
'ઝૂંપડાંમાં બાળકો રહે છે. અમુક મારાથી મોટાં,તો અમુક નાનાં. એ બધાં ખુલ્લા પગે મારે છે આંટા એટલે ક્યારેક એને લાગે છે પગમાં કાંટા. આપણે એ બધાંને સરસ મજાનાં ચંપલ લઈ દઈએ તો?'
એક હતી છોકરી. નામ એનું દિઆરા. એને ચિત્રો ને મિત્રો બનાવવાં બહુ ગમે. એના પપ્પાનું નામ આલોક. એમણે લઈ દીધા હતા એને રંગબેરંગી ચોક. દિઆરાનાં મમ્મીનું નામ ધારણા. એમણે ખોલ્યાં ઘરનાં બારણાં, ને કહ્યું 'જો દિયુ, આ આપણું સરસ મજાનું મોટું ફળિયું! એમાં કેવાં જાતજાતનાં રંગબેરંગી ફૂલછોડ છે! ને જો પેલી ખિસકોલી!'
દિઆરાએ ઝાડ ઉપર બેઠેલી ખિસકોલીનું સરસ મજાનું ચિત્ર દોર્યું. એ ચિત્ર જોઈને આલોક કહે, 'વાહ સરસ!'
ધારણા કહે, 'શાબાશ દિઆરા!'
દિઆરા ચોક, પેન્સિલ વગેરેથી જાતજાતનાં ચિત્રો દોરે, ને પછી એમાં ભાતભાતના રંગો પૂરે. એ જાડોપાડો હાથીય દોરે ને નાનકડી કીડીય દોરે. માણસ પણ દોરે ને વૃક્ષ પણ દોરે. પપ્પાએ એને રંગોની ડબ્બીઓ ને પીંછીઓની પેટીય લઈ દીધી હતી.
દિઆરાને ગાતાય સરસ આવડે. હજી તો એની ઉંમર માત્ર આઠ વર્ષની, પણ એને આખાં ને આખાં ગીતો મોઢે હોય, બોલો!
એક હતી અંતરા. આદિત્ય, ત્વરા ને દિઆરા એનાં પાકાં મિત્રો. અંતરાના ઘરમાં એક મોટું ફળિયું. ત્યાં સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, જ્યાં સંગીત અને નૃત્યનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અંતરા કહે, 'ત્વરા એટલે ઝડપ. જા ઝડપથી જા ને નાચી બતાવ.'
અંતરના ભાઈ દધીચિએ એક ગીત ગાવાનું શરૂ કર્યું. એનો કંઠ બહુ મધુરો. ત્વરાએ એ ગીત ઉપર સરસ મજાનું નૃત્ય કર્યું. બધાએ ખૂબ તાળી પાડી.
એ પછી દિઆરા આવી આગળ. ખોલીને બતાવ્યો એણે એક કાગળ. એણે કહ્યું, 'જુઓ આ કાગળમાં મોર છે મોર. એ મેં દોર્યો છે.'
સરસ ચિત્ર જોઈ બધાએ તાળી પાડી ત્યાં તો દિઆરા ડોલીને કહે, 'હવે હું તમને મોરભાઈનું એક ગીત સંભળાવીશ.' એ ગાવા માંડી:
'મારા ફળિયામાં એક આવે છે મોર,
ફરતો એ ફળિયામાં બસ ચારેકોર,
હું અડતી એને એ થાતો રાજી,
પીછાં રંગીન એનાં, આંખો ચકોર,
કરતો ટેહુક ટેહુક નાચે છમછમ,
એને જોઈ મેઘો આવે ઝમઝમ ઝમઝમ
ઝમઝમ ઝમઝમ, રુમઝુમ રુમઝુમ, રુમઝુમ...'
એણે કાગળમાં કે મોબાઈલમાં કે બીજે ક્યાંય એ ગીત જોયું નહીં, વાંચ્યું નહીં. એ તો સ્ટેજ પર ચડી ગઈ હતી સડસડાટ ને ગાવા લાગી હતી મોઢે કડકડાટ. ગીત પૂરું થતા જ સૌએ તાળીઓનો કર્યો જોરદાર ગડગડાટ.
- દુર્ગેશ ઓઝા