
ભારતને હેડિંગ્લે લીડ્સ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે.આ હાર બાદ ટીમ ઇન્ડિયાની કેટલીક નબળાઇ સામે આવી છે. ભારતીય ક્રિકેટ ટીમ 2 જુલાઇથી બર્મિંઘહામમાં રમાનારી બીજી ટેસ્ટ મેચમાં કેટલાક બદલાવ જોવા મળી શકે છે. પ્રથમ ટેસ્ટ મેચમાં બુમરાહ સિવાય કોઇ પણ બોલર સારૂ પ્રદર્શન કરી શક્યો નહતો.
બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં થઇ શકે છે બદલાવ
2 જુલાઇથી એજબેસ્ટન,બર્મિંઘહામમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે. બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની નજર મેચ જીતીને ઇંગ્લેન્ડ સાથે બરાબરી કરવા પર હશે. બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક બદલાવ જોવા મળી શકે છે.
કરૂણ નાયરની જગ્યાએ ધ્રુવ જુરેલ
ભારતીય ટેસ્ટ ટીમમાં 8 વર્ષ બાદ કરૂણ નાયરની વાપસી થઇ પરંતુ તે સફળ થઇ શક્યો નહતો.પ્રથમ ઇનિંગ્સમાં ડક પર આઉટ થયા બાદ બીજી ઇનિંગ્સમાં માત્ર 20 રન જ બનાવી શક્યો હતો. નંબર 6 પર કરૂણ નાયરે નિરાશ કર્યા છે. કરૂણ નાયરની જગ્યાએ ધ્રુવ જુરેલને બીજી ટેસ્ટ મેચમાં તક મળી શકે છે. ધ્રુવ જુરેલ સારા ફોર્મમાં છે.
શાર્દુલ ઠાકુરને રિપ્લેસ કરી શકે છે કુલદીપ યાદવ
શાર્દુલ ઠાકુરનો પ્રથમ ટેસ્ટ મેચમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, શાર્દુલ ઠાકુર બેટિંગ કે બોલિંગ બન્નેમાં સફળ થઇ શક્યો નહતો. એવામાં ભારત પ્લેઇંગ ઇલેવનમાં કુલદીપ યાદવને સામેલ કરી શકે છે.
પ્રસિદ્ધ કૃષ્ણાનો વિકલ્પ બની શકે છે અર્શદીપ સિંહ
પ્રસિદ્ધ કૃષ્ણાને પ્રથમ ટેસ્ટમાં તક એટલા માટે આપવામાં આવી કારણ કે તે બોલથી ઉછાળ ઉભો કરશે પણ તેને લેન્થ પર બોલિંગ કરી નહતી માત્ર શોર્ટ બોલિંગ કરી હતી. પ્રસિદ્ધ કૃષ્ણામાં નિયંત્રણની કમી જોવા મળી હતી અને ઇંગ્લિશ બેટ્સમેનોએ તેની ધોલાઇ કરી હતી. આ સ્થિતિમાં ભારત બીજી ટેસ્ટ મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણાની જગ્યાએ અર્શદીપ સિંહનો સમાવેશ કરી શકે છે. જે ઇંગ્લિશ કંડીશનમાં બોલિંગ માટે વધારે યોગ્ય છે અને બોલને સ્વિંગ પણ કરાવી શકે છે.
બીજી ટેસ્ટ મેચમાં આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઇ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટ કીપર), ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ