
દિલ્હી કેપિટલ્સ માટે IPL 2025ની શરૂઆત એક સુંદર સપના જેવી થઈ છે. ચિન્નાસ્વામી મેદાન પર દિલ્હીએ આ સિઝનમાં સતત ચોથી જીત મેળવી છે. એકતરફી મેચમાં, દિલ્હીએ યજમાન ટીમને 6 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા. જોકે, દિલ્હીએ આ ટાર્ગેટ ફક્ત 17.5 ઓવરમાં સરળતાથી ચેઝ કરી લીધો હતો. ટીમ માટે KL Rahul એ શાનદાર બેટિંગ કરી અને 53 બોલમાં 93 રનની દમદાર ઈનિંગ રમી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સ પણ 23 બોલમાં 38 રન બનાવીને અણનમ રહ્યો હતો.
દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી
164 રનનો ટાર્ગેટ ચેઝ કરતી વખતે દિલ્હીની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ફાફ ડુ પ્લેસિસને યશ દયાલે ફક્ત 2 રન બનાવીને આઉટ કર્યો હતો. ત્યારબાદ ભુવનેશ્વર કુમારે જેક ફ્રેઝર મેકગર્ક અને અભિષેક પોરેલને સસ્તામાં આઉટ કર્યા હતા. ફ્રેઝરે 6 બોલમાં 7 રન બનાવ્યા હતા. અભિષેક પોરેલ પણ ફક્ત 7 રન બનાવી શક્યો હતો. કેપ્ટન અક્ષર પટેલ પણ બેટથી કંઈ ખાસ ન કરી શક્યો અને 15 રન બનાવીને આઉટ થયો હતો.
Rahul એ શાનદાર ઇનિંગ રમી
30 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં મુકાયેલી દિલ્હીની ટીમને કેએલ રાહુલ અને ટ્રિસ્ટન સ્ટબ્સે શાનદાર રીતે સંભાળી હતી. ખાસ કરીને રાહુલ ખૂબ જ સારી સ્થિતિમાં દેખાતો હતો અને તેણે દિલ્હીને ખરાબ ઈનિંગમાંથી બહાર આવવામાં મદદ કરવા માટે સમજદારીપૂર્વક બેટિંગ કરી હતી. ક્રીઝ પર સેટ થયા પછી, રાહુલે RCB બોલરોને આડે હાથ લીધા હતા. રાહુલે 37 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. રાહુલે 53 બોલમાં 93 રનની શાનદાર ઈનિંગ રમી હતી. રાહુલે પોતાની ઈનિંગ દરમિયાન 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. સ્ટબ્સ 23 બોલમાં 38 રન બનાવીને અણનમ રહ્યો હતો. રાહુલે એક દમદાર છગ્ગો ફટકારીને દિલ્હીને આ સિઝનની સતત ચોથી જીત અપાવી હતી.
સોલ્ટ-ડેવિડની અદ્ભુત ઇનિંગ્સ
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા આવેલી RCBની શરૂઆત સારી રહી હતી. ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીએ પહેલી વિકેટ માટે 3.5 ઓવરમાં 61 રન બનાવ્યા હતા. સોલ્ટ વિસ્ફોટક શૈલીમાં રમ્યો અને 17 બોલમાં 37 રન બનાવ્યા હતા. સોલ્ટે મિચેલ સ્ટાર્કની એક જ ઓવરમાં 30 રન ફટકાર્યા, જેની મદદથી RCBએ માત્ર 3 ઓવરમાં 50 રન બનાવ્યા. કિંગ કોહલીએ 14 બોલમાં 22 રન બનાવ્યા હતા. જોકે, ત્યારબાદ RCBની ટીમ સતત વિકેટો ગુમાવતી રહી અને અડધી ટીમ 100 રન સુધી પહોંચે તે પહેલાં જ આઉટ થઈ ગઈ. રજત પાટીદારે 23 બોલમાં 25 રન બનાવ્યા હતા.
જોકે, અંતિમ ઓવરોમાં, ટિમ ડેવિડે બાજી સંભાળી અને તોફાની ઈનિંગ રમી, 20 બોલમાં 37 રન બનાવ્યા, જેના કારણે RCB 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 163 રન બનાવવામાં સફળ રહી હતી. દિલ્હી તરફથી બોલિંગમાં, કુલદીપ યાદવે મિડલ ઓવરમાં શાનદાર સ્પેલ ફેંક્યો અને માત્ર 17 રન આપીને બે વિકેટ ઝડપી હતી. મોહિત શર્માએ 10 રન આપીને એક વિકેટ લીધી હતી.