Home / Lifestyle / Health : Sahiyar: Coconut water is nectar in summer

Sahiyar: ઉનાળામાં અમૃતની ગરજ સારે નાળિયર પાણી

Sahiyar: ઉનાળામાં અમૃતની ગરજ સારે નાળિયર પાણી

ઉનાળાની ધોમધખતી ગરમીમાં ઘરથી બહાર નીકળવાની નોબત આવે ત્યારે ચોક્કસ પ્રકારની કાળજી રાખવી આવશ્યક બની જાય છે. ખાસ કરીને સનસ્ક્રીન લોશન લગાવવું, ગૉગલ્સ પહેરવાં, ત્વચાને સીધો તડકો ન લાગે એવાં વસ્ત્રો પહેરવા ઇત્યાદિ. આ તો થઈ બાહ્ય કાળજીની વાત. પરંતુ આંતરિક રીતે ટાઢક મેળવવા, શરીરને હાઈડ્રેટ રાખવા પણ કેટલીક તકેદારી આવશ્યક બની રહે છે. તેને માટે તમે પાણીની બૉટલ, ગ્લુકૉઝ ઇત્યાદિ લઈને નીકળો. પણ કાળઝાળ ગરમીમાં ગળું સુકાય, ડિહાઈડ્રેશન થાય ત્યારે આ પાણી અને ગ્લુકૉઝ ખતમ થઈ જાય તો શું કરવું? આના જવાબમાં નિષ્ણાતો કહે છે કે આવું બને કે ન બને, તમે દઝાડી નાખતી ગરમીમાં નાળિયેર પાણી પીને શરીરને હાઇડ્રેટ રાખી શકો છો. વાસ્તવમાં નાળિયેર પાણી શરીર માટે અત્યંત ફાયદાકારક હોય છે. તે શરીરને હાઈડ્રેટ રાખવા સાથે તમને અન્ય રીતે પણ સ્વસ્થ રાખે છે. જેમ કે..,

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હૃદયને રાખે સ્વસ્થ : નાળિયેર પાણીમાં પ્રચૂર પ્રમાણમાં પોટેશિયમ હોય છે જે હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગને અંકુશમાં રાખવામાં મદદ કરે છે.

ત્વચા નિખારે : નાળિયેર પાણી પીવાથી શરીર સાથે ત્વચા પણ હાઇડ્રેટ રહે છે. અને પૂરતી ભીનાશ ધરાવતી ચામડી પર ત્વચા રોગ થવાની ભીતિ આપોઆપ ઓછી થઈ જાય છે. નાળિયેર પાણી પીવાથી ત્વચામાં નિખાર આવવા સાથે ખિલ થવાની, લાલ ચકામા ઉપસી આવવાની સમસ્યા પણ ટળી જાય છે.

હાડકાં મજબૂત બનાવે : નાળિયેર પાણીમાં પૂરતા પ્રમાણમાં રહેલું કેલ્શિયમ હાડકાં અને દાંતને મજબૂત રાખે છે.

વજન ઘટાડે : નાળિયેર પાણીમાં ફેટની માત્રા નહીંવત્ હોય છે. સવારના નાળિયેર પાણી પીવાથી દિવસભર તાજગી અનુભવાય છે. સ્થૂળકાય લોકો ગરમીના દિવસોમાં ભારે અકળામણ અનુભવતાં હોય છે. પરંતુ નાળિયેર પાણી પીવાથી અનુભવાતી હળવાશ તેમને વધુ ખાતાં અટકાવે છે. આમ તેમને વજન ઓછું કરવામાં મદદ મળે છે.

- વૈશાલી ઠક્કર

Related News

Icon