
'હવે છોકરાને લઈ જાઓ.
એ હવે અંધારાથી નહીં ડરે.'
તુષાર દેસાઈ
પોળના બધા છોકરાઓમાંથી એક મોન્ટુ અંધારાથી ખૂબ ડરતો. ઘરમાં બધાં તેને હિંમત આપતા, પણ તે અંધારાથી ડર્યા જ કરે. એક રાત્રે તે સૂતો હતો તે રૂમમાં લાઈટ જતી રહી. એણે બૂમાબૂમ કરી મૂકી. મમ્મી-પપ્પા, બા, દાદા, મોટી બેન બધાં દોડી આવ્યાં.
મોન્ટુ કહે, 'અંધારામાં મારા ટી-શર્ટ કશુંક ઘુસી ગયું... મને તો ખૂબ જ બીક લાગે છે.'
પપ્પાએ તરત ટોર્ચ કાઢીને જોયું તો પલંગ પર પડેલા મોબાઇલ ચાર્જરનો વાયર મોન્ટુના ટીર્શટમાં સહેજ ઘુસી ગયો હતો. પપ્પાએ તરત વાયર દૂર કર્યો, પણ મોન્ટુનો ડર કેમેય કરીને ઓછો થાય નહીં.
દાદાજીએ જીદ પકડી, 'મંદિરમાં મોટા મહાત્માજી આવ્યા છે. તેમને બતાવી જોઈએ.'
મોન્ટુનાં પપ્પા મને, દાદી અને મોન્ટુને મહાત્માજી પાસે લઈ ગયા.
મહાત્માજીએ પ્રેમથી મોન્ટુ સામે જોઈને કહ્યું, 'છોકરો તો ડાહ્યો લાગે છે. એને કંઈ તકલીફ છે?' દાદીએ કહ્યું, 'એ અંધારાથી ખૂબ જ ડરે છે તેનો એ ભય દૂર થાય તેનું કંઈક કરી આપે.'
મહાત્માજીએ કહ્યું, 'તેને ત્રણ દિવસ પછી લઈ આવજો.' ત્રણ દિવસ પછી મોન્ટુને લઈને દાદી અને પપ્પા ફરી મહાત્માજી પાસે ગયા. મહાત્માજીએ એમના થેલામાંથી એક ડબી કાઢી. તેમાં એક નંગવાળી વીંટી હતી. મહાત્માજીએ મોન્ટુને સામે બેસાડયો. પછી તેની સામે જોઈ કંઈક મંત્રો ભણ્યા. ત્યાર બાદ એને નંગવાળી વીંટી પહેરાવી દીધી. દાદીને કહ્યું, 'હવે છોકરાને લઈ જાઓ. એ હવે અંધારાથી નહીં ડરે.'
મોન્ટુને લઈને પપ્પા અને દાદી ઘરે આવ્યાં. એ પછી બે વખત રાત્રે વિજળી જતી રહી, પણ મોન્ટુને અંધારામાં ડર ન લાગ્યો. દાદીમા ખુશ હતાં કે મહાત્માજીનો કિમીયો કામ કરી ગયો. મોન્યુએ પણ માની લીધું કે આ સઘળો મંતરેલી વીંટીનો જ ચમત્કાર છે.
એક મહિના પછી દાદી મોન્ટુને લઈને પાછાં મંદિરે ગયાં. મહાત્માજીને વંદન કરી, એમને મિઠાઈ વગેરે ધરી દાદીએ પૂછયું, 'આપે શું જાદુ કરી દીધો કે હવે મોન્ટુ અંધારાથી ડરતો જ નથી? અંધારું જ નહીં, એ હવે કશાયથી બીતો નથી.'
મહાત્માજીએ હસીને કહ્યું, 'મેં તેને જે વીંટી પહેરાવી છે તે બજારમાં મળતી સામાન્ય વીંટી જ છે. તેનું નંગ પણ કાચનો ટુકડો માત્ર છે, પણ મેં એેને વીંટી પહેરાવી એટલે તેને શ્રદ્ધા બેસી ગઈ. તેથી હવે તે અંધારાથી ડરતો નથી. બધાં મનના ખેલ છે અને શ્રદ્ધા મોટી વસ્તુ છે.'
જાદુ-ટોણા, મંતરેલી વીંટી જેવું કશું હોતું નથી.
દાદી આભારવશ નયને મહાત્માજીને જોઈ રહ્યા. મોન્ટુને પણ સમજાયું કે જાદુ-ટોણા, મંતરેલી વીંટી જેવું કશું હોતું નથી. મારે વીંટી પહેરવાની કશી જરૂર નથી. માત્ર મન મક્કમ કરવાનું હોય છે. મોન્ટુએ નક્કી કર્યું કે ક્યારેય મનમાં નબળા વિચારો કરશે નહીં અને કશાયથી ડરશે નહીં.