેટ્સમેને પોતે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરી છે.
IPL 2025 પછી, સૂર્યકુમાર યાદવને સ્પોર્ટ્સ હર્નિયા સર્જરી માટે લંડન જવું પડ્યું. સૂર્યાની સર્જરી સફળ રહી છે, જેના પછી બેટ્સમેન તેની રિકવરી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. સર્જરી પછી, સૂર્યાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. જેના કેપ્શનમાં તેણે લખ્યું છે, "લાઈફ અપડેટ, પેટના નીચલા જમણા ભાગમાં સ્પોર્ટ્સ હર્નિયા માટે સર્જરી કરાવી. જણાવતા આનંદ થાય છે કે સફળ સર્જરી પછી, હું રિકવરીના માર્ગ પર છું. ક્રિકેટના મેદાનમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યો છું."
સ્પોર્ટ્સ હર્નિયા શું છે?
સ્પોર્ટ્સ હર્નિયામાં, ખેલાડીને કમર અને પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે. જે ખેલાડીઓ સતત રમતા રહે છે તેમને ઘણીવાર આ સમસ્યા થાય છે. દોડવા, વળવા અથવા લાત મારવા જેવી પ્રવૃત્તિઓને કારણે સ્પોર્ટ્સ હર્નિયાની સમસ્યા થાય છે. હર્નિયાનો દુખાવો ધીમે ધીમે શરૂ થાય છે અને જેમ જેમ તમે પ્રવૃત્તિ ચાલુ રાખો છો તેમ તેમ વધે છે.
IPL 2025માં સૂર્યકુમારનું પ્રદર્શન
IPLની 18મી સિઝન સૂર્યકુમાર યાદવ માટે ખૂબ જ ખાસ રહી હતી. જોકે તેની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં નહતી પહોંચી શકી, પરંતુ આ ખેલાડીએ પોતાની બેટિંગથી બધાનું દિલ જીતી લીધું હતું. સૂર્યાએ IPL 2025ની 16 મેચોમાં બેટિંગ કરતી વખતે 717 રન બનાવ્યા હતા, જે દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 167.91 હતી.
તેણે 18ની સિઝનમાં 5 અડધી સદી ફટકારી હતી. આ ઉપરાંત, તેના બેટમાંથી 69 ચોગ્ગા અને 39 છગ્ગા લાગ્યા હતા. આ સિઝનમાં તેનો હાઈએસ્ટ સ્કોર 73 રન હતો. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2025માં પ્લેઓફમાં પહોંચી હતી, પરંતુ ક્વોલિફાયર 2માં પંજાબ કિંગ્સ સામે હારીને ટીમને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.