Home / : Chichi's concern

zagmag: ચીચીની ચિંતા

zagmag: ચીચીની ચિંતા

 'મગફળીનો દાણો તારા પેટમાં ખૂબ તોફાન મચાવશે! પછી ડોક્ટર પાસે જવું પડશે! ડોક્ટર તારું પેટ ચીરશે... ચરરર!'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચીચી ખિસકોલીને મગફળી બહુ જ ભાવે.

જ્યારે પણ મગફળી ખાવા મળી જાય ત્યારે તે તો ખૂબ ખુશ થઈ જાય!

એક વખત મગફળી ખાતાં-ખાતાં, ઉતાવળ અને હરખમાં, ચીચી મગફળીનો આખો દાણો ગળી ગઇ!

દાણો પેટમાં જતાં જ ચીચી તો ગભરાવા લાગી.

તેને ચિંતા થઇ: 'હવે શું થશે? આ મગફળીનો દાણો મારા પેટમાં ગયો ત એનાથી કોઇ ગરબડ થશે તો?'

ચીચી તો ચિંતામાં ને ચિંતામાં આમથી તેમ ફરતી રહે! ન નીંદર આવે કે ના ખાવાનું ભાવે. બસ આખો દિવસ તેને, હવે મને શું થશે? એ જ વાતની ચિંતા સતાવ્યા કરે!

એવામાં એક દિવસ કાગડો તેને આમ ચિંતામાં જોઇ ગયો. કાગડાએ ચિંતાનું કારણ પૂછયું.

ચીચીએ તો રડમસ અવાજે આખી વાત કાગડાને કહી.

ચીચીની વાત સાંભળીને કાગડો કહે,  'ઓ...આ તો મોટી આફતની વાત છે!'

'હેં! શું થશે મને? શું આફત આવશે?' ચીચી તો ખૂબ જ ગભરાઈ ગઇ.

એ જોઇને કાગડો તેને વધારે ડરાવવા લાગ્યો, 'મગફળીનો દાણો તારા પેટમાં ખૂબ તોફાન મચાવશે! પછી ડાક્ટર પાસે જવું પડશે! ડાક્ટર તારું પેટ ચીરશે... ચરરર!'

'ના,ના,ના!'  ચીચી તો આ બધું સાંભળી પણ ના શકી! ખૂબ ગભરાઈને ત્યાંથી દૂર ચાલી ગઇ.

ભોળી ચીચીએ કાગડાની આ વાતને સાચી માની લીધી હતી. આથી તેને સતત જાતજાતના વિચારો આવવા લાગ્યા અને ખૂબ ડર પણ લાગવા લાગ્યો. 

'ડાક્ટર મારું પેટ ચીરે તો શું થાય?' એવી બીકે તેણે બખોલની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું.

દિવસ-રાત બસ ચિંતા જ ચિંતા!

એવામાં  એક દિવસ, ચીચીની બેસ્ટ ફ્રેન્ડ કાબર તેને મળવા આવી. કાબર તેને ચિંતામાં જોઈને પૂછવા લાગી.' કેમ હમણાં તો કયાંય દેખાતી જ નથી? ને આમ ઉદાસ કેમ દેખાય છે? ચીચી, શું વાત છે?'

કાબરના પ્રશ્નો સાંભળીને ચીચી તો રડી જ પડી! ને પછી કાબરને બધી વાત કરી. પોતાની મોટામાં મોટી ચિંતા પણ કહી, 'ડાક્ટર મારું પેટ ચીરશે તો?'

આ સાંભળીને કાબર ખડખડાટ હસી પડી. ચીચીની ખોટી ચિંતા દૂર કરતાં તેણે કહ્યું, 'મગફળીના દાણો ગળી જવાથી પેટમાં કોઇ તકલીફ ન થાય! એ તો કયારનો પચી ગયો હશે! એમાં ડાક્ટર પાસે જવું જ ન પડે! તું ખોટી ચિંતા અને બીકથી અરધી થાય છે!'

'પણ કાગડો તો કહેતો હતો કે, ડાક્ટર મારું પેટ ચીરશે ને પછી...' ચીચીએ કહ્યું.

ફરી હસી પડતાં કાબર બોલી, 'એ તો ખોટો છે! એની વાત તે કદી મનાતી હશે?'

'મતલબ મને કાંઇ નહીં થાય?' ચીચીએ પૂછયું.

કાબર કહે, 'ના, યાર! તારી ચિંતા અને બીક સાવ ખોટાં છે! એ બધું ભૂલીને ચાલ બહાર!'

'યે... હા,ચાલો! ચાલો!' ચીચી હવે ચિંતામુકત થઈ ગઇ અને રાજીના રેડ થતાં નાચવા લાગી.

કાબરે કહ્યું 'ચાલો,મગફળી ખાવા!'

'હા, હા, ચાલો!'  ચીચીએ રીતસર દોટ જ મૂકી!

કિરીટ ગોસ્વામી

Related News

Icon