
દુનિયાભરમાં હીરા ઉદ્યોગ માટે પ્રસિદ્ધ સુરતમાં આજે રત્ન કલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હીરા કંપની શિવાંત જેમ્સ ડાયમંડ દ્વારા કામના ભાવે થયેલા અચાનક ઘટાડા સામે કલાકારો રોષે ભરાઈ ગયા છે. કંપનીએ જીણા હીરાઓ પરના કામના ભાવમાં 18 રૂપિયાથી ઘટાડો કરીને 12 રૂપિયા પ્રતિ હીરા કરી દીધા છે. ઉપરાંત, પહેલા 100 રૂપિયા મળે તેવા જાડા હીરાને પણ જીણા હીરાઓમાં ભેળવીને કામ અપાવાયું છે. જેના લીધે કામની ગુણવત્તા તથા મહેનત બંનેનો યોગ્ય વળતો ન મળતો હોવાનો કલાકારોનો આક્ષેપ છે.
રત્ન કલાકારોનો વિરોધ
આ ભાવ ઘટાડાની નીતિ સામે રત્ન કલાકારો કામથી અળગા રહી ગયા છે અને ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કર્યો છે. કલાકારોએ જણાવ્યું કે, “અમે દિવસ-રાત મહેનત કરીએ છીએ, આંખોને નુકસાન પહોંચે છે, શારીરિક તકલીફો થાય છે – છતાં પણ અમારું મહેનતાનું પૂરતું મૂલ્ય નથી અપાતું.”કલાકારોએ આવકમાં થયેલા ઘટાડાને “અણયોગ્ય અને અત્યંત અન્યાયપૂર્ણ” ગણાવ્યું છે. પહેલા દર મહિને 30થી 35 હજાર સુધીની આવક થતા કલાકારો હવે માત્ર 15 હજાર રૂપિયા મેળવતાં બન્યા છે, જે તેમની પરિવારની જરૂરિયાતો પૂરું પાડવા માટે અપૂરતું છે.
ભાવ વધારાની માંગ
કલાકારોએ તેમના પ્રતિ હીરા પર છ રૂપિયા સુધીના ઘટાડાનો સખત વિરોધ કરતા કહ્યું છે કે, આજે તેઓ ઊભા રહે છે તો હીરા ઉદ્યોગ ચાલી રહ્યો છે. “અમે નથી તો કાચા હીરા પણ કઈ કામના નથી,” એમ એક કલાકારે જણાવ્યું.તેમની માંગ છે કે કામના ભાવ ફરીથી વધારવામાં આવે, ખાસ કરીને મહેનત અને ગુણવત્તાને ધ્યાનમાં રાખીને. ઉદ્યોગ સંસ્થાઓએ જો સમયસર યોગ્ય પગલાં નહીં ભરે તો આગામી દિવસોમાં હજી મોટા પાયે વિરોધના ચેતાવણી પણ કલાકારો દ્વારા આપવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લઈ હાલ કંપની તરફથી કોઈ અધિકૃત નિવેદન આપવામાં આવ્યું નથી.