WhatsApp Image Scam: ઓનલાઈન બેન્કિંગના જમાનામાં દરરોજ સવાર પડેને ઈ-ચીટિંગની નવી પદ્ધતિની માહિતી સામે આવે છે. છેતરપિંડી આચરવા માટે મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટરથી ઓનલાઈન બેન્કિંગ કે એટીએમ કે ઓટીપી ફ્રોડની 100થી વધુ પદ્ધતીઓ અમલમાં છે. પોલીસ અને લોકો જાગૃત બની રહ્યાં છે, ત્યાં હવે વોટ્સએપ ઉપર માત્ર ફોટોગ્રાફ મોકલીને બેન્ક ખાતું હેક કરી લેવાની ઠગાઈની નવી ચોંકાવનારી પદ્ધતિ આવી છે. જાણકારો કહે છે કે, વોટ્સએપમાં અજાણ્યા નંબરથી કોઈપણ ફોટોગ્રાફ મોકલાય છે. આ ફોટો સાથે કોડ સામેલ હોય છે જે સામાન્ય લોકોને ખબર પડતી નથી. વોટ્સએપ ઉપર મોકલેલો ફોટોગ્રાફ ડાઉનલોડ કરતાં જ મોબાઈલથી નેટબેન્કિંગ કરાતું હોય તો એકાઉન્ટ હેક કરી પૈસા ઉપાડી લેવાની પદ્ધતિ સ્ટેગ્નોગ્રાફી તરીકે ઓળખાય છે.

