Home / Sports : Indian player scored fastest T20 century then Vaibhav Suryavanshi

ભારતીય ખેલાડીએ 33 બોલમાં ફટકારી સદી, વૈભવ સૂર્યવંશી પણ રહી ગયો પાછળ

ભારતીય ખેલાડીએ 33 બોલમાં ફટકારી સદી, વૈભવ સૂર્યવંશી પણ રહી ગયો પાછળ

રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં 35 બોલમાં સદી ફટકારી હતી, જે લીગના ઈતિહાસમાં બીજી સૌથી ઝડપી સદી છે. મધ્યપ્રદેશ લીગમાં અભિષેક પાઠકે વૈભવ કરતા ઝડપી સદી ફટકારી છે, તેણે ફક્ત 33 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. પાઠકે આ વિસ્ફોટક ઈનિંગમાં 90 રન તો ફક્ત છગ્ગા ફટકારીને બનાવ્યા હતા. અભિષેક ભારતીય T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવનો મોટો ફેન છે. તેણે મેચ પછી જણાવ્યું હતું કે તે તેની પાસેથી શું શીખવા માંગે છે..

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અભિષેક પાઠક સૂર્યકુમાર યાદવનો ફેન છે, સૂર્યા પણ તેની ઇનિંગ જોઈને ચોક્કસપણે તેની પ્રશંસા કરશે. શનિવારે યોજાયેલી મેચમાં, બુંદેલખંડ બુલ્સ ટીમમાં સામેલ અભિષેકે કરણ તાહિલિયાની સાથે પ્રથમ વિકેટ માટે 178 રનની પાર્ટનરશિપ કરી, અભિષેક 13 ઓવર પછી આઉટ થઈ ગયો હતો પરંતુ તે પહેલાં તેણે બોલરોને સારી રીતે થાકાવ્યા હતા.

33 બોલમાં સદી ફટકારી

અભિષેક પાઠકે ૩૩ બોલમાં પોતાની સદી પૂરી કરી, તે અહીં જ ન અટક્યો, પરંતુ આ પછી પણ તેની વિસ્ફોટક ઈનિંગ ચાલુ રાખી. તેણે 48 બોલમાં 133 રન બનાવ્યા, આ ઈનિંગમાં તેણે 15 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. એટલે કે તેણે ફક્ત છગ્ગાથી જ 90 રન બનાવ્યા હતા.

બીજી ઓવરમાં 3 છગ્ગા ફટકાર્યા બાદ, અભિષેકે ચોથી ઓવરમાં રિતેશ શાક્યના બોલ પર સતત 4 છગ્ગા ફટકાર્યા. રિતેશે જબલપુર રોયલ લાયન્સ માટે સૌથી વધુ રન આપ્યા હતા, તેણે પોતાના 4 ઓવરના સ્પેલમાં 53 રન આપ્યા હતા. અનુભવ અગ્રવાલે 3 ઓવરમાં 43 રન આપ્યા હતા.

અભિષેક પાઠક સૂર્યકુમાર યાદવ જેવો બનવા માંગે છે

મેચ પછી અભિષેકે કહ્યું, "મેં13 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. મેં મધ્યપ્રદેશનું U16, U19 અને U23માં પ્રતિનિધિત્વ કર્યું હતું. હું સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ રમ્યો છું, આ સફર શાનદાર રહી છે. ગયા વર્ષે પણ મેં MPLમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ મને નથી લાગતું કે હું ટૂંક સમયમાં IPLમાં રમી શકીશ. મને જ્યાં પણ રમવાની તક મળી છે, હું ફક્ત સારું પ્રદર્શન કરવા અને વધુ રન બનાવવા વિશે વિચારું છું. હું સૂર્યકુમાર યાદવની જેમ સાતત્ય શીખવા માંગુ છું, તેના પર હું કામ કરી રહ્યો છું."

સોમવારે સેમીફાઈનલ

પહેલા બેટિંગ કરતા, બુંદેલખંડ બુલ્સે 246 રન બનાવ્યા હતા. જવાબમાં, જબલપુર રોયલ લાયન્સ ટીમ 227 રનમાં આઉટ થઈ ગઈ. બુંદેલખંડે મેચ 19 રનથી જીતી લીધી હતી. આજે રવિવારે લીગ સ્ટેજની છેલ્લી 2 મેચ છે, આવતીકાલે 23 જૂને મધ્યપ્રદેશ લીગની પહેલી અને બીજી સેમીફાઈનલ મેચ રમાશે. ટાઈટલ મેચ 24 જૂન મંગળવારના રોજ યોજાશે. બધી મેચ ગ્વાલિયરના શ્રીમંત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

Related News

Icon