
- સ્પેક્ટ્રોમીટર
- સિનેમા પર લખનારા અને 'ગુજરાત સમાચાર'ના એક્રેડેટિડ પ્રેસ પ્રતિનિધિ તરીકે વિશ્વના સૌથી ભવ્ય ફિલ્મ ફેસ્ટિવલમાં આમંત્રિત પ્રથમ ગુજરાતી તરીકે શું જોયું ?
''હંમેશા સરમુખત્યાર શાસકોને કળા અને કલાકારો ગમ્યા નથી એ એમને ધમકી જેવા ભયજનક લાગે છે, કારણ કે એમને (જૂઠના સ્વાંગમાં પરોવીને કાલ્પનિક સૃષ્ટિમાં પણ) સાચું કહેતા આવડે છે. કારણ કે, કળા હંમેશા વૈવિધ્ય અને લાગણીઓને પ્રોત્સાહન આપે છે. અમારે અમેરિકામાં અમે આવા જ એકને અમારી પર રાજ કરવા ચૂંટી કાઢ્યો છે (ટ્રમ્પ), જે આપોઆપ બધી કળાનો સ્વામી થઈ બેઠો છે. કળાનું મૂલ્ય ન આંકી શકાય પણ ટેરિફ જરૂર લઈ શકાય, એવું એ ઘનચક્કર માને છે. અહીં એકઠા થઈને મજાઓ કરીએ, એમ સમય છે કે એક બનીને આવી તરંગી તાનાશાહી માનસિકતા સામે મજબૂત વિરોધ કરીએ. કમસે કમ બહાર નીકળી એની વિરૂદ્ધમાં મોકો મળે ત્યારે વોટ કરીએ, જગત આખામાં આવું આપખુદ ધુ્રવીકરણ થઈ રહ્યું છે. હિંસક બન્યા વિના પૂરા જોશ અને મક્કમતાથી આપણો અવાજ (કળા થકી) મજબૂત કરવો પડશે એની સામે!''
જે નગરમાં ઇમારતોની દીવાલો એક સમયે એ ફેસ્ટિવલમાં પ્રીમિયર થયેલી માર્ટિન સ્કોર્સેઝીની 'ટેક્સી ડ્રાઇવર'થી ચિતરાયેલી હોય, એવા દક્ષિણ ફ્રાન્સના નીલરંગી દરિયાકાંઠાના રળિયામણા ગામ કાન (વન્સ અગેઇન, કેન્સ કે કાન્સ બોલોલખો છો, મતબલ તમે ના એ ફેસ્ટિવલ કે ગામમાં ગયા છો, ના એને લગતી ફિલ્મો કે ઇન્ટરવ્યૂઝ જોયા છે! કાન જ બધા સેલિબ્રિટીઝ પણ ફ્રેન્ચ હોઈ બોલે લખે છે. ઉચ્ચારોમાં બીજી ભાષાના અપભ્રંશ સ્વીકાર્ય પણ ઓસ્કારનું ઓલપાડ થઈ જાય તો કેવું ભદ્દું લાગે?)માં ૮૧ વર્ષે ઉદ્ધાટન સમારંભમાં સન્માનિત અમેરિકન અભિનેતા રોબર્ટ ડી નીરોની સ્પીચનો આ સારાંશ છે. નીરોને એ બહુમાન આપવા માટે પણ સરપ્રાઇઝીંગલી લિયોનાર્દો દ કેપ્રિયો ખાસ હાજર રહેલો. ફર્સ્ટ ગાલા નાઇટની એ ઝાકઝમાળ પ્રીમિયર ઇવેન્ટ હતી. રેડ કાર્પેટ પર પૂરા ધ્યાન સાથે મ્યુઝિક ને સંખ્યાબંધ ફોટોગ્રાફર્સની ક્લિકસ સાથે એન્ટ્રી લેતી અપ્સરાઓ અને ચિચિયારીઓ કરતી, છતાં યુરોપિયન ફિલ્મલવર્સની બહુમતી ધરાવતી હોઈને એકદમ શિસ્તબદ્ધ એવી ભીડ ! આસપાસ દરિયો, લહેરાતા પામ ટ્રીઝ (નાળિયેરી પણ પામ કુળનું ઝાડ છે, પણ બધા પામ નાળિયેરી નથી હોતા!) નજીક જગતની સુપરબ્રાન્ડસની ફેશનની દુકાનો અને બાકીની શેરીઓમાં વાઈનથી છલકાતી રેસ્ટોરાં ને વિરાટ હોટલો.
રીતસરનો મેળો જ ભરાયેલો હોય એવો માહોલ હોય છે, કાન ફિલ્મ ફેસ્ટિવલમાં. દર વર્ષે મે મહિનામાં થતો હોઈને હોટલના ભાવ પણ ઉંચકાયેલા જ હોય છે. છતાં કીડીને કણ, હાથીને મણ મળી રહે છે, કારણ કે આ ફિલ્મ ફેસ્ટિવલ જ ગામની જીવાદોરી છે, ટુરિઝમની ઇન્કમ છે. એ ન ચાલતો હોય તો પણ લોકો ફોટા પડાવવા ને ઓફિશ્યલ મર્ચન્ડાઇઝિંગનાં સોવેનિઅર્સ લેવા ત્યાં આવતા રહે છે. ઓલ્ડ ટાઉન તો થોડું દૂર છે, પણ ટોય ટ્રેન જેવી ટ્રેનમાં બેસીને વિહરતા રહે છે.
ફેસ્ટિવલના વિવિધ પ્રકારના આમંત્રિતો પોતપોતાની કેટેગરી મુજબનો બેજ ગળામાં સૂટ કે ગાઉન ઉપર લટકાવીને ફરે છે, જેથી એ અલગ તરી આવે સામાન્ય પ્રેક્ષકોથી. કાન ફિલ્મ ફેસ્ટિવલે ઓરેન્જ ડ્રેસમાં છોકરીઓ ને ડાર્ક બ્લેક સૂટમાં છોકરાઓ ચોવીસે કલાક વોલેન્ટીઅર્સ તરીકે રાખ્યા છે, જે અંગ્રેજી સમજી શકે ને માર્ગદર્શન આપી શકે.
ફ્રેન્ચમાં 'મુખ્યાલય' જેવી મોટી ઇમારતોને પલાઇસ (પેલેસ, મહેલ) કહેવાય છે. કાનના દરિયાકાંઠે આવો પેલેસ છે જેમાં ઓફિસો છે, શોપ છે, અલગ અલગ સ્ક્રીનિંગના રૂમો છે. બે વિશાળ થિએટર છે. ડિબસી અને સિનેમાના ફ્રેન્ચ શોધક લૂમિયેની યાદમાં પંદરસોને સમાવી શકતું સ્ટેજ ધરાવતું ગ્રાન્ડ થિયેટર લૂમિયે. પ્રોજેક્શન ને ખાસ તો સાઉન્ડ ધ બેસ્ટ ડોલ્બો એટમોસને ઝાંખો પાડે એવો. આટલા લોકો આવે છતાં ચોખ્ખાઈ પણ એટલી. વ્હાઇટ માર્બલ ચોખ્ખોચણાક લાગે ચાલતી વખતે. બાજુના બગીચામાં મધરાત સુધી ચહલપહલ ચાલે છતાં કચરો કે વનસ્પતિઓને કોઈ નુકસાન નહિ. નજીક ધમધોકાર પાર્ટી ડ્રિન્ક ને ડાન્સની રેલમછેલ સાથે ચાલતી હોય પણ ન્યુઝની ભાષામાં કહીએ તો 'અનીચ્છનીય ઘટના' બને એવો કોઈ માહોલ નહિ. ગળથૂથીમાં જાહેર શિસ્ત ભણીને આવતી પશ્ચિમની પ્રજા એવી કે ચાલુ ફિલ્મે કાયદેસર ટાંકણી પડે તો પણ સંભળાય એવી શાંતિ હોય! અમુક 'મિશન ઇમ્પોસિબલ' કે 'બ્લેક મિરર'ના એપિસોડ જેવી 'ડોલવે'માં બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય બાકી આર્ટહાઉસ સિરિયસ ફેસ્ટિવલ ફિલ્મમાં તો ખપ પૂરતું અમુક દ્રશ્યોમાં જ હોય. કોઈ વેફરનું પડીકું ખોલે કે ચશ્માંનું કેસ બંધ કરે તો પણ આજુબાજુવાળા તીખી નજરે જુએ એવો અવાજ લાગે ! હા, ત્યાં બેગ ચેક થાય, પણ બહારનું ફૂડ લઈ જવાની મનાઈ નથી. બસ, ગંદકી ના થાય ને અવાજ ના થાય એ જવાબદારી પાળવાની, નહિ તો બીજાઓ જ તમને બહાર ધકેલી દે જેમને સિનેમા જોવામાં રસ છે !
તો આવા માહોલમાં રૂપસુંદરીઓને એમની જોડેના ઉંદર જેવા પુરૂષો લટકમટક જતા હોય એવા કાન ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસની ગ્રાન્ડ સેરેમનીમાં સમયસર પહોંચ્યા છતાં, ને એવો બેજ હોય કે જેમાં કોઈ પણ ફિલ્મ ફ્રી જોઈ શકાય (ખાલી ધ્યાન રાખી આગોતરું બુકિંગ ઓનલાઇન કરવું ઈચ્છનીય. એ સિવાય પણ ચાન્સ પૂરો જોવાનો પણ પછી અલાયદી લાસ્ટ મિનિટ ક્યૂમાં ઉભવું પડે!) છતાં પણ એન્ટ્રી ન મળી. પૂછો ક્યું ?
કારણ કે, ટાઈ નહોતી! એસ્પેશ્યલી, ટાઈ નહિ પણ બો ટાઈ નહોતી !
***
પહેલો અનુભવ કોઈને ખબર નહોતી કે ટિકિટ સાથે ડ્રેસ કોડ વાંચી લેવાનો ધ્યાનથી. આમ તો આમંત્રણના મેઈલમાં જ હતું કે રાતના ગાલા સ્ક્રીનિંગ રોજ થાય એમાં પુરૂષોએ બ્લેક કે નેવી બ્લ્યુ ટ્રાઉઝર સાથે એજ કલરનું બ્લેઝર કે સૂટ પહેરવાનો, શૂઝ પણ ફોર્મલ પહેરવાના, બેકપેક જોડે નહિ રાખવાનું ને બો ટાઈ પહેરવાની. હવે આ નેકટાઇ પહેરવી પણ ભારતના ગરમ વાતાવરણમાં ગમી નથી, ત્યાં બો ટાઈ કોણ પહેરે ગળાચીપ આપતી! એટલે સૂચન ધ્યાન પર ન લીધું. હા, રાતના ઠંડક હોય આમે એટલે બ્લેઝર પહેર્યું. ફિલ્મો સેન્સરશિપથી મુક્ત હોય એવા ઉદાર કલાત્મક વાતાવરણમાં ડ્રેસકોડની ચોકસાઈ બ્રિટિશ કલબ જેવી ફ્રાન્સમાં હશે એ ધાર્યું નહોતું.
પણ ગાલા પ્રીમિયર નાઇટ કે સેરેમનીમાં બધા ફિલ્મના જાણીતા સ્ટાર્સ કે મેકર્સ આવતા હોય એટલે આ ડ્રેસ કોડ રખાયો હોય છે. સ્ત્રીઓને તો ગાઉન એટલે ફાયદો. એમાં કરવા હોય એટલા શણગાર કરી શકે. હેઈડી કલૂમે સિત્તેરેક ફીટના ઘેરવાળો ફુલો જેવો દેખાતો ગાઉન પહેરીને એન્ટ્રી કરેલી! પબ્લિસિટી સ્ટંટ કામિયાબ થતાં આપણે ત્યાં મીડિયામાં વડાપ્રધાનના ફોટાવાળો હાર પહેરી આવી ગયેલી રૂચિ ગુજ્જરે લગ્નમાં પહેરાય એ ચણિયાચોળી પહેરેલાં. કાનમાં લેડીઝ આઉટફિટ બાબતે તો ડિઝાઈનરો ગ્લોબલ બ્રાન્ડ બનતી હોય છે. જેકલીન તો શ્રીલંકન છે પણ શ્રીદેવીપુત્રી જહ્નાન્વી કપૂર માટે તરૂણ તાહિલિયાનીએ ખાસ ડિઝાઈન કરેલો ગાઉન ટ્રેડિશનલ સાડીઓમાંથી હતો! પણ પુરૂષો થોડાઘણા ડિઝાઈનના ફેરફાર સાથે સૂટેડબૂટેડ. ગેટ પરના સ્વયંસેવકો ને મહેમાનોમાં બ્રાન્ડસનો ફેર. ૫ાંચ યુરોની બોટાઈ ડિયોર જેવી કંપનીમાં ૫૦૦ યુરોની થઈ જાય !
એનીવે, બસ બો ટાઈ ના હોવાથી એન્ટ્રી અટકી ગઈ ગાલા નાઈટમાં. દરવાજે ઉભેલી સ્વયંસેવિકાને કન્સર્ન થતાં એણે થોડી મહેનત કરી 'ઉપર' પૂછપરછ કરવાથી પણ કોઈ ફાયદો ન થયો. ત્યાં ઉભેલા એના સાથીઓ માટે પણ બો ટાઈ ફરજીયાત. એ ઉતારી આપી ન શકે. યુરોપમાં સ્ટોર્સ સાંજે વહેલા બંધ થઈ જાય. તાત્કાલિક ખરીદી ન શકાય ! એ પરગજુ કન્યાએ જ સૂચન કર્યું કે કોઈની હોય તો લઈ લો. પછી પાછી આપી દેજો.
આપણા ભારતીય ભેજાએ તો એથી આગોતરું વિચાર્યું કે સેકન્ડહેન્ડ ખરીદી પણ લેવાય ! તત્કાળ ત્યાં પૈસા ઓફર કરીને. અલબત્ત, ટીશર્ટમાં કમ્ફર્ટેબલ જીવને ઘડીક તો ગાંધીજી ને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર થવાના વિચારો આવી ગયા, પણ આગોતરી જાણ સાથેનો ડ્રેસ કોડ નિયમનો ભાગ હતો ને લિમિટેડ ડેઝ રોકાવાનું હોય ત્યાં સત્યાગ્રહ પોસાય નહિ. સિનેમાનો પ્રેમ અગત્યનો ને પ્રેમમાં ક્રાંતિ ના જોઈએ, નમતું જોખવાનું શીખવું પડે.
પાછળથી તો ઈતિહાસ જાણ્યો કે કાન એક સમયે બ્રિટીશ ટેરેટરી હતું. ત્યારથી ડિનર જેકેટનો રિવાજ ગામમાં હતો. ગયા બુધવારે 'અનાવૃત'માં ઈતિહાસ લખેલો એમ વેનિસ ફિલ્મ ફેસ્ટિવલની તત્કાલીન ઈજારાશાહી સામે સંયુક્ત પડકાર હતો કાન ફ્રાન્સ, બ્રિટન ને અમેરિકાનો એટલે જુદી ઓળખ બતાવવી હતી. એમાં ચુસ્ત ડ્રેસકોડ આવ્યો જેથી આલતુંફાલતું કાર્નિવલને બદલે એક પ્રોપર ફેસ્ટિવલની ઈમેજ બને. ને પછી ડિઝાઈનરો આવી ગયા. એનો લાભ લેવા ફેશનના પિયર ગણાતા ફ્રાન્સમાં! શરૂઆતમાં ડ્રેસકોડ હતો, પણ એની ચુસ્ત અમલવારી નહોતી. એ એમાં આવી કે બીજા વિશ્વયુદ્ધ બાદ પાર્ટીના મૂડમાં બધા જ્યારે કાન આવવા લાગ્યા ત્યારે ઘણી સેલિબ્રિટીઓ પણ બાજુના દરિયામાં ન્હાતી હોય કે શરાબ પીને રિલેક્સ થતી હોય તો એમ જ આવી જતી ! આમે ફ્રેન્ચ રિબીએસમાં તો ન્યુડ બીચીઝ પણ છે. એટલે પ્રેક્ષકો નિ:ર્વસ્ત્ર નહિ તો સ્વીમિંગ કોસચ્યુમમાં પહોંચી જતા. એટલે અનુશાસનનો માહોલ જાળવવા ને પહેલેથી જ ડ્રેસની સભાનતા ને બંધનમાં પરોવી દેવાનું આયોજકોએ નક્કી કર્યું. જોકે, પિકાસોથી શરૂ થયું પછી કેટલીય હસ્તીઓએ ડ્રેસ કોડનો ભંગ કર્યો છે, પણ એમને તો બધા ત્યાં
વિશ્વવિખ્યાત હોઈ ઓળખતા હોય. આપણને તો હજુ યુદ્ધમાં પણ ઈઝરાએલ ને અફઘાનિસ્તાન જ ઉઘાડા સમર્થન આપે છે રાજદ્વારી રાહે ! એટલે હેસિયત બનાવ્યા સિવાય ખોટા સિદ્ધાંતના હથોડા મારવા જાવ તો ઈજાગ્રસ્ત ખુદને થવું પડે !
કાનના મેયરે પણ લોકો મજા કરવા આવે છે, રિલેક્સ રહેવા દો એવું ૧૯૪૯માં કહેલું, પણ કાન ફિલ્મ ફેસ્ટિવલની ફિલ્મો પણ એન્ટરટેઈનમેન્ટ માટે નથી, ગંભીર હોય છે મોટે ભાગે થોટ પ્રોવોકિંગ. નોબેલ પ્રાઇઝ વિનર સાહિત્યની જેમ. એટલે યુનિફોર્મની ભાવનાથી જગતભરના મહેમાનોમાં સમાનતા લાવવા માટે ડ્રેસ કોડ કાયમી બની ગયો !
પણ કેવળ ઇતિહાસ જાણવાથી વર્તમાન નથી બદલતો, કર્મ કરવાથી બદલાય છે. એટલે તરત જ હિન્દુસ્તાની જુગાડુ સેલ્સમેનનું પાત્ર ભજવવાનો અભિનય સ્વીકારી ત્યાં જે જવાબ આપે એવા ચહેરાઓ લાગતા હતા ને અંદર જવાને બદલે પોતાની લાઇફની બનીઠનીને આવેલી હીરોઈનો જોડે લટાર મારતા હતા એવા જેન્ટલમેનોને એમની બો ટાઇ ઉધાર આપવા કે વેંચવા પૂછવાનું શરૂ કર્યું. એક-બેની તો હતી જ મોંઘી. કોઈ પાછી લેવા રોકાવાનું ન્હોતું. કોઈને પોતાને જ એન્ટ્રી માટે જોઈતી હતી. કોઈને ભાષાનો પ્રશ્ન હતો. એક સજ્જને તો આમ જ મુસીબતમાં પડેલા મિત્રને નજર સામે આપી દીધી. જયાં થોડી પણ સંભાવના લાગે, ત્યાં પ્રયાસ એની નિયત સમયમર્યાદા પૂરતો કરવાનો જેથી અફસોસ ન રહે, ને પછી ખંખેરી પડતું મૂકી આગળ વધવું .
ઘડીઓ ગણાતી હતી, કારણ કે શો શરૂ થયા પછી એન્ટ્રી નહિ ને આમાં શો પહેલાં કોઈ એડ આવે કે મોડું થાય એવા કોઈ ચાન્સ નહિ. ત્યાં પાર્કિંગ પાસે ઝાડ નીચે એક પુરા ફોર્મલમાં સજ્જ આફ્રિકન મૂળનો જુવાન જોયો. એ ફોન પર વાત અંગ્રેજીમાં કરતો હતો ને દેખાવે એકદમ યુવા વિલ સ્મિથ જેવો જ લાગે. એને વિનંતી કરી. એણે પોતાનું કામ પડતું મૂકીને પણ વાત સાંભળી. આંખોનું ડેસ્પેરેશન સમજી ગયો. જમાનો જ એવો છે કે બધા ફ્રોડ જ લાગે. એનો પણ વાંક નહોતો. થોડી ગડમથલ બાદ એણે હા પાડી. પણ કહ્યું કે એ મધરાત સુધી અહીં હશે. એને એની બો ટાઇ પાછી આપવાની. એણે ના પાડી હોવા છતાં પણ એને ભરોસો બેસે એટલે એના ખિસ્સામાં ડિપોઝિટ પેટે દસ યુરો મુક્યા. જિંદગીમાં ક્દી બો ટાઇ પહેરેલી નહી એટલે એણે શીખવાડયું ને પહેરાવી. એક સિનેલવર બીજા સમરસિયાને ઓળખી ગયો હોય એમ એણે જ ઉતાવળ કરી.
પણ જીવનમાં બધા જ પ્રયત્નો કદી સફળ ન થાય. એન્ટ્રી ખાલી ને ખુલ્લી હતી પણ બેજ ને ટિકિટ સ્કેનનો સમય પૂરો થયેલો. શો પણ શરૂ થયેલો. એટલે મેળ ના પડયો. રઝળપાટથી થાકેલા કદમે જુવાનને શોધ્યો. પણ મળીને વાત કરતા જોયું કે એનો વસવસો તો આ લખવૈયાથી પણ વધુ હતો ! એને રીતસર આંખે ઝળઝળિયાં આવી ગયા. એને થયું કે પોતે વાત સમજવામાં ને બો ટાઇ આપવાનો નિર્ણય લેવામાં સમય ના બગાડયો હોત, તો કદાચ આ કસરત લેખે લાગત. બો ટાઇ પાછી મળ્યા પછી પણ ઉદાસ થઈ જાતને કોસતો ઊભો રહ્યો એ. વાતચીતમાં ખબર પડી કે એ પણ એક સંઘર્ષ કરતો ફ્રેન્ચ અભિનેતા છે. નામે હ્યુગો ફેલન. ઈન્સ્ટાગ્રામ પર એકમેકને ફોલો કરવાનો આધુનિક મૈત્રીરિવાજ નિભાવી ફરીથી એણે સોરી કહેતા ભેટીને એને આ કહ્યું : 'દોસ્ત, સેરિમની ને શોઝ તો થતા રહેશે. પણ સંવેદનથી મધુર એવા ઇમોશનલ ઇન્સાન ઝટ જડતા નથી. આઈ લોસ્ટ એ જોય ઓફ ઇમેજીનેશન બટ ફાઉન્ડ એ રેર હ્યુમન બીઇંગ ઇન ધ પ્રોસેસ. સો ચીઅર્સ ટુ અસ.' સેલ્ફીવિધિ કરી છુટા પડયા પછી પણ એનો મેસેજ આવ્યો સોરીનો. કોને ખબર આવો સારો માણસ અભિનેતા તરીકે સ્ટેજ પર સન્માનિત થાય કોઈ દિવસ અહીં ! બો ટાઈને ફ્રેન્ચમાં પેપેલિયોં કહેવાય. યાને પતંગિયું. પ્રવાસો આમ મધુરસના રંગબેરંગી અનુભવ કરાવે ત્યારે જ યાદગાર બને !
નેક્સ્ટ ડે તો બો ટાઇ ખરીદી લીઘી ગાલા ઇવનિંગ માટે. હા ઓપનિંગ સેરિમની પૂરી થઈ ને ક્લોઝિંગ સુધી રોકવાનું શક્ય નહોતું. પણ કાનમાં તો રોજ સાંજે રેડ કાર્પેટ હોય. એમાં બધી ફિલ્મો એકસાથે રિલીઝ નથી થતી. રોજ કોઈ ને કોઈ પ્રીમિયર હોય. દૂર બનેલા સિનેરીયમ કોમ્પ્લેક્સમાં પણ શોઝ હોય છે. રિપિટ શોઝ થયા કરે. રોજ કોઈને કોઈ સેલિબ્રિટીઓ આવે. ખાતો ખેલ ત્યાં ભરતી માર્કેટના નામે થતો હોય છે. મિસ વર્લ્ડને ફ્રેન્ચ ફિલ્મોમાં પણ કામ કર્યું હોઈને ઇન્ટરનેશનલ આઇકોન ઐશ્વર્યા તો આયોજકોના ત્યાં દીવાલે મઢેલા પોસ્ટરમાં અન્ય સ્ટાર્સ સાથે છે. ટેરેન્ટિનો જેમ જૂની રિસ્ટોર કરેલી ફિલ્મો પ્રેઝન્ટ કરવા આવેલા એમ વેસ એન્ડરસન સત્યજિત રાય માટે આવ્યા ને એમાં શર્મિલા ને સિમી સત્તાવાર મહેમાન છે. બોલ્ડ ફિલ્મો બનાવતા આપણાં ગુજરાતી પાયલ કાપડિયા ગૌરવભેર જ્યુરીમાં છે ને ગુજરાતી વિશાલ જેઠવા (મર્દાની-ટુ) ફેમ ટેલેન્ટેડ ડાયરેક્ટર નીરજ ધવનની ફિલ્મ 'હોમબાઉન્ડ' આયોજકો દ્વારા આઉટ ઓફ કોમ્પિટિશનમાં (સ્પર્ધામાં ભાગ લેવા સિલેક્ટ ન થઈ હોય પણ સારી લાગે એટલે સ્ક્રીનિંગ માટે આમંત્રણ ઓફિશ્યલ મળ્યું હોય એ વિભાગ)માં છે અને વ્હાલા ગુજરાતી પેન નલિન ઇટાલીમાં ફિલ્મ બનાવતા બનાવતા ઓસ્કરની એકેડેમી હેડ જોડે ત્યાં આવ્યા. બાકી ભારતનું એનએફડીસી પેવેલિયન ખરું. એ માર્કેટમાં જેમ ચા-નાસ્તા ને ગ્લોબલ પ્રમોશન પીઆર માટે બધા એકઠા થાય. ત્યાં ફિલ્મ દેખાડાય એ સારું, પણ એ તો બજારના ભાગ રૂપે. મૂળ ફેસ્ટિવલનો હિસ્સો નહી. એવું જ કોસ્મેટિક બ્રાન્ડ માટે કે ટિકિટ ખર્ચી વ્યૂઅર તરીકે રેડ કાર્પેટ પર ફોટા પડાવતી મોડલોનું.
પણ આ બધી વાતો તો થશે. તોબરો ચડાવી ગાર્ડ સાથે પોતાના કાફલાથી લોકો જોશે તો પણ અભડાઈ જશે એવું માની ફરતી હેલી બેરી પણ મળે, ને મધરાતે પણ એનું દાયકાઓ પહેલાં પોસ્ટર ગોંડલમાં સાચવનાર ચાહકને ખૂબ પ્રેમથી મળીને ત્યાં સેલિબ્રિટી માટે સતત હાજર કાળી બીએમડબલ્યુના કાફલાને મૂકીને હસીને ફોટો પડાવતી જર્મન સુપર મોડલ હેઇદી ક્લૂમ પણ હોય એ ધન્ય ઘડી ! શરીર બતાવવામાં શરમાય નહિ એવી કમનીય કાયા ધરાવતી કન્યાઓની માયા એટલે જ તો સિનેમાયા. પણ જોડે મન પણ મોજીલું મરકલડું પ્રસરાવે એવું હોય તો મેમોરેબલ મોમેન્ટ બને !
- જય વસાવડા
ફાસ્ટ ફોરવર્ડ
'અમે પૈસા કમાવા ફિલ્મો નથી બનાવતા. પૈસા એટલે કમાઈએ છીએ કે ફિલ્મો બનાવી શકીએ.'
(વોલ્ટ ડિઝની)