સુરતમાં દેમાર વરસાદથી શહેરીજનો બાનમાં મૂકાઈ ગયા છે. વિતેલા 24 કલાકમાં ખાબકેલા સાંબેલાધાર વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. ખાડી કિનારે આવેલી સોસાયટીના ઘરમાં પાણી ઘુસી ગયા છે. રસ્તાઓ પર કમર સુધીના પાણી ફરી વળતાં વાહનવ્યવહારને ગંભીર અસર પડી છે. લોકો ઘરની બહાર નીકળતા અગાઉ રસ્તા પર પાણી ભરાયા છે કે કેમ તેવી પૂછપરછ કરીને નીકળી રહ્યાં છે. રસ્તાઓ પાણીના કારણે બંધ થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. અવિરત પડી રહેલા વરસાદના પગલે ભારે તારાજી સર્જાઈ છે.