આધુનિક સમયના મહાન ઋષિ અને સંત શ્રી રમણ મહર્ષિનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૭૯ના રોજ તામિલનાડુના તિરુચુલી ગામમાં થયો હતો અને ૧૪ એપ્રિલ ૧૯૫૦ના રોજ તે નિર્વાણને પ્રાપ્ત થયા હતા. તેમણે તામિલનાડુમાં આવેલ પવિત્ર અરુણાચલ પહાડી પર ગહન સાધના કરી હતી. વિશ્વભરમાં તેમને શાંત ઋષિ તરીકે ઓળખવામાં આવે છે. તેમણે આત્મ-જાગરણ પર ખૂબ મહત્વ આપ્યું હતું. તે કહેતા હતા- 'ગુરુની કે સત્સંગના અવસરની રાહ જોયા કરવાને બદલે ક્યાંકથી શરૂઆત કરો અને હમણાં જ કરો.' હું કોણ છું ?' એ પ્રશ્ન સાથે સાધના શરૂ કરી દો.' સત્ય તમારી અંદર જ છે. બહારથી કશું લાવવાનું નથી. તમારે ઓરડામાં સૂર્યપ્રકાશ લાવવા માત્ર ઘરના બારી કે બારણાને ખોલી નાંખવાનું છે નાડી, કુંડલિની અને ચક્રોની ચિંતા ન કરો. તત્વજ્ઞાનની ભૂલભુલામણી અતિશય ગૂચવાડો પેદા કરશે. બધે ભટક્યા પછી છેવટે તો આત્માના ક્ષેત્રમાં જ આવવું પડશે. તો અત્યારે અહીં જ આત્મામાં કેમ ન રહેવું?

