
- એન્ટેના
- અઢી ટકાના જરૂરી લેવલ સામે પાથી અડધો ટકાથી નીચે આવી ગયું હોવાથી ખેડૂતો માટે ખતરાની ઘંટડી
રાસાયણિક ખાતર અને રાસાયણિક જંતુનાશકોનો બેફામ ઉપયોગ ખેડૂતોએ કર્યો હોવાથી ખેતીની જમીનમાં હવે કાર્બનનું સ્તર ૦.૨થી ૦.૪ ટકાની સપાટીએ આવી ગયું છે. ખેતઉપજ સારી મેળવવા માટે ઓછામાં ઓછું કાર્બન લેવલ ૦.૮થી ૧.૫ તો હોવું અનિવાર્ય છે. કાર્બનનું લેવલ ૨.૫થી ૩ સુધી પહોંચી જાય તો ખેતઉપજ આપોઆપ જ બમણી કે અઢી ગણી થઈ શકે છે. પરંતુ ગુજરાત અને ભારતની ૫૦ ટકાથી વધુ જમીનમાં સોઈલ કાર્બનનું પ્રમાણ અડધા ટકાથી પણ ઘણું ઓછું હોવાનું ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ-આઈસીએઆરનું કહેવું છે. આમ કાર્બનનું લેવલ સુધારવા પગલાં ન લેવામાં આવે તો ૫૦ ટકા જમીનમાં પાક જ લઈ શકાશે નહિ.
હા, જમીનની ફળદ્રુપતા માટે નાઈટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ ઉપરાંત કાર્બન મહત્વનો છે. ખેતરની જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે તો તેમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશિયમનું લેવલ આપોઆપ જ વધે છે. કાર્બનને જમીનમાંના પોષક ઘટકો માટેનો હોજ ગણવામાં આવે છે. કાર્બનનું લેવલ સારું હોય તો તે પાકને માટે જોઈતા નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશિયમ સતત આપ્યા જ કરે છે.
જમીનમાં કાર્બનનું લેવલ સારું હોય તો તે જમીનમાં કુદરતી રીતે જળ સંચય વધારે થાય છે. પરિણામે અનિયમિત વરસાદ પડે ત્યારે કે વરસાદ ન પડે અને દુષ્કાળની સ્થિતિ નિર્માણ થાય ત્યારે પણ જમીનમાં સંગ્રહાયેલા પાણીની મદદથી ઊભો પાક પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી શકે છે. જમીનમાં કાર્બન વધારે હોય તો જમીન છિદ્રાળું વધુ રહે છે. છિદ્રાળુ જમીનમાં હવા પણ અંદર પ્રવેશી શકતી હોવાથી કોઈપણ પાક લેવા માટે બીજ નાખ્યા પછી બીજ અંકુરિત થાય અને તેના મૂળ આવવા માંડે ત્યારે મૂળ વધુ સારી રીતે જમીનમાં સ્થાન જમાવી શકે છે.
બીજું, મૂળ સારી રીતે ઝામી જાય તો તે જમીનને ઘસારો ઓછો લાગે છે. જમીનને ઘસારો ઓછો લાગે તો તે જમીનમાં પોષક તત્વો જળવાઈ રહે છે.
જે જમીનમાં કાર્બન વધુ હોય તો તે જમીનની અંદર ખેતીને ઉપયોગી બેક્ટેરિયાની સંખ્યા વધી જાય છે. જમીનમાંના આ બેક્ટેરિયા જમીનમાંની ઓર્ગેનિક મેટરના સડવાની પ્રક્રિયાને વેગ આપે છે. પરિણામે જમીનમાં નવા પોષક ઘટકો પેદા થવાની સાઈકલ વધુ સારી રીતે ચાલતી જ રહે છે. કાર્બનનું લેવલ ૦.૫ ટકાથી ઓછું હોય તે જમીનને અત્યંત નબળી કે ફળદ્રુપતાવિહીન જમીન ગણાય છે. જમીનમાં ૦.૫થી ૦.૭૫ ટકા કાર્બન હોય તે જમીનને મધ્યમ ફળદ્રુપતા ધરાવતી જમીન તરીકે ઓળખાવવામાં આવે છે. તેમજ ૦.૮થી ૧.૫ ટકા કાર્બનનું લેવલ ધરાવતી જમીનને સારામાં સારી ફળદ્રુપતા ધરાવતી જમીન તરીકે જોવામાં આવે છે.
જમીનમાં કાર્બનનું પ્રમાણ વધે તે માટે એઝોસ્પિરિલમ રિહ્જોબિયમનો ઉપયોગ કરો. તેનાથી જમીનમાંના બેક્ટેરિયા સક્રિય થાય છે.
- વિવેક મહેતા