
આજે એટલે કે 20 જૂને શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર ભારતીય ટીમની કેપ્ટનશિપ સંભાળશે. ભારતીય ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં તેને લીડ્સના મેદાન પર સિરીઝની પહેલી મેચ રમવાની છે. રોહિત શર્માની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ, સિલેક્ટર્સે શુભમન ગિલને આ ફોર્મેટમાં આગામી કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો હતો. હવે બધાની નજર શુભમન ગિલના પ્રદર્શન પર છે કે તે ઈંગ્લેન્ડ સામેની આગામી ટેસ્ટ સિરીઝમાં કેપ્ટન અને બેટ્સમેન તરીકે કેવું પ્રદર્શન કરશે. આ દરમિયાન મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું નિવેદન પણ આ અંગે સામે આવ્યું છે, જેમાં તેણે ગિલને મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે કે તેણે પોતાને બહારના અવાજથી દૂર રાખવાનો પ્રયાસ કરવો પડશે.
ભારતીય ટીમનું નેતૃત્વ કરવું ખૂબ જ તણાવપૂર્ણ કામ છે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થતાં પહેલા સમાચાર એજન્સી પીટીઆઈને આપેલા નિવેદનમાં સચિન તેંડુલકરે શુભમન ગિલ વિશે કહ્યું હતું કે, "મને લાગે છે કે શુભમનને સમય અને સપોર્ટ બંને આપવાની જરૂર છે, કારણ કે ભારતીય ટીમનું નેતૃત્વ કરવું ખૂબ જ તણાવપૂર્ણ કામ છે. તેને ઘણા સૂચનો મળશે કે તમારે આ કે તે કરવું જોઈએ. તેણે ફક્ત ટીમ માટે શું મહત્ત્વપૂર્ણ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ટીમના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા પડશે."
બહારના અવાજ પર ધ્યાન આપવાની જરૂર નથી
તેંડુલકરે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે શુભમન ગિલે કેપ્ટન તરીકે બહાર અવાજ પર ધ્યાન આપવાની જરૂર નથી. લોકો પોતાના મંતવ્યો આપતા રહેશે, પરંતુ અંતે જે મહત્ત્વનું છે તે એ છે કે ડ્રેસિંગ રૂમમાં વાતાવરણ કેવું છે અને ટીમના હિતમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા, બીજું કંઈ નહીં. ઈંગ્લેન્ડની પરિસ્થિતિઓ અંગે, સચિને ભારતીય ટીમના બેટ્સમેનોને પણ સલાહ આપી હતી કે તેઓએ પરિસ્થિતિઓ અનુસાર રણનીતિ બનાવવી પડશે. તેણે કહ્યું, "તમે અહીં એવી રીતે નથી રમી શકતા કે મારી રમત આ પ્રકારની છે અને હું આ જ રીતે રમીશ. બેટ્સમેનોએ થોડી ધીરજ રાખવી પડશે."