
ગુજરાતમાં વિકાસના કામો ઠેર ઠેર થઈ રહ્યાં છે. પરંતુ, અમુક કામો દાયકાઓ બાદ પણ અધુરાં હોવાનું જોવા મળે છે. આવો જ ઘાટ વ્યારા કાકરાપાર રોડ પર રેલ્વે ફાટક પર વર્ષ 2015માં અંદાજિત 22 કરોડના ખર્ચે ઓવરબ્રિજનું કામ શરૂ થયું હતું. 912 દિવસમાં કામ પૂરું કરવાનું લક્ષ્ય હતું.
પાંચ કિમીનો ફેરાવો
3 વર્ષે થનારું કામ10 વર્ષે પણ અધૂરું છે. એજન્સી અડધું કામ કરી છોડી ગઈ હતી. ફાટક બંધ હોવાથી રસ્તો પણ બંધ થઈ જતા છેલ્લા 10 વર્ષથી સી.એન.કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર, કાળીદાસ હોસ્પિટલ મેડિકલ કોલેજમાં આવતા વિદ્યાર્થીઓ, તેમજ બ્લડ બેન્કમાં આવતા દર્દીઓને પાંચ કિલોમીટર ફેરાવો સહન કરવો પડે છે.
લોકોએ ઉભા કર્યા સવાલ
વ્યારાવાસીઓએ કહ્યું કે, અમારે ત્યાં વિકાસના કામોમાં ખૂબ જ ઢીલ થઈ રહી છે. અમારે રોજનો આ ફેરાવો લાંબો ચાલી રહ્યો છે. રોજે રોજનું નુકસાન થઈ રહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ અમારી સામે જોતું નથી.