
મહારાષ્ટ્રના મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્મા સ્ટેન્ડનું ઉદ્ધાટન થયું છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને NCP-SCP ચીફ શરદ પવાર ઉપસ્થિત રહ્યા હતા. રોહિત શર્માએ પોતાના માતા-પિતાને સ્ટેજ પર બોલાવીને સ્ટેન્ડનું ઉદ્ધાટન કર્યું.
વાનખેડેમાં રોહિત શર્મા સ્ટેન્ડ
ભારતના વનડે ક્રિકેટ કપ્તાન રોહિત શર્માના નામથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સ્ટેન્ડ ખોલવામાં આવ્યું છે. આ સ્ટેન્ડના ઉદ્ધાટન દરમિયાન રોહિત શર્મા પોતાના માતા-પિતા અને પત્ની રિતિકા સજદેહને સ્ટેજ પર બોલાવ્યા. મુખ્યમંત્રી ફડણવીસ અને એનસીપી નેતા શરદ પવારે રોહિતના માતા-પિતાને હાથ લગાવીને રોહિત શર્મા સ્ટેન્ડનું ઉદ્ધાટન કરાવ્યું.
મેં ક્યારે નહોતું વિચાર્યું કે મારા માટે આ બધું થશે: રોહિત શર્મા
રોહિત શર્માએ આ પ્રસંગે કહ્યું કે, 'હું અહીં હાજર તમામ લોકોનો આભાર માનું છું. આ ક્ષણ મારા માટે ખૂબ ખાસ છે. મને ક્યારે નથી લાગ્યું કે મારા માટે આ બધુ થશે. હું માત્ર ક્રિકેટ રમવા માટે આવ્યો હતો, મુંબઈ માટે રમવા આવ્યો હતો, દેશ માટે રમવા આવ્યો હતો. મેં પણ બાકી તમામ ખેલાડીઓની જેમ જ હંમેશા પોતાનું બેસ્ટ આપવાનો પ્રયાસ કર્યો.'
રોહિત શર્માએ ભાવુક થતાં કહ્યું કે, 'તમે પ્રયાસ કરો છો અને ઘણું હાંસલ કરો છો, અનેક માઇલસ્ટોન બનાવો છો. પરંતુ એવું કંઈ થવું મારા માટે ઘણું સ્પેશિયલ છે. વાનખેડે એક આઇકોનિક સ્ટેડિયમ છે અને અહીં ઘણીબધી યાદો બનેલી છે. અહીં આટલા મહાન લોકો સાથે મારું નામ પણ સામેલ થવું મારા માટે એક મોટી વાત છે. આ મારા માટે વધુ સ્પેશિયલ એટલા માટે છે, કારણ કે હું હજુ પણ ક્રિકેટ રમી રહ્યો છું. હું ક્રિકેટના બે ફોર્મેટમાંથી રિટાયર થઈ ચૂક્યો છું, પરંતુ હું હજુ પણ એક ફોર્મેટમાં રમી રહ્યો છું.'