
- હરતાં ફરતાં
- વિક્રમ વકીલ
ભા રતમાં રેલવે સ્થપાઈ તેનો ઇતિહાસ જોઇશું તો અક નવી જ વાત જાણવા મળશે. આજથી લગભગ ૧૭૭ વર્ષ પહેલાં બ્રિટિશ ઇજનેર રોલેન્ડ સ્ટિફનસને ભારતમાં રેલવે નાખવાની યોજના મનમાં વિચારી. સ્ટિફનસનના બાપે એક મોટો ભ્રષ્ટાચાર કર્યો હતો. બાપ તેની પેઢીના ભાગીદારને છેતરીને તમામ રોકડ લઇને નાસી ગયો હતો. રોલેન્ડ સ્ટિફનસન જુવાન થયો ત્યારે તેને તેના બાપનું કલંક ભૂંસવું હતું. આ કલંક ભૂંસવા માટે એક મોટી યોજના કરીને નામ કમાવું હતું. રોલેન્ડ સ્ટિફનસને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને યોજના બતાવી કે કલકત્તાથી ટ્રેનમાં બેઠાં બેઠાં લંડન પહોંચાય તેવી રેલવે લાઇન નાખવી. આ ટ્રેનમાં માત્ર બે વખત જ સ્ટેશનો બદલવાં પડે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સ્ટિફનસનની યોજનાને મજાકમાં હસી કાઢી તેથી સ્ટિફનસને ઇજનેરી વિદ્યા છોડી દીધી અને લંડનમાં પત્રકાર બની ગયો હતો. સ્ટિફનસને લંડનનાં અખબારોમાં લેખ લખવા માંડયા અને ભારતમાં રેલવે સ્થાપવાથી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને કેટલો ફાયદો થશે તેના આંકડા રજૂ કરવા માંડયા. કહેવાની જરૂર નથી કે ૧૭૭ વર્ષ પહેલાં ભારતમાં રેલવે લાઇન નહોતી. આખરે સ્ટિફનસનની રેલવેની અમુક યોજના ઇસ્ટ ઇન્ડિયા કંપનીઅ સ્વીકારવી પડી અને ૧૭ ઑગસ્ટ ૧૮૪૯માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીઅ રેલ્વે માટેની કંપની સ્થાપી. આ રીતે સ્ટિફનસને તેના બાપના ભ્રષ્ટાચારનું કલકં ભૂંસી નાખ્યું.
ડોલરોનો વરસાદ વરસાવનાર સનકી અમેરિકન
મિશીગન રાજ્યના મસ્કેગોન શહેરમાં ૨૭ વર્ષનો એક યુવાન ચટ્ટાપટ્ટાવાળો સૂટ પહેરીને અને હાથમાં સફેદ મોજાં પહેરીને તેની લિમોઝીન ગાડીમાંથી બહાર નીકળ્યો. તેના હાથમાં પાંચ અને દસ ડાલરની નોટોના થોકડા હતા. તેણે આ નોટો રસ્તે પસાર થનારા બધાને વહેંચવા માંડી. લોકોને નોટ લઈને કુતૂહલ થતું હતું. બૅન્કમાં ચકાસણી કરતાં નોટો સાચી હતી. બે દિવસ પછી છાપામાં જાહેરાત આવી કે આ માણસ ફરીથી અમુક જગ્યાઅ નોટો વહેંચશે. અમેરિકનોમાં જે ખૂબ સમૃદ્ધ ગણાય છે તેવા ૫,૦૦૦ અમેરિકનો મસ્કેગોન શહેરના ચોકમાં એકઠા થઈ ગયા. મર્સિડિઝ અને કેડિલેડ ગાડીવાળા પાંચ હજાર અમેરિકનોઅ ૪૫ મિનિટ ટ્રાફિક જામ કરીને પેલા ચક્રમ માણસની વહેંચેલી નોટો માટે પડાપડી કરી હતી. ટ્રાફિક જામ થતાં પોલીસ આવી અને તેને પકડી ગઈ. આ માણસે કહ્યાં : ''મારે જે લોકોને પૈસાની જરૂર હોય તેને આપવા છે.'' પોલીસે છોડી દીધા પછી આ માણસ ઘણી રેસ્ટોરાંમાં જઈને ૨૦ ડાલરની નોટો વહેંચતો હતો.
ઍક્સરે નજરની મગજમારીનો સુઃખદ અંત!
થોડા સમય પહેલાં ઓટાવા શહેરમાં લોરેન રોડા નામની ઍક મહિલાને એક દિવસ અચાનક અવું સમજાયું કે તેની નજર તો ઍક્સ-રે જેવી થઈ ગઈ છે, એ તો વસ્ત્રોની આરપાર જોઇ શકે છે. તેણે તરત લોકો સમક્ષ જાહેરાત કરી કે 'મારી નજર વસ્ત્રોની આરપાર બધું જ જાઈ શકે છે.' આ સાંભળીને લોકો તેના અનુયાયી બનવાને બદલે સીધા જ દોટ મૂકીને તેનાથી દૂર ભાગ્યા. કેટલાક કટ્ટર તર્કવાદીઓએ લોરેનના દાવાને પડકાર્યો. ૨૭ વર્ષની લોરેનને હાડોહાડ લાગી આવ્યું. તેણે કહ્યાં ઃ 'એક જ મિનિટ. હું હમણાં જ સાબિત કરી આપીશ કે હું કાપડની આરપાર જોઈ શકું છે.' લોરેન તરત જ પોતાની કારમાં બેસી ગઈ. તેણે આંખ પર ચુસ્ત રીતે પાટો બાંધી દીધો અને કાર ચલાવી. લોરેનની કાર થોડી જ ચાલી હશે ત્યાં એક રાહદારીના પગના અંગૂઠા પરથી લોરેનની કારનું પૈડું ફરી વળ્યું. અને પછી તરત, રસ્તા પર લાઇનમાં ઊભેલી ત્રણ કારમાંની છેલ્લી કાર સાથે લોરેનની કાર અથડાઈ. એ ત્રણમાંની એક કાર પોલીસની હતી. બેજવાબદાર ડ્રાઇવિંગ બદલ લોરેનને ૪૦૦ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો. આમ તો અકસ્માત દુખદ બાબત હોય છે, પરંતુ લોરેને કરેલા અકસ્માતને લોકો અત્યંત સુખદ ગણે છે, કારણ કે એ અકસ્માત બાદ હવે લોકોને લોરેનની નજર સામેથી પસાર થવામાં સંકોચ નથી થતો.
મનોરોગથી પણ ફાયદો!
બ્રસેલ્સના આલ્ફ્રેડ ડેવિડ નામના એક ભાઇને અજબ પ્રકારનું વળગણ લાગુ પડયું છે. તે એવું માનવા લાગ્યો છે કે તે પેંગ્વિન છે. થયું એવું કે થોડા સમય પહેલાં આલ્ફ્રેડને અક અકસ્માત નડી ગયો અને તેમાં તેને જીવનભરની ખોડ રહી ગઈ. ત્યાર પછી બહુ હાલવુંચાલવું ન પડે તે માટે તેણે ટેક્સી ચલાવવાનું શરૂ કર્યું. એવામાં ધીમે ધીમે તે માનવા લાગ્યો કે તે પેંગ્વિન છે. હવે તે એટલી હદે પેંગ્વિનમય થઈ ગયો છે કે તે પેંગ્વિનની ચામડી જેવો જ, બ્લેક ઍન્ડ વ્હાઇટ પેંગ્વિન સુટ પહેરે છે. પેંગ્વિનની માફક આલ્ફ્રેડ પણ હવે સાર્ડિન માછલી જ ખાય છે. પેંગ્વિન જેવી દેખાતી અસખ્ય ચીજવસ્તુઓનો સંગ્રહ કરીને તેણે પોતાના ઘરને પેગ્વિન મ્યુઝિયમ બનાવી દીધું છે. લોકો આ મ્યુઝિયમ જાવા રીતસર લાઇનમાં ઊભા રહે છે. આલ્ફ્રેડના સાચા મિત્રો અને હિતેચ્છુઓ તેને સલાહ આપે છે કે તેણે પેગ્વિન હોવાના ભ્રમમાંથી છૂટવા માટે મનોચિકિત્સકને મળીને આ રોગની સારવાર કરવી જાઇએ. પરંતુ આલ્ફ્રેડને આ 'રોગ' એટલો બધો ફાયદો કરાવી રહ્યા છે કે તેને સાજા થવાની કોઈ જરૂર લાગતી નથી.
ઓઝોનના આવરણમા ગાબડું અને શુભ સમાચાર
ઓઝોનના આવરણના દક્ષિણ ધ્રુવ નજીક આવેલા હિસ્સામાં મોટું ગાબડું પડયું છે, જેણે સંશોધકો કહે છે તે પ્રમાણે, અત્યારે વિક્રમ સર્જક કદ ધારણ કર્યું છે. આ ગાબડાનું ક્ષેત્રફળ અત્યારે વધીને એન્ટાર્કટિકા કરતાં બમણું થઈ ગયું છે. સદ્ભાગ્યે ઓઝોનના ગાબડા તરફ આવતો પૃથ્વીનો ઘણો ખરો ભાગ નિર્જન છે. જોકે ન્યુઝીલેન્ડ અને દક્ષિણ અમેરિકાની સાવ છેવાડે રહેતા લોકો સામે થોડું ઘણું જોખમ ઊભું થયું છે ખરું. ગાબડું ક્રમશઃ અના મહત્તમ કદ તરફ આગળ વધી રહ્યાં છે. એક વાર અનો એરિયા મેક્સિમમ થઈ જશે પછી ગાબડું સંકોચાવાનું શરૂ કરી દેશે.'' ઓઝોનનું ગાબડું આમ તો ત્રીસ વર્ષથી મોટું થઈ રહ્યાં છે, પણ હવે તેના વિસ્તરણની ગતિ ધીમી પડી ગઈ છે. અલબત્ત, ઓઝોનનું લેયર પાછું પૂર્વવત્ થવા લાગ્યું છે કે કેમ તે ખાતરીપૂર્વક કહેવા માટે હજી કેટલાક વર્ષ રાહ જાવી પડશે.