થોડા દિવસો પહેલાં વિધાનસભામાં યોજાયેલા સન્માન સમારોહમાં વિક્રમ ઠાકોર સહિત ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન આપતાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ સરકારે વિક્રમ ઠાકર સહિત ગુજરાતમાંથી અનેક કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યા છે. આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે હિતેન કુમાર, હિતુ કનોડિયા અને મોના થીબા પહોંચી ચૂક્યા છે. પરંતુ વિક્રમ ઠાકોર પહોંચશે કે કેમ તે અંગે કન્ફોર્મેશન નથી. સરકારે વિક્રમ ઠાકોર, સાગર પટેલ, મલ્હાર ઠાકર સહિતના 1000થી વધુ કલાકારો અને સંગીતવાદકોને ગૃહની કામગીરી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
વિક્રમ ઠાકોરને સૌથી પહેલાં આમંત્રણ આપવામાં આવ્યું
વિક્રમ ઠાકોરની ગુજરાત વિધાનસભામાં હાજરીને લઇને હિતુ કનોડિયાએ જણાવ્યું છે કે વિક્રમ ઠાકોરને સૌથી પહેલાં આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ વિક્રમ ઠાકોરે કન્ફર્મ નથી કર્યું કે આવશે કે નહી આવે. બધા જ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે, જે કલાકારો શૂટિંગમાં વ્યસ્ત છે તે આવી શકશે નહી. જે કલાકારોનું કન્ફોર્મેશન હશે, અત્યારે તે કલાકારોનું લિસ્ટમાં નામ હશે. આમંત્રિત તો હજાર કલાકારને કર્યા છે. આવવાના છે અને જેમને કન્ફોર્મ કર્યું છે તેમનું લિસ્ટમાં નામ છે. વિક્રમ ઠાકોરે કન્ફોર્મેશન આપ્યું નથી, પરંતુ તેમને ચોક્ક્સ આમંત્રિત કરવામાં આવ્યા છે. આવતીકાલ માટે પણ તેમને આમંત્રણ આપ્યું છે. પરંતુ તેમના કન્ફોર્મેશનની રાહ જોવાઇ રહી છે.
શું હતો સમગ્ર મામલો?
ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.