
- હરતાં ફરતાં
બરતરફ કરાતી વ્યક્તિ માટે સેક્ડ શબ્દ શા માટે વપરાય છે ?
બરતરફ કરાતી વ્યક્તિ માટે અંગ્રેજીમાં 'સેક્ડ' શબ્દ વપરાય છે. આ સેક્ડ શબ્દ કેમ વપરાતો હશે? સેક એટલે તો કોથળો એવો અર્થ થાય છે. ચીનના અમુક પ્રદેશમાં નાનીથી મોટી સાઇઝના કોથળા વપરાતા હતા. કેટલીક વખત પુરાણા ચીનમાં પત્ની બહુ કકળાટ કરે તો તેને કોથળામાં બાંધીને નદીમાં ફેંકી દેવાતી હતી. તે ઉપરથી સેક્ડ શબ્દ આવ્યો. તુર્કીમાં એક બોસ્ફોરસ નામનો જળમાર્ગ હતો તેમાં તુર્કી લોકો વણગમતી સ્ત્રીને કોથળામાં બાંધીને ફેંકી દેતા. યુરોપમાં પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં મજૂરોની તંગી હતી. ખેતીવાડીમા મજૂરોને એક વર્ષ માટે કોન્ટ્રેક્ટથી રાખતા. પછી જ્યારે તેમને નોકરીમાંથી કાઢી મુકાય ત્યારે ખેડૂત-માલિક તરફથી મજૂરને એક કોથળો ભરીને તેની ઘરવખરી કે સામાન પાછો અપાતો. એટલે યુરોપમાં એ રીતે કોઈને રુખસદ અપાય ત્યારે સેક્ડ શબ્દ વપરાય છે.
ફિલ્મ જાઇને પ્રેમી બન્યો ડ્રેક્યુલા!
ઘણી વખત વાસ્તવિકતા કલ્પના કરતાં પણ વધુ ભયાવહ બની જતી હોય છે. સાન ફ્રાન્સિસ્કોના એક ૨૫ વર્ષીય યુવાને ડ્રેક્યુલાની ફિલ્મ એની ગર્લફ્રેન્ડ લીસા સ્ટેલવાગન સાથે જોઈ હતી. ઘરે આવીને બીજા દિવસે એણે લીસાના શરીર પર ચપ્પુના સાત ઊંડા વાર કર્યા અને ગર્લફ્રેન્ડનું લોહી ચૂસી ગયો. બન્ને મિત્રો છેલ્લાં આઠ વરસથી સાથે રહેતાં હતાં. યુવાન ડેમિયલ સ્ટલિંગે કબૂલ કર્યું છે કે ફિલ્મ જોઇને એની ગર્લફ્રેન્ડનું લોહી પીવાની પ્યાસ એના મનમાં જાગી હતી. ઘણા લોકો કહે છે કે અમે તો ફિલ્મ જોઈને ભૂલી જઇએ. મગજ ઘરે મૂકીને ફિલ્મ જોવા જતા હોઇએ છીએ. પણ જ્યારે મગજ ઘરે મૂકીને ફિલ્મ જોવા જાઓ ત્યારે ખાલી પડેલી જગ્યામાં ફિલ્મ ભરાઈ જતી હોય છે. અને આવી રીતે ક્યારેક ખતરનાક સ્વરૂપે બહાર આવતી હોય છે.
દારૂ પીઓ અને મફતમાં ચુંબન મેળવો!
દારૂના પીઠા ચલાવતી એક સ્પેનિશ કંપનીએ પોતાનો વકરો વધારવા એક નવો તુક્કો લડાવ્યો આ કંપનીએ જાહેર કર્યું કે તેમના પીઠામાં દારૂ પીવા આવનાર પ્રત્યેક જણને પ્રત્યેક ડ્રિન્ક સાથે એક ચુંબન બિલકુલ મફત મળશે. સ્પેનના કેટેલોનિયન કાંઠા પર દારૂનાં પીઠાંઓની શૃંખલા ધરાવતી આ કંપનીએ પોતાની આ યોજના માટે વીસ યુવતીઓને ચુંબન આપવાની નોકરી પર રાખી છે. આ યુવતીઓએ નોકરી પર જોડાતાં પહેલાં જ કેટલીક નાજુક અને મહત્ત્વની શરતો મૂકી હતી અને કંપનીએ તે શરતો મંજૂર પણ રાખવી પડી હતી. તેમાંની એક શરત આ પ્રમાણે હતી : 'ડ્રિન્ક મેળવનાર વ્યક્તિ ચુંબન મેળવવાની હાલતમાં છે કે નહીં તે અમે (ચુંબન કન્યાઓ) નક્કી કરીશું...' પણ મોંઘો દારૂ અને નિ:શુલ્ક ચુંબન એ બે જાખમી બાબતો ભેગી થાય ત્યારે પૈસા વસુલ કરી લેવાની લાયમાં અને કુદરતી આવેગના જોશમાં ગ્રાહકનો હાથ અંકુશમાં ન રહે તો પ્રોબ્લેમ થઈ જાય... આ જોખમને ધ્યાનમાં રાખીને કંપનીએ ચુંબનગિફ્ટ
આપતાં પહેલાં ગ્રાહકને હાથકડી પહેરાવવાની વ્યવસ્થા રાખી છે. એ રીતે જોઇએ તો ચુંબન સાવ મફતમાં નથી મળતું... એ માટે હાથકડી પહેરવી પડે છે. બીજી રીતે કહીએ તો ગ્રાહકે જાહેર ગુનાની સજારૂપે હાથકડી પહેરવી પડે છે, પરંતુ આવી સજા છતાં આ પીઠામાં ગ્રાહક એક પછી એક 'ગુના' કરવા આતુર રહે છે.
વાળ બરાબર ન કાપ્યા તો વકીલે કોર્ટમાં કેસ કર્યો
લંડનમાં વાળના નિષ્ણાતોના મંડળનું નામ ઇન્સ્ટિટયૂટ ઓફ ટ્રાયકોલોજિસ્ટ છે. તેની સામે બ્રિટનમાં 'હેરડ્રેસર્સ ઇન્શ્યોરન્સ બ્યુરા' નામની સંસ્થા છે. વાત એમ છે કે બ્રિજેટી ગોફ નામની યુવતી લંડનના હેરડ્રેસિંગ સલૂનમાં વાળ સારા કરાવવા ગઈ અને હેર ડ્રેસરે ગફલત કરી. બિચારા વાળંદને ખબર નહી કે તેની ઘરાક સોલિસિટર છે. વાળ સારા બન્યા નહીં તેથી સોલિસિટર બ્રિજેટીએ હેરડ્રેસર સામે કોર્ટમાં દાવો માંડીને તેના વાળ બગાડવા માટે રૂ. અઢી લાખનો દાવો કર્યો. વાળ બગાડયા છે કે નહીં તેની સાક્ષી વાળના નિષ્ણાતોનું મંડળ ઇન્સ્ટિટયૂટ ઓફ ટ્રાયકોલોજિસ્ટ આપે છે અને વાળંદને બચાવ હેરડ્રેસર્સ ઇન્શ્યોરન્સ બ્યુરો કરે છે!
23નો આંકડો શું ખરેખર અસામાન્ય છે ?
વિલિયમ બરો નામનો પત્રકાર તેને ઘરે બેઠો હતો ત્યારે કેપ્ટન કલાર્ક નામનો દરિયાઇ સફરી આવીને બડાઇ મારી ગયો કે તે ૨૩ વર્ષથી દરિયાનો પ્રવાસ કરે છે પણ તેની સ્ટીમરને કદી જ અકસ્માત નડયો નથી. એમ કહીને પછી કેપ્ટન કલાર્ક રવાના થયો તે દિવસે જ તેની સ્ટીમર ડૂબી ગઈ અને બધા ઉતારુ પણ કેપ્ટન સાથે ડૂબી ગયા. તે દિવસે ૨૩મી તારીખ હતી પત્રકાર વિલિયમ બરો આ વાત વિચારતો હતો ત્યારે જ તેને રેડિયો ઉપર સમાચાર મળ્યા કે ફલોરિડા રાજ્યમાં ફલાઇટ નં. ૨૩ જતી હતી તે વિમાન તેના પાઇલટ કલાર્ક સાથે તૂટી પડયું હતું. આ પાઇલટનું નામ પણ કલાર્ક હતું અને ફલાઇટ નંબર પણ ૨૩ હતો. સાયન્સ ફિકશન એટલે કે વિજ્ઞાાનને લગતી વાર્તા લખનારા અંગ્રેજ લેખક રોબર્ટ એન્ટન વિલ્સને ૧૯૬૫ની સાલથી ૨૩ના આંકડા ઉપર પોતાનું ધ્યાન પરોવ્યું. તો તેને ઘણાં વૈજ્ઞાાનિક તથ્યો પણ મળ્યાં. દાખલા તરીકે, સ્ત્રી અને પુરુષોનું સર્જન થાય છે ત્યારે ગર્ભબીજમાં ૨૩ ગુણસૂત્રો (ક્રોમોઝોમ) હોય છે. માનવીનો સ્વભાવમાં મિજાજ બદલાવાનો નિયમિત સાઇકલ ૨૩ દિવસનો છે. સ્ત્રીને ૨૩મા દિવસથી માસિકસ્ત્રવનો અહેસાસ થાય છે. જ્યોમેટ્રીના યુકલીડનો સિદ્ધાંત ૨૩ જેટલાં વચનસૂત્રથી શરૂ થાય છે. હજારો વર્ષથી તુરીનનું જે કફન સાબૂત રહ્યાં છે તે ૨૩ ડિગ્રીએ રખાયું છે. સાઇબિરિયામાં મોટો ધડાકો થયેલો તેના અવાજનો ગુણાંક ૨૩નો હતો. ખ્રિસ્તી ધર્મમાં મરણ વખતે ૨૩મો અધ્યાય બોલાય છે.
- વિક્રમ વકીલ